જાણો તમારા સ્વપ્ન શું કહે છે
સ્વપ્ન માનસિક, ચૈતસિક અને પારલૌકિક લક્ષણ છે. તેમાં મન અને શરીરનું રહસ્ય છુપાયેલું હોય છે. નિંદ્રામાં મન સૌથી વધુ સક્રિય હોય છે. અને ત્યારે મનમાં છૂપાયેલા ભાવ, મનની વણવપરાયેલી રહેલી શક્તિઓ, મનનું અજ્ઞાન ક્ષેત્ર વિગેરે વધુ તાકાતથી કામ કરે છે. શરીરના ત્રણ પ્રકોપ-વાત, પિત્ત અને કફના કારણે પણ સ્વપ્ન આવે છે. મનમાં રહેલી મહત્વાકાંક્ષા, ડર અને યાદશક્તિના કારણે પણ સ્વપ્ન આવે છે. થાક અને દવાના કારણે પણ સ્વપ્ન આવે છે. આ સ્વપ્નોને પ્રોજેક્ટેડ ગણવા જોઇએ. પરંતું ગાઢ નિંદ્રામાં કાંઇક અગમ્ય, રહસ્યમય અથવા તો ભવિષ્યના ગર્ભમાં રહેલાં સત્યો અને તથ્યોને ઊજાગર કરે તેવા સ્વપ્નોનો પણ એક પ્રકાર છે. સ્વપ્ન ક્યારે આવે તો તે કાંઇ ઇંગિત કરે છે તેમ ગણવું જોઇએ તે જાણવું અગત્યનું છે. સ્વપ્ન વિશે વિચાર્યું હોય તે જ સ્વપ્ન આવે ત્યારે તેને મનની તાકાત ગણવી, જે ન વિચાર્યું હોય છતાં તેનું સ્વપ્ન આવે તો તેને જ ઉદ્દેશ્ય સ્વપ્ન ગણવું જોઇએ.
સ્વપ્ન સિમ્બોલ છે.
હા, સ્વપ્ન એક સિમ્બોલ છે . તેના અનેક અર્થ હોઇ શકે છે. એક વ્યક્તિને આવેલુ એક જ પ્રકારનું સ્વપ્ન બીજી વ્યકિતને આવે તો તેનો અર્થ અલગ હોઇ શકે છે. સ્વપ્ન ક્યારે આવ્યું, તે આવ્યા પછી અન્ય સ્વપ્ન આવ્યાં કે નહિ, સ્વપ્ન જોઇને ઝબકીને જાગી જવાયું કે પછી ડરીને જાગી જવાયું, સ્વપ્ન આખું યાદ રહ્યું કે પછી સાવ ભૂલી જવાયું, કે અડધુ પડધું યાદ રહ્યું. એકનું એક સ્વપ્ન સતત સપ્તાહ કે મહિના સુધી દેખાયા કરે, બપોરની નિંદ્રામાં સ્વપ્ન આવે તો શું. જે રાતે સ્વપ્ન આવ્યું તે સાંજે ડિનરમાં શું જમ્યા હતા. જેવાં અનેક પરિબળો સ્વપ્નના ફળાદેશ પર અસર કરે છે. આ તમામ બાબતો પર એક અગલ લેખ લખી શકાય તેટલી સંભાવના છે.
સ્વપ્નના સિમ્બોલ્સનો શું અર્થ થાય
સ્વપ્નમાં જોવાતાં કેટલાંક સિમ્બોલ્સ કોમન છે. જ્યારે કેટલાક વ્યક્તિગત રીતે વિશિષ્ઠ છે તો વળી કેટલાક વિચિત્ર છે. કેટલાક સરળ છે તો કેટલાક સ્વપ્નના સિમ્બોલ્સ એક કરતાં વધુ અર્થ તારવી શકાય તેવાં પણ હોય છે. કેટલાક સ્વપ્નના સિમ્બોલ્સનો અર્થ કાઢ્યા પછી તેની ખબર તરત જ પડી જાય છેજ્યારે કેટલાક લાંબા ગાળે પરિણામ દેખાય તેવાં હોય છે.
સ્વપ્નમાં કેટલાક રહસ્ય હોય છે. ક્યા પડખે સૂવું અને ક્યા સમયે સ્વપ્ન જોવાં તે પણ એક તાલિમ લેવી પડે તેવું કામ છે. ચાલો શરૂઅતમાં આપણે સ્વપ્નનાં કેટલાક લક્ષણો, ચિન્હો અને તેના અર્થ શું થાય છે તે વિશે જોઇએ.
ઘોડાનું સ્વપ્ન
જંજીર ફિલ્મનો અભિતાભ બચ્ચન યાદ છે. તેને હંમેશા ઘોડાનું જ સ્વપ્ન આવતું હતું અને તે પણ સફેદ અશ્વ. ઘોડાનું સ્વપ્ન કાયમી અને કોમન સ્વપ્ન છે. દરેક વ્યક્તિએ જીવનમાં ક્યારેક તો ઘોડાનું સ્વપ્ન જોયું જ હશે. ઘોડો શક્તિનું પ્રતિક છે. તેનું સ્વપ્નમાં અવવું એટલે વિઘ્નો દૂર થવાનો સંકેત છે. તેમાં પણ જો સફેદ ઘોડો સ્વપ્નમાં આવે તો તે કોઇ ગુમ થયેલી વસ્તુ કે વ્યક્તિ લાંબાગાળે મળવાની હોવાનો સંકેત છે. કાળો અશ્વ સ્વપ્નમાં આવે તો તમારી તાકાતથી તમે તમારા શત્રુને હરાવી શકશો તેવો સંકેત છે. જો તમે ઘોડાની સવારી કરી રહ્યા છો અને તેમે એકલા જ સવારી કરી રહ્યા છો તો તે બધાને પાછળ રાખીને તમે આગળ નીકળી જશો તેમ સૂચવે છે. કોઇ તમે ટોળામાં ઘોડાની સવારી કરી રહ્યા છો તો તેનો અર્થ છે કે તમે હવે કોઇ સ્પર્ધામાં ઝૂકાવશો. ઝડપથી દોડતો ઘોડા સ્વપ્નમાં આવે તો તેનો અર્થ છે કે તમે તમારા હાથમાં લીધેલા કામમાં સફળતાની નજીક છો. ચાલતા જતા હોવ અને પછી ઘોડા પર બેઠા છો તેવું સ્વપ્ન આવે છે તો તેનો સીધો અર્થ એ થાય છે કે તમે કોઇની મદદ મેળવીને તમારું અધૂરું કામ પુરું કરવાનો છો. સફેદ કે કાળા સિવાયના કોઇ બદામી કે લાલ રંગનો અશ્વ સ્વપ્નમાં દેખાય તે શુભ ગણાતું નથી. આવા અશ્વનું સ્વપ્નમાં આવવાથી ઊપાધિનો સંકેત મનાય છે.
બાળકનું સ્વપ્ન
સ્વપ્નમાં બાળકનું દેખાવું નિર્વિવાદપણે શુભ માનવામાં આવે છે. નવજાત શિશું નવિનતા અને ખુલ્લાપણાનું પ્રતિક છે. તેનાથી સબંધોની નવી શરૂઆત દેખાય છે. તેનાથી નવા વિચાર અને ફ્રેશ વિચારોનું અનુસંધાન સાધવું સરળ બનશે તેમ મનાય છે. જો સપ્નમાં બાળક રડતું હોય તો તે શુભ નથી તેના કારણે કોઇ પ્રોજેક્ટ ઘોંચમાં પડે તેમ લાગે છે. તો વળી રડતું બાળક નકારાત્મક વિચારો કે ડિપ્રેશન આવવાની હોવાનું પણ સંકેત કરે છે. હસતું, રમતું કે ઘોડીયામાં ઊંઘતું બાળક શુભ ચિન્હ છે. બાળકનું સ્વપ્નમાં દેખાવું એ પ્રેમનું પણ પ્રતિક છે. પ્રેમમાં પડવાનું કે પ્રેમને પામવાનું પણ સૂચન બાળકના હોવાથી દેખાય છે. વિચારોને સાચી દિશા મળે , અટકી ગયેલા કામમાં પ્રગતિ થાય, સબંધો સુધરે, ભોજનમાં રૂચિ જાગે, જેવા સંકેત પણ સ્વપ્નમાં બાળક દેખાવાથી થઇ શકે છે.
વસ્ત્રોનું સ્વપ્ન
સ્વપ્નમાં વસ્ત્રોનું દેખાવું ભવિષ્યના આયોજનનું પ્રતિક છે. જો તમે જૂના જમાનાના રાજા મહારાજા જેવા વસ્ત્ર પહેર્યાં છે તેવું સ્વપ્ન આવે તો સમજવું કે તમારું ભવિષ્ય હવે સુધરી રહ્યું છે. તમને આકસ્મિક ધન પ્રાપ્તી થશે. જો તમે ધોબીઘાટની જેમ ઘણાં બધા વસ્ત્રો સુકાંતાં હોય તેવુ જુઓ તો સમજો કે તમે નજીકના ભવિષ્યમાં નોકરી છોડીને ધંધો શરૂ કરવાના છો. જો તમે જાતે વસ્ત્રો ધોઇ રહ્યા છો તેવુ સ્વપ્નમાં દેખાય તો તમે નજીકના ભવિષ્યમાં તમને નડતા, કનડતા કે સતત પીછો કરી રહેલા ગિલ્ટથી મુક્તિ મેળવશો. પરંતુ જો ફાટેલા કે ગંદા વસ્ત્રો પહેર્યા હોય તેવું સ્વપ્નમાં દેખાય તો નક્કી સમજવું કે પરિવારમાં કોઇ મુશ્કેલી ઝળુંબી રહી છે. તમારા અને તમારા પતિ કે પત્નીના સબંધોમાં તિરાડ પડવાની અને દાંપત્ય જીવનમાં વિખવાદ સર્જાવાની કે પછી કોઇ ત્રીજી વ્યકિતના પ્રવેશનું સૂચન પણ આવા સ્વપ્ન કરે છે. લગ્ન કર્યા પછીના પાંચ વર્ષમાં જો નવા વસ્ત્રો ખરીદી રહ્યાં છો કે નવાં વસ્ત્રોનું લેબલ તોડી રહ્યા છો તેવું સ્વપ્ન આવે તો તમે માતા કે પિતા બનવાના છો, જ્યારે સ્વપ્નમાં સંપૂર્ણ સફેદ વસ્ત્રો પહેર્યા હોય તેવું દેખાય તો તમારા સ્વજનો જ તમારી સાથે છેતરપિંડી કે વિશ્વાસઘાત કરે તેમ માનવુ . તમારી સામે કાવતરું ઘડાઇ શકે તેમ પણ સમજવું.
પાણીનું સ્વપ્ન
આ સૌથી કોમન પ્રકારના સ્વપ્નો પૈકીનું એક સ્વપ્ન છે. આવા સ્વપ્ન પણ અવારનવાર જોવાતાં જ હોય છે. પાણી જિંદગી છે. એટલે સ્વપ્નમાં પાણી દેખાય તો સમજવું કે જિંદગીમાં પ્રવાહિતા વધવાની છે. તમામ સંસ્કૃતિઓનો વિકાસ પણ પાણી જ્યાં વધુ હતું તેવી જગ્યાઓએ જ થયો છે આથી સ્વપ્નમાં પાણી દેખાય તો પ્રગતિ થશે તેમ માનવું. પરંતું જો સતત, રોજ રોજ કે અઠવાડિયે એક વાર સ્વપ્નમાં પાણી દેખાય તો તે પિતૃદોષનું લક્ષણ છે. અતૃપ્તીનું લક્ષણ છે. આથી તમારી અધૂરી ઇચ્છા કે પિતૃઓની અધૂરી ઇચ્છા પૂરી કરવાની બાકી હોય તો જ સતત પાણીનાં સ્વપ્ન આવે છે. જો સ્વપ્નમાં પાણીનું ઝરણું દેખાય તો સમજવું કે તમને નાણાં કમાવા માટેનો પ્રસ્તુત છે તે સિવાયનો પણ કોઇ રસ્તો મળશે. નાંણાંનો નવો સ્ત્રોત ઊભો થશે. જો સ્વપ્નમાં તમે જાતે જ પાણી પી રહ્યા છો તેમ દેખાય તો તમારા ફસાઇ ગયેલા નાણાં છૂટાં થશે તેમ સમજવું, જો સ્વપ્નમાં તમે પાણીમાં કે પાણી પર ચાલતા હોય તેવું દેખાય તો સમજવું કે ટૂંક સમયમાં જ તમે વણકલ્પેલી સફળતા તમને મળશે. તમારું વાવેલું ઉગી નીકળશે અને તમે પ્રખ્યાત બનવાના છો. જો સ્વપ્નમાં દરિયો દેખાય કે તમે નાવડીમાં બેઠા છો અને દરિયાની અનંત મુસાફરી કરી રહ્યા છો તેમ દેખાય તો અદેખા લોકો તમારા કામમાં વિધ્નો નાંખવાની કોશિષ કરશે તેમ સમજવું. તમને વિજય મળે છતાં તેનો કોઇ અર્થ નહિ રહે તેમ સંકેત છે.
સ્વપ્નમાં વૃક્ષ
સ્વપ્નમાં વૃક્ષ દેખાવું શુભ મનાય છે. લીલુછમ્મ અને ઘટાદાર વૃક્ષને સ્વપ્નમાં જુઓ કે તેની છાંયામાં તમે બેઠા છે તેમ તમે જુઓ તો નક્કી પ્રસન્નતા નજીકમાં જ છે તેમ માનવું. સ્વપ્નમાં મિત્રો સાથે ઝાડ પર ચડી રહ્યા છો તેમ દેખાય તો એમ સમજવું કે તમારા પરિવારમાં કોઇ વિદેશ પ્રવાસ કે વસવાટ કરવા માટે જશે. વસંત ઋતુમાં ખીલી ઉઠેલા વૃક્ષનું સ્વપ્નમાં દર્શન થાય તો તે ધન પ્રાપ્તીનું લક્ષણ છે પણ જો પાનખરના પાન ખરતાં હોય તેવું વૃક્ષ સ્વપ્નમાં દેખાય તો સમજવું કે ટૂંક સમયમાં ગરીબી આવે તેવા સંજોગો સર્જાશે. ચોરી થાય કે પછી લૂંટ કે હુમલાનો ભોગ બને તેમ બની શકે. જો નાનો છોડવો દેખાય તો સમજવું કે શેર બજાર કે સટ્ટાબજારમાં ખોટ જશે. કોઇને ધીરેલા નાણાં ફસાઇ જશે. જો કાંટા વાળું વૃક્ષ દેખાય તો અકસ્માત થવાની શક્યતા છે. વૃક્ષની નીચે ખાટલો નાંખીને સૂતા હોય તેમ દેખાય તો બિમારી આવવાની શક્યતા ગણવી. ઝાડ પર ચડતાં હોય તેવું સ્વપ્ન જીવનમાં પ્રગતિ અને ઝાડ પરથી પડતાં હોય તેવું સ્વપ્ન અધોગતિ કરાવનારું મનાય છે.
આલિંગનનું સ્વપ્ન
પતિ કે પત્નીને ભેટતા હોય તેવું સ્વપ્ન આવે તો દાંપત્ય જીવનમાં વિખવાત સર્જ તેવી ઘટનાઓ બનશે. જો બે મિત્રો ભેટતા દેખાય તો તેમના વચ્ચે ગેરસમજ સર્જાય અને ગંભીર આરોપો મૂકાય તેમ ગણવું. જો તમે કોઇ સ્વજનને ભેટતા હશો તો તેમને બિમારી થવાની શક્યતા છે. કોઇને પણ આલિંગન આપવાનું સ્વપ્વ આવે તે શુભ મનાતું નથી. આવા સ્વપ્ન આવવાથી તમારી માનસિક શાંતિ ડહોળાઇ જાય તેવા બનાવો બને છે. ધાર્યું કાર્ય થતું નથી અને સામાન્ય વાતમાંથી વાતનું વતેસર થઇ જાય છે. પ્રેમી-પ્રેમિકા એક બીજાને આલિંગન આપતા હોય તેવું સ્વપ્નમાં જોવાય તો તેમના વચ્ચે ઝઘડા થાય અને સબંધોમાંથી વિશ્વાસનો પાયો તૂટી જાય તેવી શક્યતા છે. સ્વપ્નમાં તેમ જાતે નહિ પણ અન્ય કોઇ બે વ્યક્તિને એક બીજાને આલિંગન આપતા જોવાથી કોઇ કોર્ટ કેસમાં સાક્ષી બનવું પડે કે કોઇના જામીન રહ્યા હોઇએ તો તેના કારણે લીગલ સમસ્યામાં ફસાવાનો યોગ થાય છે.
નોકરીનું સ્વપ્ન
જો તમે જ્યાં નોકરી કરો છો તે સ્થળ સ્વપ્નમાં દેખાય તો તે શુભ મનાતું નથી. તેનાથી નોકરી છોડવાની કે છૂટી જવાની સંભાવનાનો સંકેત છે. જો નોકરી મળી છે તેવું સ્વપ્ન આવે તો તેમાં અપમાન થાય કે પદ પરથી નીચે ઉતરી જવું પડે, સસ્પેન્સન આવે તેવું ગણાય છે. જો સાથે નોકરી કરતા વ્યક્તિ સાથે ઝઘડો થાય છે તેવું સ્વપ્ન આવે તો ઉપરી તરફથી દંડ થાય કે પગાર ખોવાઇ જાય કે કપાઇ જાય તેમ બને છે. તમે તમારા કમિટમેન્ટ પુરા ના કરી શકો તેમ પણ બની શકે છે. જો તમે નોકરી ગુમાવી રહ્યા છો કે રાજીનામું લખી રહ્યા છો તેવું સ્વપ્ન આવે તો તે શુભ છે તેમાં તમને પ્રમોશન કે પછી અન્ય નોકરી મળે તેમ બને છે. નોકરીના કારણે બહાર ગામ ગયા હોય તેવું સ્વપ્ન આવે તો તમને કોઇ વધારાની કામગીરી સોંપાશે જેમાં તમારી જવાબદારી અને કામનું ભારણ વધશે તેવો સંકેત છે. તમે કોઇને નોકરી આપી રહ્યા છો તેવું સ્વપ્ન પણ નુકસાન થશે તેમ બતાવે છે.
ભોજનનું સ્વપ્ન
આ સામાન્ય રીતે દરેકને આવતું સ્વપ્ન છે. ઉપવાસ કર્યો હોય કે પેટ ભરીને ના ખાધુ હોય તે રાત્રે જો ભોજનનું સ્વપ્ન આવે તો તેનો કોઇ સંકેત ગણવો નહિ. પરંતુ જમ્યા પછી બે કલાક બાદ જો નિંદ્રા આવી હોય અને પછી જમણનું સ્વપ્ન આવે તો તેને શુભ ગણવામાં આવતું નથી. સ્વપ્નમાં વાનગી, મિષ્ટાન્ન ખાતા દેખાય તો તે ઉપાધિ દર્શાવે છે. માનસિક વ્યગ્રતા અને કોઇ નજીકની વ્યક્તિની બેવફાઇનો ઉલ્લેખ થાય છે. જો સ્વપ્નમાં તમે માંસ આરોગતા હોય તેમ દેખાય તો તે શુભ મનાય છે તેના કારણે તમારી વગ વધશે તેમ જણાય છે. તમે ઉચ્ચ અને સત્તાવાળા લોકોની વચ્ચે હવે ઉઠક બેઠક કરશો તેમ બતાવે છે. પણ સ્વપ્નમાં મોટી પંગત પડી હોય, બુફે ચાલતું હોય , અન્નનો બગાડ થતો હોય અને તેને ફેંકી દેવાતું હોય તેમ દેખાય તો બિમારી અને અન્ય આર્થિક મુશ્કેલીઓ વધવાનો સંકેત છે. આંગળાં ચાટી ચાટીને નોનવેજ ખાતા હોય તેવું સ્વપ્ન આવે તો કોઇ સ્વજનનું મૃત્યું સૂચવે છે. ખાવા બેઠા હોય અને થાળી પરથી ઊભા થઇ જવું પડે તેવું સ્વપ્નમાં દેખાય તો આકસ્મિક લાભ થવાની સંભાવના છે.
ડોલ, દેગડો, પાણીની ટાંકી કે બાથરૂમનું સ્વપ્ન
આવું સ્વપ્ન સંગ્રહખોરી કે પછી બે નંબરના નાંણાં પહેલીવખત કમાવા મળવાનાં હોય તેવું સૂચન કરે છે. આવા સ્વપ્ન બાદ 11થી22 દિવસમાં જ ખોટી રીતે ધન કમાવાનો રસ્તો ખૂલી જાય છે. લોટરી કે જુગાર દ્વારા કમાણી થાય તેવી પણ સંભાવના છે.જો આવા પાણી ભરવાના વાસણમાં પાણીને બદલે સોનું કે પૈસા દેખાય તો સમજવું કે તમારા નાણાંનો વ્યય થશે તમે છેતરાશો.. જો વાસણમાં ભોજન દેખાય તો સમજવું કે અકસ્માત થશે. વાસણ તમે ઉંચકીને ચાલી રહ્યા છો તેમ દેખાય તો સમજવું કે કોઇનો આરોપ તમારા માથા પર થોપી દેવાની કોશિષ થવાની છે તમારે તેનાથી બચવું પડશે. જો ડોલ કે બેંડામાં પાણી ભરીને તમે આવી રહ્યા છો તો તેનો અર્થ છે કે તમે ખોટા રસ્તે કમાયેલું ધન તમને બદનામી અપાવશે અને તેમે મોટી મુસીબતમાં ફસાવાની તૈયારીમાં છો. જો તમે વાસણમાં પાણી ભરીને કોઇ પાલતું પ્રાણીને પાણી પીવડાવી રહ્યા છો તેમ દેખાય તો તે શુભ સંકેત છે. તેમ દેખાવાથી તમારા માથે આવી પડેલી મુસીબતમાંથી છૂટકારો મેળવી શકશો.
સ્વપ્નમાં વૈદ્ય, ડોક્ટર કે જ્યોતિષી
જો સ્વપ્નમાં વૈદ્ય કે ડોક્ટર કે જ્યોતિષી દેખાવો શુભ સંકેત છે. તમારી ઘણા સમયથી ચાલી રહેલી બિમારી કે કોઇ પાપબોજમાંથી તમે મુક્ત થવાના છો. તમારા રિસાયલા કે દૂભાયેલા સ્વજનો તમારાથી દૂર જાય તેવી શક્યતા છે. તમારા સંતાનોને પણ બિમારીમાં બચાવ થાય, જો તબીબ સ્વપ્નમાં તમને કે કોઇ દર્દીને તપાસે છે તેમ દેખાય તો તમારા બિમાર સ્વજનને બિમારીથી છૂટકારો મળશે તેમ મનાય છે. જો સ્વપ્વમાં મોટી હોસ્પિટલ કે આઇસીયુ દેખાય તો તમારા રિપોર્ટ નોર્મલ આવશે. શરીરમાં રહેલી ખામી દૂર થશે. જો ડોક્ટર તમારી ખબર જોવા આવી રહ્યા છે તેવું દેખાય તો સમજવું કે તમારા ઘરમાં કોઇની લાંબા સમયથી ચાલી રહેલી બિમારીનો અંત આવશે. જો તમે તાત્કાલિક કોઇના માટે તબીબને બોલાવવા જઇ રહ્યા છો તેમ સ્વપ્નમાં દેખાય તો સમજવું કે તમારા ઘરમાં જ કોઇને આકસ્મિક વ્યાધિનો ભોગ બનવું પડશે. જો સ્વપ્નમાં જ્યોતિષી દેખાય તો સમજવું કે તમે કોઇ નવો પ્રોજેક્ટ હાથમાં લઇ રહ્યા છો.
નાણાં કમાવાના સ્વપ્ન
હાથમાં અગ્નિ પ્રગટાવવો, તાજો છોડ દેખાવો, નાના જીવજંતું કે સરિસૃપમાં સાપ સિવાયના પ્રાણી દેખાવા, આંબાનું ઝાડ દેખાવું કે કેરી ખાતાં કે તોડતાં વ્યક્તિ દેખાવી, ચંદન, મંદિરના પગથિયાં ચઢવા, દૂધ પીતા જોવું, મૃતદેહને અગ્નિસંસ્કાર થતાં જોવું. હાથીને જોવા કે હાથી પર ચઢવાનું સ્વપ્ન આવવું.
શુકનીયાળ સ્વપ્ન
અગ્નિ પ્રગટાવતાં જોવું, તાજો છોડવો જોવો, શરીર પર કીડીયારું ઊભરાતું જોવું, કોઇને રડતાં જોવું કે પછી કોઇ હત્યા થતી સ્વપ્નમાં દેખાવી, કડવું ખાતા જોવું, નાસ્તો કરતાં હોવાનું સ્વપ્નમાં દેખાવું. મંદિરનો ઘંટ વાગતો સ્વપ્નમાં સાંભળવો, મંદિરના પગથિયાં ચઢતાં જોવું, કેળું ખાતું સ્વપ્નમાં જોવું, પર્વત પર ચઢતાં જોવું, ગાયોને ચરતાં જોવું, આકાશ જોવું, ફૂલોનો બગીચો જોવો, ધુમ્રપાન કરતાં જોવું જેવાં સ્વપ્નમાં ચિન્હો દેખાય તો નજીકના ભવિષ્યમાં ધન પ્રાપ્તી થશે તેમ સમજવું.
સ્વપ્નમાં લગ્નનો સંકેત
પતંગિયાં જોવાં, સસલાં જોવા કે તેની સવારી કરતા હોય તેવું સ્વપ્ન આવવું, કે પછી સુંદર યુવતીને કે કિશોરીને જોવી, લગ્નનું જોડું પાનેતર પહેરેલું જોવું, બાળકનો જન્મ થતો હોય તેવું સ્વપ્ન આવવું, બરફ પડતો હોય કે પાન ખાતા હોય તેવું સ્વપ્ન આવવું, ગુલાબી કે ગોળ વસ્તુઓ દેખાવી, વીંટી દેખાવી કે કોઇને નારિયેળ આપતા હોય તેમ જોવું જેવા સ્વપ્નો ટૂક સમયમાં લગ્ન થાય તેવો સંકેત છે.
મુસાફરીનો સંકેત આપતાં સ્વપ્ન
સ્વપ્નમાં પોતાના પગ જોવા કે પછી નાવડીમાં બેસીને નદી પસાર કરતા હોય તેવું સ્વપ્ન જોવું, દરિયા કે નદીના સ્વપ્ન, બાઇકે મોટરગાડીમાં બેઠા હોવાનું જોવું, લીલો રંગ, કે નદીમાં નહાતા હોવાનું જોવું, ભૂખ્યા હોવાનું જોવું કે પછી બકરી જોવી જેવા સ્વપ્ન પ્રવાસનો સંકેત આપે છે.
ખરાબ સંકેત આપતા સ્વપ્નો
ખરાબ ઘટના બનવાનો સંકેત આપતા સ્વપ્નોમાં ખાસ કરીને મિલકતનું નુકસાન થવાનું સ્વપ્ન, સૂર્યાસ્ત થતો હોય તેવાં સ્વપ્નો, ઊંચાઇ પરથી પડી રહ્યા હોય તેવાં સ્વપ્નો, વાળ કપાવતા હોવાનું સ્વપ્ન,દાંત પડવાનું સ્વપ્ન,પૂલ કે ડેમ તૂટી પડ્યો હોય તેવાં સ્વપ્ન, પૂર આવ્યું, જુગાર રમ્યા હોય, કે પછી ખિસ્સું કપાઇ જાય તેવાં સ્વપ્ન, આગ લાગી કે ઘરમાં તિરાડ પડી હોય, ધરતીકંપ આવે, ખૂબ તરસ લાગી હોય, લોખંડના સળિયા દેખાય કે પછી લાલ રંગ દેખાય તે અશુભ મનાય છે. આવા સ્વપ્ન આવવાથી આર્થિક નુકસાન, તબિયત પર અસર કરે છે. જ્યારે બિલાડી જોવી, પથ્થર જોવા, ટ્રેનનો જામ જોવો, ઘોડા પરથી પડી જવું જેવા સ્વપ્નો ભાગીદારી કે ધંધામાં નુકસાન દર્શાવે છે.
સબંધ તૂટી જવાનો સંકેત આપતા સ્વપ્નો
કામમાં વપરાઇ રહેલી કાતર જોવી, ઘરડી સ્ત્રી જોવી, સળગતો કોલસો જોવો, વીંટી કાઢીને આપતાં જોવું, ચાંદીના ઘરેણાં જોવાં, કોઇ ચીજને જોર જોરથી ઘસતાં જોવું, ઘોડાગાડી જોવી, કોઇને ઘા મારતાં જોવું, ટિકીટ ખરીદતાં જોવું, વરસતો ભારે વરસાદ જોવો,લોહી જોવું જેવા સંકેત તૂટી રહેલા સબંધોનો સંકેત કરે છે.
સ્વપ્નમાં મૃત્યુનો સંકેત
ખાડો ખોદતાં જોવા, દારુ પીતાં જોવું, નવાં કપડાં પહેરલાં જોવું, ખુદને જોવું, અરીસો તૂટતો જોવો, બટાટા જોવા, વણજોઇતા મહેમાનનું આવવું, સુંદર કપડાં પહેલાં જોવાં, ઊંઘવાનું સ્વપ્ન કે મસાજ કરવાનું સ્વપ્ન આવે તો તે મૃત્યુનો સંકેત છે તેમ સમજવું.