ટ્રમ્પની જીત, 500-1000ની નોટ બંધઃ સરપ્રાઇઝ એન્ડ શોક ક્યા ગ્રહોના કારણે?
ગ્રહોની ગતિ ગહન છે. તે ક્યારે કેવું ફળ આપશે તે જાણવું એ અનુભવ અને જ્ઞાન સાથે સતત અપડેટ થવાથી જ શક્ય બને છે. 8 નવેમ્બરે અમેરિકામાં ચૂંટણી યોજાઇ, જીતવા માટે હોટ ફેવરીટ ગણાતાં હિલેરીબેન હારી ગયાં, અંધાધૂધીના નેતૃત્વ સાથે મ્હોં ફાટ વાણી વિલાસ કરનાર ટ્રમ્પની જીત થઇ. બસ એ જ દિવસે ભારતમાં મોદી સાહેબે નિર્ણય લીધો કે આજ રાતથી એટલે 9મી નવેમ્બરથી જ 500 અને 1000ની ચલણી નોટ કાગળના ટૂકડા થઇ જશે. માર્કેટને સ્થિર કરે તેવા સંજોગો અચાનક જ બદલાઇ ગયા. માર્કેટમાં અંધાધૂંધી અને અરાજકતાનો માહોલ સર્જાઇ ગયો. અમેરિકામાં પણ લોકો ટ્રમ્પની જીતને પચાવી શક્યા નથી. ન્યૂયોર્ક હોય કે શિકાગો, લોકો રસ્તા પર નીકળી પડ્યા છે. કેટલાક ઉત્સાહી આગાહીખોરોએ તો ત્યાં સુધીની આગાહી કરી દીધી છે કે અમેરિકામાં આંતર વિગ્રહ ફાટી નીકળશે. તેવી જ રીતે ભારતમાં પણ કરન્સી ક્રાઇસીસના પગલે કેટલાક લોકો ભાવિ અર્થકારણને ધૂંધળું જોવા લાગ્યા છે. લાખ રૂપિયાનો સવાલ એ છે કે અચાનક 8 અને 9 નવેમ્બરે એવા ક્યા ગ્રહોના ફેરફાર થયા કે લોકોને શોક સાથે સરપ્રાઇઝ થવાના યોગ સત્તાધિશોના કારણે મળ્યા.
આ જ કોલમમાં અગાઉ 26 સપ્ટેમ્બરે લખાયેલા લેખમાં જણાવ્યું હતું કે અંધાધૂધીના સંજોગો સર્જાય તો જ ટ્રમ્પની જીત થાય તેમ છે. અમેરિકામાં ચૂંટણીના બરાબર 48 કલાક પહેંલાં જ હિલેરીના ફંડીંગ અને ઇમેઇલ કૌભાંડના મુદ્દે એફબીઆઇ પુનઃ સક્રિય થઇ અને અમેરિકાના સાયલન્ટ રહેલા મતદારોએ તેમના મિજાજનો પરચો આપી હિલેરીને જાકારો આપી દીધો. કોને કેટલા વોટ મળ્યા તેનો હિસાબ અને કેવા ચૂંટણીલક્ષી સમીકરણો બન્યાં હશે તે અલગ તપાસનો વિષય છે પરંતું હાલમાં ચાલી રહેલા મંગળ અને શનિના પરિવર્તન યોગને આ ઘટના પાછળ ઓછો જવાબદાર ગણી શકાય તેમ નથી. હાલમાં વૃશ્ચિક રાશીમાં શનિ અને મકર રાશીમાં મંગળનો પરિવર્તન યોગ ચાલી રહ્યો છે. તો વળી ગુરુ-બુધ-શુક્રનો પણ પરિવર્તન યોગ ચાલી રહ્યો છે. આ યોગમાં બુધ બજારોનો ગ્રહ છે. શુક્ર લાલસા કે પછી કાળાબજારનો ગ્રહ છે જ્યારે ગુરુ તેના પણ તવાઇ લાવે તેવો ગ્રહ છે. આશ્ચર્યકારક બાબત જોઇએ તો 1978માં જાન્યુઆરી મહિનાથી 16 તારીખે 1000ની નોટ બંધ કરવાની જાહેરાત થઇ હતી અને 17મી તારીખથી 1000ની નોટ ચલણમાંથી બંધ થઇ ગઇ હતી. ત્યારના ગ્રહ યોગ જોઇએ તો, ત્યારે પણ મિથુન રાશીમાં ગુરુ અને ધન રાશીમાં બુધનો પરિવર્તન યોગ હતો. વળી મંગળ, શનિ અને ગુરુ ત્રણે ગ્રહો વક્રી હતા. એક કરતાં વધુ ગ્રહો વક્રી થાય ત્યારે તે ગ્રહો વચ્ચે એક દિશાની ધરી રચાય છે. જેનું ફળ પણ પરિવર્તન યોગ જેવું જ મળે છે. આથી શનિ અને મંગળ વક્રી થયા ત્યારે 1000ની નોટ બંધ થઇ હતી. જ્યારે આ વખતે પણ ગુરુ અને બુધનો પરિવર્તન યોગ રચાયો અને શનિ મંગળનો પરિવર્તન યોગ રચાયો ત્યારે જ ભારત ભાગ્ય વિધાતાઓને ચલણી નોટો બંધ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાનો વિચાર આવ્યો છે. આ ગ્રહોની સમાન અસરો વિશે તો આપણે જોયું પણ આ ગ્રહ યોગની વિપરીત અસરો પણ પડવાની છે.
શનિ અને મંગળના પરિવર્તન યોગમાં લેવાયેલા આ નિર્ણયને ચારેકોરની શુભેચ્છા અને શાબાશી તો મળી રહી છે. અને નિર્ણય લેનારા પણ ભવિષ્યના સપનાં બતાવીને દેશપ્રેમની ભરતી લાવી રહ્યા છે. પરંતું ગ્રહ યોગોની દૃષ્ટિએ જોતાં આગામી સમયમાં આ નિર્ણયના કારણે થનારા ફાયદાની રાહ જોનારાઓએ તકલીફો અને તનાવથી ટેવાવું પડશે. હજું આ લેવાયેલા નિર્ણયને મળી રહેલા આવકારના કારણે વધુ કડક નિયંત્રણો અને વધુ બોલ્ડ નિર્ણયો લેવાય તેવી શક્યતા 100 ટકા દેખાઇ રહી છે.
અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં પણ જાન્યુઆરી મહિના સુધી ટ્રમ્પ સત્તાના સૂત્રો સંભાળી શકે તેમ નથી. તો વળી ભારતમાં પણ 30 ડિસેમ્બર સુધીનો સમય માત્ર નોટો બદલવા અને જમા કરવા માટે આપવામાં આવ્યો છે ત્યાર પછી જ અન્ય કાર્યવાહી કેવી રહેશે તેનો ખ્યાલ આવશે. એટલે જાન્યુઆરી મહિનો ખૂબ અગત્યનો સાબિત થશે. જાન્યુઆરી મહિનામાં ગ્રહોની દૃષ્ટિએ બે મહત્વની ઘટનાઓ બનાવાની છે એક સૂર્યની મકર સંક્રાંતિ અને બીજું 26મી જાન્યુઆરીએ અંધાધૂંધીનો દેવ શનિ રાશી પરિવર્તન કરીને ધન રાશીમાં જશે. મકર રાશી શનિની રાશી છે તેમાં સૂર્ય પ્રવેશશે અને ધન રાશી ગુરુની રાશી છે તેમાં શનિ પ્રવેશશે. આ બે પરિવર્તનોના કારણે જાન્યુઆરી મહિનો ઇવેન્ટફૂલ રહેશે. તેમાં કેટલાક વધુ કડક નિયમો ભારતના અર્થકારણને મજબૂત બનાવવા માટે લેવા પડશે. કેટલાક સ્થાપિત હિતોના હિત જોખમાય તેવા પગલાં સરકાર ભરશે. વળી જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં યુપીની ચૂંટણીઓ પણ આવી રહી છે. તેમાં પણ કરન્સી ડિમોનિટેશનની અસરો જોવા મળશે. ભાજપને જેવી અપેક્ષા છે તેવાં ચૂંટણીના પરિણામો નહી આવે તો તેમના આ નિર્ણયની આકરી ટીકા કરનારાના મ્હોં હાલમાં ભલે બંધ હોય ત્યારે ખૂલી જશે. શનિ ત્રાજવાનો ગ્રહ છે શેર બજારનો પણ કારક છે આથી જાન્યુઆરી મહિનામાં શેરબજાર અને બજારોમાં મંદી આવે, મિલકતોના ભાવ પણ નીચે ઉતરી જાય તેવી સંભાવના છે. રિઝર્વ બેંકના નિર્ણયોના કારણે બેંકીંગ સેક્ટરને નુકસાન પહોંચે અને સરકારે તેમનો પણ વિરોધ સહન કરવો પડે તેવી શક્યતા છે.
નિર્વિવાદપણે ચલણમાંથી કાળુનાણું એક ઝાટકે હટાવવાના, ભ્રષ્ટાચાર અને આતંકવાદ પર કાબૂ મેળવવાનો નિર્ણયની આવકાર દાયક જ છે પણ જ્યારે આ નિર્ણયના લાંબાગાળાના લાભાલાભ જોવાના થાય ત્યારે તો એક વાત નિશ્ચિત છે કે આ નિર્ણય લીધા પછી પણ કેટલાક હજુ વધુ આકરા પગલાં લેવા પડશે. નાણાં મંત્રી અરુણ જેટલીએ હાલમાં જ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂની વાત કરીએ તો તેમણે એમ કહ્યું હતું કે ‘ અમે આ નિર્ણયના રાજકીય પરિણામોની ચિંતા કરતા નથી. વળી મારો કાર્યકાળ પુલોનું ઉદ્ઘાટન કરવામાં અને ફાઇલો ક્લીયર કરવામાં જ ખતમ થઇ જાય તેવી તો મારી ફિતરત જ નથી’ નાણાંમંત્રીની આ વાતને ગ્રહોના ત્રાજવામાં તોલીએ તો એ સ્પષ્ટ દેખાય છે કે શનિ અને ગુરુની અસરોના કારણે મે મહિના સુધી અફરાતફરીનો માહોલ રહે છે. પ્રજા અને સરકાર બંને પક્ષે રહેલો ભરોંસાનો સેતું ખતરામાં આવે શક્યતા છે. તો વળી કોમન મેનને હવે શું થશે, કેવા નિર્ણયો લેવાશે, કોનું આવી બનશે, જેવી અસમંજસ રહેશે. તો વળી આવો મોટો નિર્ણય એક જ ઝાટકે લઇ પાડનાર સરકાર ગમે ત્યારે ગમે તે કરી શકે તેવો છૂપો ડર બધાને પેસી જશે.
ઘણા લોકો કોર્ટમાં પીટીશન કરીને નિર્ણય બદલવાની આશા રાખીને બેઠા હોય કે કેટલાક લોકો સરકાર જ લોક વિરોધ થતાં હુકમને હળવો કરાશે તેવો આશાવાદ સેવી રહ્યા છે. પરંતું ગ્રહોની દૃષ્ટિએ એવું દેખાય છે કે હજુ વધારે કડક નિર્ણયો લેવાય અને મકરનો સૂર્ય અને ધનનો શનિ જાન્યુઆરી મહિનામાં આવશે ત્યારે પ્રજાને હજુ વધારે તકલીફવાળા સમયનો સામનો કરવો પડે તેમ દેખાઇ રહ્યું છે.
બીજી તરફ અમેરિકાના રાજકારણમાં આમૂલથી બદલાવ આવે તેવા યોગ છે. કેટલીક પોલીસીઓમાં ધરમૂળથી ફેરફાર ટ્રમ્પ લાવે તેવા યોગ છે. ટ્રમ્પના નિર્ણયોનો વ્યાપક વિરોધ થાય, લોકો ફરીથી રસ્તા પર ઉતરી પડે તેવા યોગ છે. પણ એક દુનિયાની સૌથી જુની લોકશાહી અને એક દુનિયાની સૌથી મોટી લોકશાહીવાળા દેશોમાં શાસકોને અપ્રિય પણ જરૂરી નિર્ણયો લેવા પડે તેવા ગ્રહ યોગ છે. તો વળી કોઇ પણ નિર્ણય લેવો પડે તો તે લઇ શકવાની હિંમત અને રાજકીય ઇચ્છાશક્તિ ધરાવતા નેતાઓ જ આવા સમયે બંને દેશોના વડા છે તે પણ નોંધવા જેવી વાત છે.