નવરાત્રી વિશેષઃ પરમપિતાને વંદન, કારણ કે તેણે માં બનાવી
દુનિયાભરમાં ગુજરાત જે બે ત્રણ બાબતોથી અોળખાય છે તેમાં છે, ગાંધી અને ગરબા મુખ્ય છે. અમેરિકા હોય કે લંડન, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં રમે ગરબા. ભલુ થજો તારક મહેતાના ઊલ્ટાં ચશ્મની સિરીયલનું કે તેમણે ટીવીના માધ્યમથી ગરબાને ફેમસ કર્યા જો કે,દયાભાભી હાસ્યાસ્પદ રીતે ગરબા ગાય છે તે ગુજરાતી ગરબા નથી. એમ કહેવાય છે કે બાર ગાઉએ બાેલી બદલાય પણ ગુજરાતમાં તો ગામે ગામે ગરબા બદલાય, ગરબે ઘૂમતી માનૂનીની લઢણ અને લય બદલાય, અા ગુજરાતના ગરબા એમ કહેવાને બદલે હવે અમારા વડોદરાના ગરબા ને તમારા અમદાવાદના ગરબા એમ કહેવું પડે તેટલી વિવિધતા અાવી ગઇ છે ગરબામાં. બોલીવુડના ગરબા જુદા અને નવરાત્રી માં રમાતા મેદાનો પરના ગરબા જુદા, લગ્ન પ્રસંગે વાજાબેન્ડના તાલે રમાતા ગરબા જુદા, હવે ગરબા તો નવરાત્રીની એક વિધી છે પણ જુવાનીયાઅોને જોમ ચઢાવે તેવી એક અા વિધી જ જાણે અાખે અાખી નવરાત્રી હોય તેવો માહોલ જામી ગયો છે.
જુઅોને વર્ષમાં ચાર વખત નવરાત્રી અાવે છે. અાસો મહિનાની નવરાત્રી ફેમસ છે. જ્યારે ચૈત્રની નવરાત્રી પણ ઠીક ઠીક જાણીતી છે પણ અાષાઢ અને મહા મહિનાની નવરાત્રી અોછી જાણીતી છે. તેમાં પણ અાસોની નવરાત્રી અેટલે જ જાણે મુખ્ય નવરાત્રી અેવો માહોલ થઇ ગયો છે. લોકોને બે જ વસ્તુમાં રસ પડે છે. અેક, મજા કરવામાં અને બીજું પૈસા કમાવામાં અાસોની નવરાત્રી અા બંને બાબતો માટે ઉત્તમ ફળદાયી છે અાથી અાસોની નવરાત્રીની જ બોલબાલા છે, તેમાંય અાસોની નવરાત્રીમાં રમાતા ગરબાની જ બોલબાલા છે, અેમ કહીઅે તો ચાલે, બાકી ઘટ્ટ સ્થાપન, માતાજીના જ્વારા વાવવાના, અારતી અને નૈવેદ્ય ધરાવવાના, નવ નવ દિવસ સુધી ઉપવાસ કરવાના કે ચંડીપાઠ કરવાના કે પછી બ્રાહ્મણોને બોલાવીન નવચંડી યજ્ઞ કરાવવો જેવા અનેક પ્રકારો પણ અા નવરાત્રીમાં જ કરવાના હોય છે. પણ સૌથી વધુ પ્રચાર થાય છે ગરબાનો કારણ કે તેમાં છે ગ્લેમર ચમક-દમક, વળી તેમાં છે જુવાનીયાઅો અને જુવાનડીઅો, તેમાં કેટલાય એવી બાબતો શામેલ છે કે જેને જોઇને જુવાન હ્રદયમાં થડકારા પડે, સંગીત અન નૃત્ય સદીઅોથી જુવાન હ્રદયને ડોલાવતું રહ્યું છે. બોલીવુડ તરફનું ખેંચાણ પણ કેટલાક અંશે તો મ્યુઝિકના કારણે જ છે.
પરંતું વાસ્તવમાં નવરાત્રીએ અા બધાથી પરે અેવું એક અેવું પર્વ છે કે જેમાં સરસ્વતીની સાધના, સ્વરની અારાધના અને સ્વને અોગાળવાની તાકાત છે. માનવી પોતાની જાતને અોળખતાં શીખ્યો ક્યાંથી, માંથી, માં અેનો પહેલો ગુરુ છે, માં અેની પહેલી અોળખ છે. માં અેની પહેલી જરૂર છે. અાથી જ માંને દેવીનો દરજ્જાે અાપવાની વૃત્તી છે. બાકી જ્યારે અાદ્યશક્તિ માં જગદંબાની સ્તુતીઅો રચાઇ ત્યારે જમાનો પરુષ પ્રધાન હતો( અાજે પણ છે, પણ અાજે હવે પુરુષ પ્રધાન અને સ્ત્રી વડા પ્રધાન છે)એવા સમયમાં સ્ત્રીની પ્રશસ્તી થાય, સ્તુતિ ગવાય અને અારતી ઉતારાય તે માનવા જેવી વાત નથી. અામ છતાં પણ સ્ત્રીઅોને પૂજવાની વાતો લખાઇ અને તેનું અાચરણ પણ કરાયું છે. તે માતાની શક્તિનો જ પ્રભાવ છે.
નવ દિવસ જ કેમ?
શાસ્ત્રાજ્ઞા મુજબ રસ નવ છે, દરેક રસને અેક દિવસ( સોરી એક રાત) અાપીઅે તો જ રસાનૂભૂતિ થાય, નહિ તો રસક્ષતિ થાય, માતાજીને નવ દુર્ગા કહેવાય છે, દુર્ગ એટલે કઠિન, પહોંચવું મુશ્કેલ , સામાન્ય માનવીનું જે કામ કરવાનું ગજું નથી તેવા કામ કરનારી નવ પ્રકારની શક્તિ એટલે નવ દુર્ગા, દરેક વ્યક્તિમાં નવ પૈકીની એક, બે, ત્રણ, ..કે નવે નવ દુર્ગા સમાવિષ્ટ હોય છે. અા નવ પ્રકારની ઊર્જા છે. ઊર્જા અાજના જમાનાની જરૂરીયાત છે.
(1) જીવન ટકાવી રાખે તેવી પ્રાણ ઊર્જા(અોક્સીજન),
(2) જીવન ઊજાળે તેવી વિદ્યુત ઊર્જા(ઇલેક્ટ્રીસિટી) ,
(3) જીવન વહાવે તેવી જળઊર્જા(હાઇડ્રો એનર્જી),
(4) ઉપયોગીતા વધારે અને સગવડ ઊભી કરેતેવી કર્મ ઊર્જા(થર્મલ પાવર),
(5) બે હૈયાં પ્રેમે કે વેરે અેક બીજા સાથે જોડાયેલા રહે તે માટેની મેગ્નેટિક ઊર્જા,
(5) ઊંચા ભલે ઊડો પણ પગ જમીન પર જ ખોડાયેલા રહે તે માટે કામ કરતી ગુરુત્વાકર્ષણ ( ગ્રેવિટી),
(6) અાત્માથી જિંદગી જિંદાદિલ બનાવતી તત્પર ઊર્જા(આત્મિક ઊર્જા )
(7) મનનો મેળ તન સાથે જામે તે માટેની શરીરની ઊર્જા( બાયોએનર્જી)
(8) જગતને ચાલતુ રાખવામાં વપરાતી વિચાર ઊર્જા(થોટ એનર્જી
(9) જગતની તમામ ક્રિયાઅોમાં છૂપી રહેલી સૂર્યની ઊર્જા(સોલાર પાવર)
અામ નવ રાત્રીમાં નવ પ્રકારે ઊર્જાને તન અને મન સાથે જોડીને અાત્મા સાથે તેનું તાદાત્મ્ય સાધવાને જ જીવનની કસોટી કહે છે. લોકો જીવે છે, જુઅે છે, જાણે છે, પણ માણે છે કેટલા. માણવા માટે જાણવાથી ઉપર ઉઠવું પડે છે. અા ઉપર ઉઠવાની ઘટના છે. ઉપર ઉઠવા માટે પણ એક પ્રકારની ઊર્જાની જ જરૂર પડે છે. અા ઊર્જા તમને રસ્તે ચાલતાં નહિ મળે. તે માટે ગુરૂનો સાથે જોઇશે. ગુરુ તમને જ્ઞાન અાપીને છૂટી નથી જતાં, તમે તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચો ત્યાં સુધી તમારી સાથે સૂક્ષ્મ રૂપે રહે છે. જીપીઅારએસ સિસ્ટમ જેવું. તમે ખોટું પગલું ભરો અને ગુરૂ તમને તે ખોટું પગલું ભરવા દે તો તમને તરત જ ગુરૂ માટે ખેદ જાગશે. પણ જો તમે શ્રદ્ધાળું હશો તો તમે વિચારશો કે તમારે અાગળ જતાં એની એ ભૂલ ફરીથી રિપીટ ના કરવી પડે તે માટેની સેલ્ફ અવેરનેસ લાવવા માટે જ ગૂરુ તમને ભૂલ કરવા દે છે. ગુરૂ વગર જ્ઞાન તો મળી શકે પણ તેને વાપરવાનો વિવેક તો ગુરૂ જ શિખવાડી શકે.
મા જગદંબાની અારાધના કરવા માટે એક તો બાળક ભાવ જોઇઅે છે. બાળક જેવા બનવા માટે વિસ્મય જોઇએ. વિસ્મય માટે અજ્ઞાન જોઇએ. અાપણે બધા જ્ઞાની બની ગયા છીએ. મને ખબર છે, હું જાણું છું… વાળી સ્વગતોક્તિ તમને ક્યાંય નવું શિખવા નહિ દે. તમે અભિમાની બનશો અને તમારી પાસેથી શિખીને જનારા પણ તમારા જ પ્રતિસ્પર્ધી બની જશે. અામ ના થવા દેવું હોય તો ધૂળનો પણ ખપ પડે તે વાત યાદ રાખી હંમેશા શિષ્યો પાસેથી પણ શિખવાની ધગસ, ભાવના રાખવી પડે. નવરાત્રિ અાત્માના અહંને અોગાળીને માં મય બનવાનું પર્વ છે. માંને બાળક ગમે તેટલું મોટું થઇ જાય તો પણ નાનું જ લાગે. માં જગતની પ્રથમ ગુરૂ છે. દરેક વ્યક્તિને પહેલો પરિચય માંનો થાય છે. જીવન ટકાવવા માટે અન્ન જરૂરી છે. માં અન્નપૂર્ણા છે. તેની માં પ્રથમ ગુરુ છે. અન્નમય, રસમય, ઘ્રાણમય, સ્પર્શમય અનુભતિ સૌપ્રથમ માં દ્વારા જ થાય છે તો ગુરૂને નમસ્કાર કરવા માટે પણ નવરાત્રી જ પર્વ છે. માતૃદેવો ભવ, એટલે કે માતા દેવ છે, દેવી છે. દાનવને સંહાર કરનારી છે. તમે સ્કૂલમાં બાળકને મૂકવા ગયા છો, જો ગયા હશો તો જોશો ત્યાં સહુથી વધુ માતાઅો જ અાવે છે. બાળકની કાલીઘેલી ભાષામાં તેમની ટીચરની કે સહપાઠીની ફરીયાદો સાંભળીને તેને ગંભીરતાથી લેવાનું કામ બાપ કરી ન શકે. તે વ્યવહારું છે. તે સમાધાન શોધશે. તે ચાલો હવે, ફરીથી ના લડતા એમ કહીને ગોટો વાળી દેશે પણ માતો તેના બાળકને પજવતા છોકરાને શોધશે, તેને વઢશે, તેને કહેશે કે જો મારા છોકરાને હવેથી પજવ્યો છે તો તારી ખેર નથી. તેને ખબર છે કે સામે પણ નાનો બાળક જ છે. તે કોઇનો લાડકવાયો જ છે અામ છતાં તે સ્વાર્થી બનવાની બદનામી વહોરીને પણ પોતાના દિકરાનું અાત્મ સંન્માન જાળવે છે. તેને સલામતીનું ફિલીંગ કરાવે છે. તેના બાળકને અેવું લગાડે છે કે જો બેટા તું ડરીશ નહિ અાખી દુનિયા તારી વિરૂદ્ધ જશે તો પણ તારી મા તારી સાથે જ છે.
અામ માં મનુંષ્યની પહેલી સલામતી છે. તો માં ગુરુ છે, રક્ષક છે, હવે માં તારક છે. તમને તારે છે. વારે છે. માં મારે પણ છે. અને ડારે પણ છે. માંને અા બધું કૌશલ્ય હાથવગુ છં. તેને કશું શિખવું પડતું નથી. બાળક માટે માં ના ગર્ભમાં નવ મહિના રહેવું તે તેના માટે સર્જન હોઇ શકે છે. પણ અા નવ મહિના માં માટે કેળવણીના મહિનામાં છે. નવ મહિનામાં બાળક જ બને છે અેવુું નથી, માં પણ બને છે. ત્યાર પહેલાં તે પ્રેમિકા કે પત્ની હોય છે પણ ગર્ભ ધારણ કરતાં વ્હેત જ તેની માં બનવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. જેવું બાળક જન્મે તે સાથે જ માં પણ જન્મે છે. તેના માટે દરેક બાળકનું સર્જન એક અનોખી અને અદભૂત ઘટના છે. તે અા સાથે જ સિદ્ધ પણ બને છે. તેના અાશિૅવાદ ફળે છે. તેનો નિઃશાસો નડે છે. અાઠ નાડી અને નવમું મન. એક નવ પ્રકારે માતાની રચના થાય છે તેની ઉજવણીનો ઉત્સવ પણ નવ દિવસ ઉજવાય છે. અાથી વર્ષમાં ચાર નવરાત્રીમાં ચાર વખત નહી નહી નવ ગુણ્યા ચાર એટલે કે છત્રીશ વખત માં નો મહિમાં ગાવો પડે. સોથી વધુ અને લાંબી ઉજવણી એટલે જ માં ના ઉત્સવની છે. જનની અને જગત જનની અણુ અને અણુ સમૂહનું જ નામ છે. પ્રકાર, સ્વભાવ, ગુણ અને દોષ(જો હોય તો) એક સરખા જ હોય છે. અાથી અા નવરાત્રીઅે જો ગરબે ઘૂમવા ન જવાય તો માંની સેવા કરજો, કોઇને માંને પણ પગે લાગીને પોતાની માં ની ખોટ પુરી કરી શકાય છે. માં એક તત્વ છે. તેનો નાશ શક્ય નથી રૂપાંતરણ કુદરત જ કરતી રહે છે.
કુદરતને નમસ્કાર, કારણ કે તેણે માં બનાવી