2020 સુધી વિરાટ કોહલીની પ્રતિભા સચિન તેંદુલકર જેવી બની જશે
સચિન તેંદુલકર ભારત અને ક્રિકેટ પ્રેમી ભારતીયોનું ગૌરવ છે, હતું અને રહેશે, પણ સચિન પછી શું એવો સવાલ પૂછનારા માટે ધીમી પણ મક્કમ ગતિથી જવાબ બની રહેલો ક્રિકેટર છે વિરાટ કોહલી. કુંડળીના ક્યા ગ્રહો એવા છે કે જે વિરાટની પ્રતિભાને વિરાટ બનાવે છે. વળી ગ્રહો ક્યાં સુધી વિરાટને સાથ આપશે. શું તેની પ્રતિભા સચિન જેવી બનશે, નવા વિક્રમો કરીને ક્રિકેટના સ્તરને કેટલું ઊંચું લાવી શકશે. તેવા અનેક સવાલોનો ઉત્તર શોધવાનો પ્રયત્ન આ વખતે કરીશું.
વિરાટ કોહલી- જન્મ 5મી નવેમ્બર 1988ના રોજ સવારે 10-28 મિનીટે દિલ્હી
વિરાટ કોહલીનો જન્મ 5મી નવેમ્બર 1988ના રોજ સવારે 10-28 મિનીટે દિલ્હી ખાતે થયો છે. તેની જનમ કુંડળીમાં ધન લગ્ન છે. લગ્નમાં શનિ છે. વિંશોત્તરી મહાદશા પ્રમાણે તેનો જન્મ સૂર્યની મહાદશામમાં થયો છે. જન્મ કુંડળીમાં રમત અને શારીરિક પરાક્રમથી પ્રસિદ્ધી મેળવવાનું સ્થાન પરાક્રમ સ્થાન છે. આ સ્થાન ત્રીજું સ્થાન છે. વિરાટની કુંડળીમાં ત્રીજા સ્થાનમાં રાહું બિરાજે છે. જે શનિના ઘરનો છે. વિરાટની કુંડળીમાં 13-03-2010થી રાહુની મહાદશા શરૂ થઇ છે. હવે અનુક્રમે 2020 સુધી રાહુની મહાદશામાં ગુરુ, શનિ અને બુધની અંતરદશા આવવાની છે જે શુભ છે. પરાક્રમ સ્થાનમાં પડેલા રાહુની મહાદશા શરૂ થતાં જ વિરાટની કારકિર્દીની ગાડી પુરપાટ દોડવા માંડી છે. જરા યાદ કરો, 2011ના વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનું પ્રદર્શન સિલેક્ટર્સ અને ક્રિકેટ ચાહકોને તેનામાં આગાવી પ્રતિભાના દર્શન કરાવી ગયું હતું. આ રાહુની મહાદશામાં બન્યું હતું. 2011માં જ વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ મેળવી હતી. 2012માં જ ભારતીય વન ડે ટીમના વાઇસ કેપ્ટન તરીકે પણ કોહલીએ પોતાની જગ્યા બનાવી લીધી. 2012ના નવેમ્બર મહિના સુધી ચાલેલી રાહુમાં રાહુની મહાદશામાં કોહલીએ ભારતીય ક્રિકટમાં પોતાનું મજબૂત સ્થાન બનાવી લીધું હતું. આ રાહુને આભારી છે. જન્મ કુંડળીમાં રાહુ શનિના ઘરમાં ત્રીજા સ્થાનમાં હોવાથી વિરાટને તેની મહેનતનું ફળ રાહુની મહાદશામાં મળ્યું છે.
કોહલીનું જમા પાસુઃ
વિરાટની કુંડળીમાં લગ્ન સ્થાનમાં શનિ છે જે તેને મજબૂત મનોબળનો બનાવે છે. તેના માથે આવેલી જવાબદારીઓને નિભાવવાની ક્ષમતા અને હિંમત પણ શનિના કારણે તેને મળે છે. આ બે બાબતો તેની માનસિક સ્થિતી ગ્રાઉન્ડ પર સક્ષમ બનાવે છે. મંગળના કારણે તેની ફિલ્ડ પરની આક્રમકતા સામા પક્ષને બેકફૂટ પર લઇ જવા માટે મજબૂર કરે છે. લગ્નેશ ગુરુ છઠ્ઠા સ્થાનેથી 10મા સ્થાન પર પુરી દૃષ્ટિ કરે છે. જેના કારણે કર્મ ભુવન મજબૂત બને છે. જો કે છટ્ઠા સ્થાને પડેલા ગુરુના કારણે શરીરની ઇજા તેના માટે હંમેશા કપરી કસોટી ઊભી કરે છે. પરંતું આ તમામ કસોટીઓમાંથી તે હેમખેમ અને વધુ મજબૂત બનીને બહાર આવે છે. બુધ અને શુક્રની 10માં અને 11માં સ્થાનનો પરિવર્તન યોગ કામ, આવક, પ્રતિષ્ઠા અને વ્યવસાયિક સિવાયના ક્ષેત્રમાં લોકપ્રિયતા અપાવે છે. શુક્રના કારણે સેલિબ્રિટી તરીકે લોકહ્રદયમાં સ્થાન મેળવવાનો અને બુધના કારણે તેને વ્યવસાયિક દૃષ્ટિએ ઉપયોગમાં લેવાનો અર્થોપાર્જન કરવાનો પણ ઉત્તમ યોગ રચાય છે. લિજેન્ડ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે રહીને શિખવાની તક મળી અને ધોની જેવા અનકન્વેન્શનલ ક્રિકટર પાસેથી નેતૃત્વની તક મેળવવીએ પણ વિરાટ કોહલીના છઠ્ઠા સ્થાને પડેલા ગુરુનો જ પ્રભાવ છે. પરાક્રમ સ્થાનમાં પડેલા રાહુના કારણે કોહલી માટે તેની ટેક્નિક તેનું સૌથી મોટું જમા પાસું છે. કોહલીની પાસે જે રિફ્લેક્શન્સ છે તે ભાગ્યે જ કોઇ ક્રિકેટર પાસે હોય છે. આ રિફ્લેક્શન શનિના ઘરમાં પડેલા રાહુની દેણ છે. તો વળી તેની શારીરિક ચુસ્તી અને તંદુરસ્તી ગુરુની દેણ છે. આરોગ્ય સ્થાનમાં વૃષભ રાશિમા રહેલો ગુરુ 36 વર્ષની ઉંમર સુધી આરોગ્યની કોઇ તકલીફ આપે નહિ. આમ ગુરુ, રાહુ, શનિ, બુધ અને શુક્ર વિરાટ કોહલી માટે રમતમાં જ તેની કારકિર્દી ઘડવાનું નક્કી કરી ચૂક્યા હતા.
કોહલીનું ઉધાર પાસુઃ
11માં સ્થાનમાં તુલા રાશીમાં નીચનો સૂર્ય વિરાટ કોહલીનું સૌથી મોટું ઉધાર પાસું છે. સામાન્ય રીતે શરીરની ક્ષમતા અને સ્ટ્રોંગ વિલ પાવર માટે સૂર્યનું મજબૂત હોવું જરૂરી છે. જો કે વિરાટની કુંડળીમાં સૂર્ય નીચનો છે. તેના કારણે તેને રમત દરમિયાન ઉગ્રતા આવી જવી, આક્રમકતાના કારણે વિવાદ સર્જાવા. મેદાન પર તૂં તૂં…મૈં મૈં થવું અને બોડી લેગ્વેજના કારણે અન્યોના રોષનો ભોગ બનવા જેવી તકલીફો સર્જાઇ શકે તેમ છે. જો કે સમયજતાં અનુભવના કારણે કોહલીએ તેની આ નબળાઇ પર કાબૂ મેળવવા ઉપર કામ શરૂ કરી દીધું હોવાનું સ્પષ્ટ તેના વર્તનમાં આવેલા પરિવર્તનથી દેખાઇ આવે છે.
તો વળી બીજી તરફ શુક્ર અને ચંદ્ર ભેગા હોવાના કારણે સેલિબ્રિટી સ્ટેટસ અને ગર્લ્સનો હાર્ટ થ્રોબ તો વિરાટ બની શકે છે પણ કન્યા રાશીમાં રહેલા નીચના શુક્રના કારણે કાયમી, સ્થિર અને પ્રગતિ કારક પ્રેમ મેળવવાનું તેના નસીબમાં ઘણું મોડું લખાયેલું છે તેમ જણાય છે. 2015માં અનુષ્કા શર્મા સાથેના તેના સબંધોના કારણે તે મિડીયાના આકર્ષણનું કેન્દ્ર બન્યો અને પછી તેના જીવનામાં જે ઘટનાઓ બની તેના કારણે તેણે કેટલાક નિવેદનો આપવાં પડ્યાં જેના કારણે તેની એકાગ્રતા ભંગ થાય અને તેના વિશે અન્યોને નેગેટિવ ટિપ્પણી કરવાની તક મળે તેમ બન્યું હતું. જો કે માત્ર પ્રતિભા જ એક એવી બાબત છે કે જેના કારણે કોહલીએ તમામ લોકોના મ્હો તેના બેટથી જ જવાબ આપીને બંધ કરી દીધા છે.
ભવિષ્ય કેવું છેઃ
હાલના ગ્રહોની સ્થિતી જોતાં આગામી 2017 જાન્યુઆરીથી શનિ જેવો ધન રાશીમાં જશે તેવો જ તે વિરાટની જન્મ કુંડળીમાં દેહ ભૂવનમાં જન્મના શનિ પરથી શનિ પસાર થશે. વિંશોત્તરી દશા મુજબ ફેબ્રઆરી 2018 સુધી રાહુમાં શનિની અંતર દશા ચાલી રહી છે. એટલે આ સમયગાળો કોહલી માટે કેપ્ટન તરીકે, ખેલાડી તરીકે અને પર્સનલ બાબતોમાં પણ ખૂબ જ લાભદાયી બની રહે છે. તેના માટે કોઇ ભારતીય ખેલાડીએ ક્યારેય ના મેળવી હોય તેવી નામના અને પ્રસિદ્ધી મેળવવાની ફેબ્રુ. 2017થી ફેબ્રુ. 2018ની વચ્ચે તક ઊભી થશે. જો કે 2017ના ઓક્ટોબર નવેમ્બર મહિનામાં કોઇ પારિવારીક મુશ્કેલી ઊભી થાય તેમ છે. કોઇ સ્વજનના વિયોગનો પ્રસંગ પણ બની શકે છે. આ તબકકે જ તેને તેની કાયમી જીવન સાથી મેળવવાના યોગ છે. જો કે, લગ્નના યોગ વિરાટ માટે 2018ના ફેબ્રુઆરી મહિના પછી જ થાય તેમ દેખાય છે. હાલમાં 10માં સ્થાનમાં કન્યા રાશીમાં ચાલી રહેલું ગુરુનું ચંદ્ર પરથી ભ્રમણ તેને આર્થિક અને વ્યવાસાયિક દૃષ્ટિએ ઘણા ફાયદા કરાવે , તે નવા નવા રેકર્ડ સર્જે અને લોકો જે કારણે સચિનને ક્રિકેટનો ભગવાન માનતા થયા હતા તેવો જ યોગ વિરાટની કુંડળીમાં 2020 સુધીમાં સર્જાઇ શકે તેમ છે.