દિ’ વળે તેવી દિવાળી માટે બજારોને હજુ રાહ જોવી પડશે.
30મી ઓક્ટોબરે દિવાળી છે.ભારતમાં દિવાળીનું એક ઉત્સવ તરીકે જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ તેના આધારે થતી બજારની તેજીનું પણ છે. દિવાળીમાં ખરીદી નીકળે, બોનસ ચૂકવાય, વર્ષમાં એક વાર પણ ખર્ચ કરવાની ક્ષમતા વાળા ગરીબ લોકો દિવાળી માટે નાણાં બચાવીને રાખે અને તેમાંથી દિવાળી ઉજવે તેઓ શિરસ્તો વર્ષોથી છે. ગ્લોબલાઇઝેશન અને ટેક્નોલોજીના પ્રચાર-પ્રસારના કારણે આમાં થોડો ઘણો ફરક જરૂર આવ્યો છે પરંતું આજે પણ દિવાળીનું મહત્વ સરેરાશ ભારતીયોના માનસમાં દિવાળી સુધરી કે બગડીના પરિપ્રેક્ષ્યમાં જ રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી ફુગાવો વધે અને મોંઘવારી વધે તેના કારણે દુનિયાભરમાં મંદીની બૂમરાણ મચી રહી છે. બ્રેકઝીટ કરીને બ્રિટન યુરોપીય યુનિયનમાંથી બહાર નીકળ્યું હોવાની તાજેતરની ઘટના હોય કે ગ્રીસ જેવા દેશોનો દેવાળીયા બનવાની ઘટના હોય જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ આ તમામ ઘટનાઓની આગાહી અગાઉ ક્યાંકને ક્યાંક થઇ જ હતી. હવે. જ્યારે આર્થિક બાબતોના પંડિતો દેશ અને દુનિયાને ફરીથી 2008 જેવી મંદીમાં સપડાતાં હોવાની આગાહી કરી રહ્યા છે ત્યારે તેમાં કેટલું સત્ય છે અને કેટલો ભ્રમ તે જ્યોતિષ શાસ્ત્રની મદદથી જોઇએ.
આમ તો નવ ગ્રહોનું ગણિત ગણાય છે પણ જ્યારે લાંબા ગાળાની અસરો જોવામાં આવે ત્યારે માત્ર ત્રણ કે ચાર જ ગ્રહોને ગણતરીમાં લેવામાં આવે છે તેમાં છે ગુરુ, શનિ, રાહુ અને કેતું. વિનીમય માટે, વ્યાજ માટે, શેરબજાર માટે શનિ ગ્રહને જોવામાં આવે છે. તો પછી લેણાદેણી, બજાર માટે હકારાત્મક અસરો ઊભી કરતા બનાવો, રાજકીય સ્થિરતા અને ભરોસેમંદ ઇકોનોમિ માટે ગુરુને જવાબદાર ગણવામાં આવે છે. માનવ સર્જિત આપત્તિઓ, જેમ કે, કૌભાંડ, યુદ્ધ કે આર્થિક નિતીઓના વિવાદસ્પદ નિર્ણયો રાહુની અસર હેઠળ આવે છે. જ્યારે કેતુના કારણે કુદરતી આપત્તિઓ આવે છે. આ તમામ પરિબળો વિશ્વના બજાર પર અસર કરે છે.
આ દિવાળીની વાત કરીએ તો કેલેન્ડર મુજબ ભલે દિવાળી 30મી ઓક્ટોબરે હોય પણ ખિસ્સુ ભરાય અને ઇકોનોમી ઊંચી આવે ત્યારે જ બજારની ખરેખરી દિવાળી ગણાય, આવી દિવાળી તો 2017માં ઓગસ્ટ મહિના સુધી આવે તેમ દેખાતું નથી. જો કે મંદીનો અજગર ભરડો લઇ લેશે અને ગ્રોથ રેટ તળિયે બેસી જશે તેવું પણ નથી. પરંતું હાલમાં મોંઘવારી વધે અને સામાન્ય માણસોને જીવન જીવવામાં આર્થિક અડચણો સહન કરવી પડે તેવી સ્થિતી જ રહેવાની છે.
હવે જરા આવા તારણ પર આવવા માટેના કારણે પર જરા નજર નાંખીએ તો, દિવાળીના દિવસે સૂર્ય ચંદ્ર અને બુધ તુલા રાશીમાં છે. તુલા રાશી એટલે જ વેપાર, વિક્રમ સંવત 2073ના પ્રારંભે પણ આજ ગ્રહોની યુતિ રહે છે. ગુરુ કન્યા રાશીમાં છે. અને શનિ વૃશ્ચિક રાશીમાં છે. જ્યારે બુધ 19મી ડિસેમ્બરથી મકર રાશીમાં વક્રી થાય છે અને 8મી જાન્યુઆરી સુધી વક્રી રહે છે. શનિ મહારાજ 26મી જાન્યુઆરીએ વૃશ્ચિક રાશી છોડીને ધન રાશીમાં જાય છે ધન રાશીમાં શનિનું ભ્રમણ ગુરુના ઘરમાં છે, 6 એપ્રિલથી શનિ વક્રી થાય છે. વક્રી બનીને વૃશ્ચિક રાશીમાં પાછો પણ જવાનો છે. બજારોની નૈસર્ગિક સ્થિરતા માટે શનિનું વક્રી થવું શુભ ગણાતું નથી. જ્યારે 6 ફેબ્રુઆરી 2017થી ગુરુ પણ વક્રી થાય છે. 4થી માર્ચ 2017થી શુક્ર પણ વક્રી થાય છે. ગ્રહોની આ ચાલના કારણે જ્યાં સુધી શનિ ફરી પાછો ધનું રાશીમાં જાય નહિ ત્યાં સુધી રિવર્સ ગ્રહોનું ચક્ર બજારોને એક પછી એક કટોકટીમાંથી પસાર કરાવશે.
નવેમ્બર મહિનાના પ્રારંભમાં જ બજારોમાં વિકાસના કારણે થતો ભ્રમ સર્જાય તેમ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલી વધે અને તેના કારણે યુદ્ધ થશે તેવો ભ્રમ શેર બજારના સેન્ટીમેન્ટસને આગળ વધતાં ફેબ્રુઆરી મહિના સુધી રોકી રાખે તેમ છે. તો વળી 26મી જાન્યુઆરીથી શનિ ધન રાશીમાં જશે. ધન રાશી ગુરુની રાશી હોવાથી તેમાં શનિનું ભ્રમણ પણ બજારોમાં સોદાઓની નિરાશા ઊભી કરે તેમ છે. શનિ અને ગુરુ જ્યારે ગોચરમાં કોઇ પણ રીતે સબંધમાં આવે ત્યારે દુનિયાદારી કે વ્યવહારથી ઊપર જઇને કે નીચે ઉતરીને માનવો સ્વાર્થ કે પરમાર્થની લાગણીઓમાં રાચે છે. શનિ ગરુના ઘરમાં જવાના કારણે બજારમાં ખરીદારીનો સ્વભાવ ઊંધા કરી નાંખે તેમ છે. 1 લી નવેમ્બરથી જ મંગળ મકર રાશીમાં જશે. ચર રાશી હોવાના કારણે અને મંગળની ઉચ્ચ રાશી હોવાના કારણે પ્રારંભીક રીતે રિયલ એસ્ટેટ, ગેસ, ઓઇલ, પાવર, સિમેન્ટ,જેવા સેક્ટરમાં તેજીનો આસાર દેખાય તેમ છે. પરંતું 11મી ડિસેમ્બરે તે કુંભ રાશીમાં જતાં જ ખરીદારીની લાગણી બચતની લાગણીમાં કન્વર્ટ થઇ જાય છે. ફાર્મા, હોમ એપ્લાયન્સીસ, લોજિસ્ટીક, સર્વિસ ઇન્ડસ્ટ્રી, એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી વગેરેમાં વળતાં પાણી થાય તેવા સંજોગ સર્જાય છે. .તો વળી 6 ફેબ્રુઆરીએ ગુરુ પણ વક્રી થઇ રહ્યો છે કન્યા રાશીમાં ગુરુ વક્રી થતાં રાજકીય અસ્થિરતા સર્જાય અને વૈશ્વિક અસર પાડી શકે તેવા ઓપેકના દેશો કે પછી રોકાણ કરવામાં સમૃદ્ધ ગણાતા યુરોપીયન દેશોમાં અસ્થિરતા સર્જાવાના કારણે પણ બજારોને સહન કરવાનું આવે તેમ છે. આ અસરો અમેરિક બજારો અને ઇકોનોમી પર પણ નેગેટીવ પ્રભાવ પાડે અને તેની અસરો છે 2017 ઓગસ્ટ સુધી વર્તાય તેમ છે.
રાહુ સિંહ રાશીમાં જ છે. અને રહેવાનો છે તેથી સિંહ રાશીમાં રહેલો રાહુ અસામાજીક અને આતંકવાદી તત્વોનો ઉત્પાત વધારવામાં પણ નિમીત્ત બને અને તેના કારણે પણ ઘણા દેશો વચ્ચે તંગદિલીભર્યા સબંધો થઇ જાય જે વેપાર વાણિજ્ય માટે નકારાત્મક ગણાય તેમ છે. રાહુની અસરો શેરબજાર પર પણ નકારાત્મક પ્રભાવ પાડે.
જ્યારે કુંભ રાશીમાં કેતુંનું ભ્રમણ અમેરિકમાં હજું કેટલીક વાવાઝોડાની કુદરતી હોનારત લાવે, આફ્રિકન દેશોમાં દુષ્કાળની સ્થિતી સર્જાય અને ચાઇના અફઘાનિસ્તાન, તુર્કી, ઇરાન અને પૂર્વ યુરોપના દેશોમાં ભૂકંપની પણ સંભાવનાઓ છે.
આ તમામ પરિસ્થિતીઓનું સામૂહિક અવલોકન કરતાં એમ દેખાય છે કે દિ’ વળે તેવી દિવાળી ઓગસ્ટ 2017 સુધી દૂર છે.