કોણ બનશે અમેરિકાના પ્રમુખ,તોફાની ટ્રમ્પ કે હિલ્લારીયસ હિલેરી?
8 નવેમ્બર,2016ના જગતના જમાદાર ગણાતા અમેરિકાના જમાદાર પદ(પ્રમુખપદ) માટેની ચૂંટણી યોજાશે. 17 દાવેદારો વચ્ચેથી ઉમેદવાર બનીને આવેલા, શ્રુડ બિઝનેસમેન, ટીવી એન્કર ટર્ન્ડ પોલિટિશ્યન ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લીકન પાર્ટીના ઉમેદવાર બની ચૂક્યા છે. જ્યારે પક્ષના પાંચ દાવેદારો પૈકીના બર્ની સેન્ડર્સની જોરદાર લડત બાદ 7 ટકાના માર્જિનથી ઉમેદવાર બનેલા સેક્રેટરી ઓફ સ્ટેટ અને ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી રોધમ ક્લિન્ટન ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર છે. રાજકિય વિશ્લેષકો ટુ બી અને નોટ ટુ બીના ગુંચવાડામાં ફસાયા છે. ટ્રમ્પના તોફાની દાવા, આરોપો અને વાયદાઓ એક તરફ છે તો બીજી તરફ અનુભવ અને ડહાપણ સાથે વિકાસની વાત કરતાં હિલેરી છે. બંન્ને ઉમેદવારોમાં જીતવાની ક્ષમતા છે. લોકશાહીમાં અંતિમ હાસ્ય તો લોકોનું જ હોય છે. પ્રજાતંત્રની આ પરીક્ષામાં કોણ ઉત્તીર્ણ થશે તેની જ્યોતિષશાસ્ત્રીય છણાવટ કરવાનો અત્રે ઉદ્દેશ્ય છે.
સૌ પ્રથમ વાત કરીએ હિલેરી ક્લિન્ટનની તો તેમનો જન્મ 26 ઓક્ટોબર 1947માં થયો છે. તેમના જન્મના સમય અંગે ઉપલબ્ધ જાહેર માહિતીના સ્તોતમાં બે અલગ અલગ સમય જાણવા મળે છે જેમાં કેટલાક સ્થળે સવારના 8 વાગ્યાનો અને કેટલાક સ્થળે રાત્રિના 8 વાગ્યાનો શિકાગો ખાતે જન્મ થયાનો ઉલ્લેખ છે. જે મુજબ જો સવારના 8 વાગ્યાનો જન્મ સાચો હોવાનું ગણીએ તો તેમાં તુલા લગ્ન આવે છે.જેમાં લગ્નમાં જ સ્વગ્રહી શુક્ર અને નીચનો સૂર્ય છે. લગ્ન સ્થાનમાં સૂર્ય રાજકારણમાં આવવાનું અને તેમના સત્તા મેળવવાનું કારણ ગણી શકાય તેમ છે. શુક્ર તેમની પ્રતિભાને સૌમ્ય અને લોકપ્રિય બનાવે છે. જો કે મંગળની કર્ક રાશીમાં 10 સ્થાનમાં હાજરી તેમના માટે સૌથી મોટો હોદ્દો મેળવવામાં મુશ્કેલીભર્યો સમય પણ બતાવે છે. જો કે જે દિવસે અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી છે તે 8મી નવેમ્બરે પણ તુલાનો જ સૂર્ય છે તે બાબત હિલેરી ક્લિન્ટન માટે સૌથી મોટું સબળું પાસું બની રહેશે. વળી તે દિવસે સૂર્યોદય કાલિન કુંડળમાં પણ તુલા લગ્ન જ આવે છે. જો તેમનો જન્મ આપણે રાત્રીના 8 વાગ્યાનો ગણીએ તો મિથુન લગ્નની કુંડળી બને છે. જેનો સ્વામી બુધ, સૂર્ય અને શુક્ર જોડે પાંચમા સ્થાનમાં છે. ત્રિકોણ સ્થાનમાં સૂર્ય પરથી સૂર્યનું ભ્રમણ પણ હિલેરી માટે સારા સંકેત 8મી નવેમ્બરે લાવે તેવા ઉજળા યોગ છે. હિલેરી અમેરિકાના ફર્સ્ટ લેડી રહી ચૂક્યા છે. તેઓ તાલિમ પામેલા એટર્ની છે. તેમને અમેરિકામાં આવીને વસેલા એશિયન લોકોના વોટ વધુ મળે તેવી શક્યતા છે. જો કે હિલેરીને પણ તેમના ઇ મેઇલ છૂપવાવાના કૌભાંડમાં એવા સમયે ખરડાવાનું થયું જ્યારે તેઓ તેમના જીવનની મહત્વની લડાઇ લડી રહ્યાં છે. જો કે એફબીઆઈએ તેમના ઇમેઇલ કૌભાંડમાં હિલરીને ક્લીન ચીટ આપતાં કહ્યું કે તેમણે મૂર્ખામી ભરી ભૂલ જરૂર કરી છે પણ તેમાં તેમની કોઇ ગુનાહિત સંડોવણી હોય તેમ લાગતું નથી. આ બાબત તેમના માટે રાહતભરી બની રહી છે. તો વળી બીજી તરફ તેમને ન્યૂમોનીયા થઇ જવાના કારણે બે સપ્તાહથી પ્રચારથી માંડીને ચૂંટણીના તમામ કાર્યોથી અળગા રહેવું પડ્યું કે જેના કારણે તેમને મોટો ફટકો પડ્યો છે. આ ઘટનાને જોઇએ તો હિલેરીની કુંડળીમાં છઠ્ઠું આરોગ્યનું સ્થાન છે તેમાં વૃશ્ચિક રાશીમાં ગુરુ અને કેતુની યુતિ રચાય છે. જે સામાન્ય સંજોગોમાં તબિયતની ચિંતા કરાવે તેવા નથી પરંતું જો વધુ પડતો સ્ટ્રેસ, દોડધામ, અને ટેન્શન થાય તો બિમારી લાવે તેમ છે. વળી હાલમાં ગુરુ અને કેતું પરથી મંગળ અને શનિ પસાર થઇ રહ્યા છે. તેમના માટે આગામી સમયમાં પણ તબિયત માટે સારો સમય દેખાડતા નથી. આમ કેટલાક વિવાદો અને તબિયતની ચિંતા જેવી બાબતો હિલેરી માટે કપરાં ચઢાણ સર્જી શકે છે.
બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ 14મી જૂન 1946ના રોજ સવારે 10.54 મિનીટે ન્યૂયોર્કના ક્વીન્સ(જમૈકા) વિસ્તારમાં થયો છે. તેમની કુંડળી જોતાં સિંહ લગ્ન અને લગ્નમાં જ મંગળ બિરાજમાન છે. લગ્ન સ્થાનમાં મંગળ હોય એટલે સૈનિકનો સ્વભાવ આવે છે. જોખી જોખીને બોલવું તેમને ફાવે નહિ. એક ઘાને બે કટકાની નીતિથી તેમને સફળતા મળી છે અને પ્રમુખ પદની ચૂંટણીમાં પણ તેઓ તેજ સ્ટ્રેટેજીને અપનાવી રહ્યા છે તે સિદ્ધ થઇ ચૂક્યું છે. તેમનો જન્મ પૂનમના દિવસે થયો છે.કુંડળીમાં 10મા સ્થાનમાં સૂર્ય સાથે રાહુની હાજરી છે જેના કારણે ગ્રહણ યોગ સર્જાય છે. ચોથા સ્થાનમાં ચંદ્ર સાથે કેતુની હાજરી પણ અશુભ છે.8 નવેમ્બરે પરાક્રમ ભાવમાંથી એટલે જન્મના સૂર્યથી છઠ્ઠા સ્થાનેથી સૂર્ય પસાર થાય છે,.તો વળી સૂર્યની સામેથી અને ચંદ્રની ઉપરથી શનિનું ભ્રમણ પણ થઇ રહ્યું છે. લગ્ન સ્થાનમાં સિંહ રાશીમાં રાહુ છે જે તેમને તેમના જ દુઃસ્સાહસ ભારે પડે તેમ છે. બોલવામાં ભચડી મારવાના કારણે તેમણે જ પોતે બોલેલું પાછું ખેંચવું પડે છે. તાજેતરમાં તેમણે ઓબામાનો જન્મ અમેરિકામાં નથી થયો તેવી વાત કહીને નાહકની ટિપ્પણીઓ વ્હોરી લીધી હતી અને પછી પુરાવા રજૂ થતાં તેમણે પોતાની વાતને જ રદીયો આપી પાછી ખેંચવી પડી હતી. જે રીતે તેઓ અમેરિકાના બ્લૂ કોલર વર્કર્સના મસીહા બનવાનું જતાવી રહ્યા છે, કે પછી ઇમીગ્રાંટ્સને આવતા રોકીને રોજગારીથી માંડી સુરક્ષા સુધીના ખતરાથી બીવડાવી રહ્યા છે તે નર્યો દંભ છે. તો વળી મેક્સીકોની સરહદે દિવાલ બાંધવાનો તુક્કો તેમના અટકચળા મનની પેદાશ છે તે ચૂંટણી આવતાં સુધીમાં તો ઘણાખરા અમેરિકન મતદારોને સમજાઇ જ જાય તેમ છે. વાસ્તવમાં તે એક પવન જોઇને સઢ ફેરવે તેવા સ્ટંટમેન છે. વ્હાઇટ હાઉસમાં પહોંચવું એ જ તેમનું એકમાત્ર ધ્યેય છે. તો વળી મંગળનો પ્રભાવ તેમના જ પક્ષમાં તેમના કેટલાક દુશ્મનોની પડદા પાછળની રમત તેમને ઓવર કોન્ફીડન્સમાં દેખાય નહી અને તેનું નુકસાન પણ તેમને ભોગવવું પડે તેમ દેખાઇ રહ્યું છે. હા, હાલ કન્યા રાશીમાં ગુરુ ભ્રમણ કરી રહ્યો છે. ટ્રમ્પની કુંડળીમાં પણ કન્યા રાશીનો જ ગુરુ છે. ગુરુ રાજયોગ કરનારો ગ્રહ છે. અને તેમની કુંડળીના બીજા સ્થાનમાંથી ગુરુનું ભ્રમણ તેમને કોઇ પણ પક્ષને વરેલા ના હોય તેવા ઇન્ડીપેન્ડન્ટ મધ્યમ માર્ગી અમેરિકનોના વોટ મેળવવામાં મદદરૂપ થાય તેમ છે. જો કે આવા મતદારોની સંખ્યા એક ગણતરી મુજબ અમેરિકામાં બહુ નથી.
એકંદરે ગ્રહોની દ્રષ્ટિએ હિલેરી ક્લિન્ટનની કુંડળી અને યોગ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં વધુ બળવાન છે. તેમના જીતવાની શક્યતા વધુ છે. જો કે પાશ્ચાત્ય જ્યોતિષમાં પ્લુટોને વિનાશનો અંધાધૂધી(એનાર્કી)નો ગ્રહ કહેવાય છે. તેમના અનુસાર અનુસાર અમેરિકમાં સિવિલ વોર થઇ ત્યારે વિનાશનો ગ્રહ પ્લુટોની જેવી સ્થિતી હતી તેવી સ્થિતીમાં હાલમાં પણ ચાલી રહ્યો છે. જે અંધાધૂધી ભર્યાં ચૂટણીના પરિણામ અને તેની લાંબા ગાળાની અમેરિકા માટે નુકસાન કારક અસરો સર્જી શકે છે. તેમના મત અનુસાર પ્લુટોની આવી સ્થિતી 2025 સુધી રહેવાથી છે. જો આ વાતને સાચી ગણીએ તો અમેરિકા પ્રમુખપદની ચૂંટણીમાં ગુરુ અને સૂર્યની ગણતરીની ઉપરવટ જઇને કોઇ અંધાધૂધી(એનાર્કી) સર્જાય તો ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થાય. કેટલાક પાશ્ચાત્ય વર્તારામાં તો ટ્રમ્પને કેન્ડીડેટ ઓફ એનાર્કી ગણાવી દેવાય છે. જો પ્લુટો કંઇક કરતબ દેખાડે અને અંધાધૂધી સર્જાય તો જ ટ્રમ્પ વિજતા બને તેમ છે બાકી હિલેરી ક્લિન્ટન જ એમેરિકાના નવા પ્રમુખ બનશે તેમ ગ્રહોનું ગણિત જણાઇ રહ્યું છે.