ગુરુ શનિની યુતિઃ ગુરુનું જ્ઞાન શનિનો ત્યાગ બનાવે સંત
ગુરુ જ્ઞાનનો ગ્રહ છે. ગુરુતા જ્ઞાનની સાથે સાથે ગુરુતાગ્રંથી પણ લાવે છે. જ્યારે શનિ ત્યાગનો ગ્રહ છે. પીડા અને ત્યાગ વચ્ચે ગહન સબંધ છે. પીડા વગર સાક્ષાત્કાર પણ શક્ય નથી. આથી શનિ પીડા આપે છે પણ પરપીડનથી બચાવે છે. પીડામાં જ વ્યક્તિ વિચારે છે. સુખમાં તો છકી જાય છે, પણ દુઃખમાં વ્યક્તિ તત્વજ્ઞાની બને છે. તેને સંસાર અસાર હોવાની અનૂભૂતિ થાય છે. આ અનૂભૂતિ શનિદેવ કરાવે છે. કેટલાય મહાન સંતોની કુંડળીમાં આથી જ શનિ અને ગુરુની યુતિ જોવા મળી છે. જ્યારે જ્યારે શનિ અને ગુરુ જન્મકુંડળીના એક સ્થાનમાં ભેગા થાય ત્યારે ત્યારે તે વ્યક્તિને ગ્રહોના અંશ અને યુતિની અંશાત્મકતાના આધારે તે વયમાં આત્મસાક્ષાત્કાર થાય કે પછી સંતત્વની પ્રાપ્તી થાય છે.
ગુરુના કારણે વ્યક્તિને જ્ઞાન જરૂર મળે છે પણ ગુરુ ઉપભોક્તાવાદી ગ્રહ છે. તેના કારણે ગુરુના શુભત્વના કારણે સૂક્ષ્મ અહંકાર પીછો નથી છોડતો. પરંતું જો ગુરુ સાથે શનિનો સબંધ થાય તો ગુરુની અહંકારવૃત્તિ પર બ્રેક વાગી જાય છે. વ્યક્તિ વિચારે છે. અનુભવે છે. અને અનુભવ જ સર્વશ્રેષ્ઠ ગુરુ છે. આથી અનુભવના આધારે ગુરુ શનિની યુતિવાળો જાતક પરોકારી અને પરદુઃખે દુઃખી થનાર બને છે. માત્ર ગુરુ શનિની .યુતિ જ નહી પણ પરિવર્તન યોગ હોય કે દ્રષ્ટિયુતિ થતી હોય તો પણ આવા જાતકોના જીવનમાં એવો સમય આવે છે જ્યારે તે માત્ર પોતાના માટે નહિ પણ અન્યોના માટે પોતાનું જ્ઞાન, વગ, સંપત્તિ અને સમજ વાપરે છે, વહેંચે છે.