વર્ષ 2017નું રાશીવાર ભવિષ્યઃ કેવી સોગાદ અને કેવા આઘાત?
વર્ષ 2017માં દરેક વ્યક્તિ પોતાની સ્થિતી ગત વર્ષ કરતાં બહેતર બને તેવી આશા રાખીને બેઠા હશે. નવા વર્ષમાં ગ્રહોની સ્થિતી તેમના માટે કેવી સોગાદ અને કેવા આઘાત લાવનાર છે તે દરેક માટે અનુમાન અને આશાનો વિષય છે. 2016ના અંતમાં જે રીતે નોટબંધી આવી અને તેના કારણે સામાન્ય જન જીવન ગોટે ચઢ્યું તે જોયા બાદ લોકોને નવા વર્ષમાં તેમની મુશ્કેલીઓ દૂર થાય, વેપાર ધંધા વેગ પકડે, મોંઘવારી ઘટે તેની સાથે સાથે પોતાની વ્યક્તિગત આરોગ્ય અને પારિવારિક તેમજ સામાજીક જીવન પણ સુધરે તેવી અપેક્ષા હોય તે સ્વાભાવિક છે. તો વળી ગયા વર્ષે નહિ થયેલા અને આ વર્ષે કરવા ધારેલાં કામો કેવી રીતે પુરાં થશે, તે પણ જાણવું જરૂરી છે. આરોગ્ય કેવું રહેશે અને કેવી કેવી ઉપાધીઓથી બચવાનું રહેશે તે રાશીવાર ભવિષ્યકથનના આધારે જોઇએ.
મેષ રાશીઃ
વર્ષ 2017ના આરંભે મેષ રાશીથી આઠમે શનિ,છઠ્ઠે ગુરુ અને પાંચમા સ્થાનમાં રાહુ ભ્રમણ કરી રહ્યા છે. જો કે 26મી જાન્યુઆરીથી શનિ બદલાઇને ધન રાશીમાં જતાં નવમે જશે જેથી તમારી શનિની નાની પનોતી પુરી થશે. જો કે શનિ પાછો 21મી જૂને વક્રી ગતિએ પાછો વૃશ્ચિકમાં આવતાં જ પનોતી પુનઃ શરૂ થશે જે છેક 26મી ઓક્ટોબર 2017એ પુરી થશે. જો કે છઠ્ઠા સ્થાનમાં રહેલો ગુરુ વર્ષના અંત સુધી તમને આરોગ્યલક્ષી પીડા ઊભી કરતો રહેશે. 12 સપ્ટેમ્બરે ગુરુ બદલતાં જ સાતમે આવનારો લગ્ન અને પ્રેમસબંધોમાં તકલીફ ઊભી કરશે. વર્ષના આરંભે નવમા સ્થાને રહેલો સૂર્ય સરકાર,સત્તાધારી સહિતના પ્રભાવશાળી લોકોને મળાવશે.જ્યારે પાંચમે રાહુ વિદ્યાભ્યાસમાં અવરોધ સર્જે તેવા યોગ છે.
આરોગ્યઃ
વર્ષારંભે શનિ આઠમે ગંભીર બિમારીનો યોગ કરે છે પરંતું છેલ્લા અઢી વર્ષથી આઠમે શનિએ જે પીડા કરી હોય તેમાં વધારો થાય તેવા યોગ નથી, શનિની નાની પનોતી વર્ષના પ્રથમ 26 દિવસ સુધી છે. 26મી જાન્યુઆરી સુધી જ આઠમા સ્થાને રહેનાર શનિ ધન રાશીમાં આવશે આરોગ્યલક્ષી પીડાનો કાયમી ઉકેલ લાવી શકે છે. તો વળી નવમે શનિ શરદી કે કફ જેવી કાયમી સમસ્યામાં પણ રાહત લાવશે. હા, જેમને એલર્જીની બિમારી છે તેમના માટે 2017નો શિયાળો અને પાનખર જરા જોખમી છે. તમારે ધૂળ, પરાગરજ અને કેટલાક અત્તર, અગરબત્તીના કારણે નોઝલ(નાકનું) ઇન્ફેક્શનનો સામનો કરવો પડે, કે પછી કોઇ દવાની આડ અસર પણ થઇ શકે છે. વર્ષના મધ્યભાગમાં 21મી જૂનથી શનિદેવ વળી પાછા વક્રી ગતિથી વૃશ્ચિક રાશીમાં આવશે. ત્યારે ગુરુ પણ છઠ્ઠા સ્થાનમાં જ છે અને રાહુ પણ પાંચમા સ્થાનમાં છે. આથી જૂનથી ઓક્ટોબર સુધીના પાંચ મહિના આરોગ્ય માટે વધુ કષ્ટદાયક બને. તમારે ટેન્શનથી ખાસ બચવું જોઇએ. તમારા માટે અન્ય લોકો કોઇ ધારણા બાંધી લે તેમ પણ થવા દેતા નહિ. જો તમારી ઊંમર 30 વર્ષથી વધુ છે તો તમારે એપ્રિલ મહિના સુધીમાં એક વખત સમગ્ર બોડી ચેક-અપ કરાવી લેવું જોઇએ. આરોગ્ય જાળવી રાખવા માટે સૂર્યને જળ નિયમિત ચઢાવવું અને કુળદેવીના દર્શન કરવા તેમજ સ્ત્રીઓએ રોજ પાણીયારે દીવો પ્રગટાવવો જોઇએ.
ધંધો-રોજગાર
ધંધા-રોજગાર માટે આ વર્ષ સારી તકો લઇને આવ્યું છે. કેટલાક અધૂરા પ્રોજેક્ટ આ વર્ષે પુરા કરવાના છે. કુદરતી અને સહકર્મીઓની મદદ મળી રહેશે. ધંધાનું એક્સપાન્સન કરવાનો વિચાર જાન્યુઆરી બાદ ફેબ્રુઆરીમાં અમલમાં મૂકી શકશો. વિદેશ પ્રવાસ કરવાનો યોગ ઓક્ટોબર મહિના પછી દેખાઇ રહ્યો છે. આ વર્ષે ઇન્ફાસ્ટ્રક્ચર બનાવવા અને સ્ટાફને તાલિમ આપવા માટે વિશેષ ખર્ચ કરશો. આ ખર્ચ તમને ભવિષ્યમાં ફાયદો કરાવશે. તમે નવા ધંધામાં એન્ટ્રી કરી શકો છે. જેઓ નોકરી કરી રહ્યા છે તેઓ ગયા વર્ષની ખોટ પુરી કરી શકશે. તમારી બદલી થઇ છે તો આ વર્ષે તમને તમારા મનપસંદ સ્થળે પાછા ફરવાનો ઉજળો સંકેંત છે. વર્ષના મધ્યભાગમાં તમને એમ લાગે કે તમારી પર કામનો બોજો વધી રહ્યો છે. પણ નવેમ્બર ડિસેમ્બર આવતાં જ તમને તેનાં મીઠાં ફળ પણ ચાખવા મળી જશે.
શિક્ષણ-વિદેશ પ્રવાસ
વિદ્યાનો કારક ગુરુ તમારા છટ્ઠા સ્થાનમાં છે. તે અભ્યાસમાં વિઘ્ન નાંખી શકે છે. ધ્યાનભંગ થાય,મન ચંચળ બને, અભ્યાસમાં રૂકાવટ આવી શકે છે. રાહુની લલચામણી બાબતોથી દૂર રહેવું. પરીક્ષા ટાંણે જ આરોગ્ય તેમ છે. માટે અભ્યાસની સાથે સાથે આરોગ્યની પણ કાળજી લેવી. જે વિધ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષામાં બેસવાના છે તેમના માટે ખાસ ટિપ્સ કે તેમણે ફીની રિસિપ્ટ,પરીક્ષાની હોલ ટિકીટ અને પરીક્ષા સ્થળે જવા માટે સમય કરતાં અડધો કલાક વહેલા નિકળવું. રાહુ વિઘ્નો લાવે તેવો યોગ પણ રચાય છે. ઊચ્ચાભ્યાસ માટે વિદેશ વાંચ્છું વિદ્યાર્થીઓને જાન્યુઆરી-ફેબ્રુઆરી ઇન્ટેકમાં જ પ્રવેશ મેળવો હિતાવહ છે. તેઓ ઓગસ્ટ કે સપ્ટેમ્બર ઇન્ટેકમાં પ્રવેશ લેવાનો વિચાર માંડી વાળે. અભ્યાસમાં આવનારા વિઘ્નો દૂર કરવા માટે તમારે ગુરુનો મંત્ર પાઠ રોજ કરવો અને શિવજીને પૂજવાથી લાભ અવશ્ય થશે.
લગ્ન-પ્રેમ
લગ્નની ઉંમરે પહોંચેલા મેષ જાતકો માટે ખાસ યોગ વર્ષના અંતભાગમાં રચાય છે. મનવાંછિત જીવનસાથી મેળવવાનું સ્વપ્ન આ વર્ષે પુરું થશે. જેમને લગ્ન યોગ મોડા છે કે સાતમું સ્થાન શનિ કે મંગળ જેવા ગ્રહોથી દૂષિત છે તેમના માટે પણ આ વર્ષે લગ્નના યોગ છે. 26મી જાન્યુઆરી પછી લગ્ન માટેની વાતચીત વધુ વેગ પકડે, સારાં માંગા આવે અને પાત્રો સાથેની વાતચીત પણ ફળદાયી નીવડે. જો કે લગ્નના આયોજનમાં મુશ્કેલીઓ આવશે. ગુરુ જેવો કન્યા રાશીમાંથી તુલા રાશીમાં જશે એટલે મુશ્કેલીઓ દૂર થઇ જશે.(સપ્ટેમ્બર). પ્રેમી પંખીડાને રાહુની દખલ ઊભી થશે. તમારા પરિવારજનો તમારું પ્રેમપ્રકરણ જાણી જાય તેમ બની શકે.સાવધ રહેશો. પ્રેમીજન સાથે પણ ભરોંસાની જાળવણી કરવી પડશે. જેઓ પોતાના પ્રિયપાત્રને મનની વાત કહેવાની તક શોધી રહ્યા છે તેમણે આ વેલેન્ટાઇન ડેનો મોકો ગુમાવવા જેવો નથી. આ વખતે બદલાયેલો શનિ તમારા પ્રિયપાત્ર સુધી તમારા હ્રદયની વાત પહોંચાડીને જ રહેશે.
ઉપસંહાર
આ વર્ષ એકંદરે સારું છે. તમારા લગ્ન સહિતના સામાજીક કાર્યો ઉકેલાય, આરોગ્યની તકલીફો થોડી પજવણી કરે પણ બાકી તમારા ગ્રહો આ વર્ષમાં તમારી મનની ઇચ્છા પુરી કરી આપે તેવા છે. ગ્રહોની રહેમનજર મેળવવા માટે તમારે સૂર્ય ઉપાસના કરવી જોઇએ. શનિના જાપ અને મંગળવારના ઉપવાસ કરવાથી પણ ફાયદો થશે.
વૃષભ રાશીઃ
વર્ષના આરંભે વૃષભ રાશીથી સાતમે શનિ, પાંચમે ગુરુ અને ચોથા સ્થાનમાં રાહુ ભ્રમણ કરી રહ્યા છે. જો કે 26મી જાન્યુઆરીથી શનિ બદલાઇને ધન રાશીમાં જતાં જ તમારી શનિની નાની પનોતીની શરૂઆત થશે. પાંચમે રહેલો ગુરુ વર્ષના અંત સુધી તમને શનિની તકલીફોથી બચાવશે. સપ્ટેમ્બરમાં ગુરુ બદલતાં જ છઠ્ઠે આવીને આરોગ્ય વિષયક તકલીફ આપશે. વર્ષના આરંભે આઠમે સૂર્ય આંખની તકલીફ ઊભી કરશે. જ્રયારે ચોથે રાહુ તમારા દિલને ઠેસ પહોંચે તેવા પ્રસંગો ઊભા કરશે.
આરોગ્યઃ
વર્ષારંભે શનિ સાતમે હોવાથી જીવનસાથીના કે ઘરના કોઇ સભ્યનાઆરોગ્યની ચિંતા જાન્યુઆરીમાં રહેશે. અગ્નિતત્વની રાશીમાં સૂર્ય આઠમેથી પસાર થતાં આકસ્મિક બિમારીની સંભાવના ઊભી કરે. વાહન અકસ્માત ન થાય તેની ખાસ કાળજી લેવી. પિત્તજન્યરોગ થવાની પણ શક્યતા છે. નાની પનોતીથી રોગ પ્રતિકારક શક્તિ પર પણ અસર પડશે. તો ફેબ્રુઆરી-માર્ચમા પણ આરોગ્યની તકલીફો ચાલુ રહે. શનિદેવની અવકૃપાના કારણે વાયુ અને પિત્તનો પ્રકોપ રહે. એપ્રિલ-મેમાં તણાવ ઘટે પણ પગ કે માથાનો દુઃખાવો થઇ શકે છે. જૂન પછી આરોગ્યની પીડામાં રાહત થાય. રોગ અને મનોરોગના કારણે થતી તકલીફોમાં કોઇનો સાથ મળે. આ સમયે સારું વાંચન કરવાથી રાહત રહે. શનિદેવને રિઝવવા માટે હનુમાન ચાલીસાના પાઠ કરવા. સૂર્ય-ગુરુનો પ્રભાવ આળશ વધારે. જેઓ નિયમિત કસરત, યોગ અને પ્રાણાયામ કરશે તેમની પીડા ઘટશે. ઓક્ટોબર સુધીનો સારો સમય જતાં જ શનિ પુનઃ ધનુંમાં પ્રવેશ કરશે અને ફરીથી આરોગ્ય માટે પીડાદાયક સમય શરૂ થશે. જે લોકોને પથરી કે હર્નિયાની બિમારી છે તેમને આ રોગ ઉથલો મારે તેવી શક્યતા છે. ડાયાબિટીશના દર્દીઓએ પરેજી અને દવામાં કાળજી લેવી
ધંધો-રોજગાર
ધંધા રોજગાર માટે આ વર્ષ સારા સમાચાર લાવે તેમ નથી. મોટું સાહસ કે તેમાં નાણાંનું રોકણ કરવાથી ફસાઇ જવાય. ચોથે રાહુ અને પાંચમે ગુરુ હોવાથી છેતરપિડીંના યોગ વધારે છે. વર્ષના પ્રારંભે ધંધો કરનારાને સારી ઓફર્સ મળે પણ તેમાં ભરમાવાને બદલે યોગ્યાયોગ્યનું ધ્યાન રાખીને જ નિર્ણય કરવો. જે લોકોને ધંધાના પ્રમોશન માટે વિદેશ જવાની ઇચ્છા હોય તેમણે જૂનથી ઓક્ટોબરની વચ્ચે જ વિદેશ જવાની કોશિષ કરવી. નોકરી કરનારા જાતકો માટે વર્ષના પ્રારંભમાં જ માઠા સમાચાર આવે. કામના સ્થળે વાતાવરણ બગડે, સાથી કર્મચારીઓનો સહકાર ન મળે. આ સમય કોઇ પણ પ્રકારનું રિએક્શન આપવા જેવું નથી. બોસ સાથેના સબંધોમાં પણ મર્યાદા રાખવી. અપેક્ષાઓ વધવાના કારણે સમસ્યા સર્જાઇ શકે. જો કે જૂનથી ઓક્ટોબર સુધીનો સમય સારા સમાચાર લાવી શકે છે. સરકારી નોકરીમાં બદલી કરાવવા માટે જૂનથી ઓક્ટોબર સુધીનો સમય સારો છે. એ સિવાયનાસમયમાં પ્રયત્ન કરવાથી અનૈચ્છિક જગ્યાએ જવાનું થાય તેમ પણ બની શકે છે. લેણું ચૂકવવામાં પણ બદનામીનો સામનો કરવો પડે. ઉઘરાણીના નાણાં પાછાં મેળવવા માટે પણ નવનેજાં આવી જાય.
શિક્ષણ-વિદેશ પ્રવાસ
વિદ્યાભ્યાસ માટે આ સમય વધુ મહેનતનો છે. પુરી મહેનત કરવા છતાં પુરું પરિણામ નહિ મળે. આ સમય જ વધુ મહેનત કરાવે તેવો છે તેમ માનીને મન મનાવી લેવું જોઇએ. જેઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે તેમણે આળસ ટાળવું. ગણિતમાં વધુ મુશ્કેલી આવે, પ્રશ્નપત્ર પણ અઘરું લાગે વાંચીને યાદ રાખવાને બદલે લખીને યાદ રાખવાની કોશિષ કરવી. રાત્રે ઊજાગરા કરીને વાંચવાને બદલે વહેલી સવારે ઉઠીને વાંચવાની ટેવ પાડવી જોઇએ. ગુરુ વર્ષના પ્રારંભે પાંચમા સ્થાનમાં છે તેના કારણે જેટલું વહેલું વાંચીને રિવિઝન કરશો તેટલો પ્રારંભમાં લાભ થશે. ઉચ્ચાભ્યાસ માટે વિદેશ જવાની ઇચ્છા માટે પસંદગીના દેશમાં સમાધાન કરવું પડે. જોઇતી જગ્યાએ પ્રવેશ ન મળે. એકાગ્રતા રાખવા અને મહેનત કરવામાં પાછીપાની નહિ કરવી. બુદ્ધી અને યાદશક્તિનું ફળ ના મળે તેથી તેના ભરોંસે બેસવું નહિ. એકલા પડી ગયા હોય તેમ પણ લાગણી થઇ શકે છે. રોજ સૂર્યને નિયમિત જળ ચઢાવવાથી અને ઓમ ગુરુવે નમઃ મંત્રના જાપ કરવાથી અભ્યાસની આડે આવનારી તકલીફોનું નિરાકણ થઇ શકે છે.
લગ્ન-પ્રેમ
લગ્નવાંચ્છુંઓ માટે આ વર્ષ મિશ્ર છે. જેનાં લગ્ન એક વખત નક્કી થઇને તૂટી ગયાં હોય, કે પછી જેમના ડિવોર્સ થયા હોય તેવા મોટી ઉંમરના જાતકોને આ વર્ષે યોગ્ય પાત્ર મળી શકે છે. જ્યારે નવા મૂરતીયાને લગ્ન કરવા આવર્ષે રાહ જોવી પડશે. જન્મકુંડળીમાં ગુરુ સારો હોય તેમના માટે લગ્નના સંજોગો ઊભા થઇ શકે છે. જો ઉતાવળે લગ્નનો નિર્ણય લેશો તો પાછળથી પસ્તાવું પડે તેમ છે. તો વળી રાહુની ચોથા સ્થાનમાં સ્થિતીને જોતાં પ્રેમમાં પડેલાં યુગલોમાં પણ ઝઘડા થાય, એક બીજા પરનો ભરોંસો ઘટે તેમ છે. જો તમે સાચો પ્રેમ કરતા હોવ તો તમારૈ તમારા સાથી પર ભરોસો રાખવો જોઇએ નહિતર આ વર્ષે તમારા કેટલાક હિતશત્રુઓ તમારી પ્રેમની ગાડીમાં પંક્ચર પાડી શકે છે. જેમને પ્રેમલગ્ન માટે પારિવારિક મંજૂરીની સમસ્યા હોય તેમણે આ વર્ષે કેસ હાથમાં લેવો નહિ ને કોઇ પરિવારના મિત્ર કે વડીલની મદદથી વાત આગળ વધારવી. લગ્નોત્સુક કન્યાઓ માટે પુરષો કરતાં સમસ્યા ઓછી છે. આ વર્ષે જ લગ્ન કરવાં હોય તો ગુરુવારના ઉપવાસ કરવા અને રાહુના જાપ કરાવવા કે ઓમ રાં રાહવે નમઃ મંત્રના જાપ કરવા હિતાવહ છે.
ઉપસંહાર
એકદંરે મિશ્ર વર્ષ છે. તમારા ધંધા રોજગારમાં મોટી ફેરબદલ ના કરવી, આરોગ્યની કાળજી લેવી અને નિયમિત રહેવું તેનાથી ફાયદો થશે. તમારા ગ્રહો તેમને ખોટી ઉપાધિમાં નહિ મૂકે પણ જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી જેવો હાલ છે. તમારે હનુંમાન ચાલીસાના પાઠ કરવા, ગાયને રોટલી ખવડાવવી અને તુલીસ ક્યારે દીવો કરવો
મિથુન રાશીઃ
વર્ષના આરંભે મિથુન રાશીથી છઠ્ઠે શનિ,ચોથે ગુરુ અને ત્રીજા સ્થાનમાં રાહુ ભ્રમણ કરી રહ્યા છે. જો કે 26મી જાન્યુઆરીથી શનિ બદલાઇને ધન રાશીમાં જતાં જ શનિ છઠ્ઠેથી સાતમા સ્થાને આવી જશે. ચોથા સ્થાનમાં રહેલો ગુરુ લાભદાયી રહેશે. વર્ષના આરંભે સાતમા સ્થાને રહેલો સૂર્ય જીવનસાથીના આરોગ્યની તકલીફ ઊભી કરશે. જ્રયારે ત્રીજા સ્થાનમાં રાહુ ભાઇ, બહેન કે મિત્ર સાથે મનદુઃખના પ્રસંગો ઊભા કરશે.
આરોગ્યઃ
2017ના પ્રારંભમાં તમારે આરોગ્ય સાચવવાનું રહેશે. સાસરી કે મોસાળ તરફથી માઠા સમાચાર આવી શકે છે. ગુરુ આ વર્ષે આરોગ્યની દૃષ્ટિએ શુભ નથી. જો તમે ત્રીસી વટાવી ચૂક્યા હોવ તો કોલેસ્ટોરલ અને ટ્રાઇગ્લીસરાઇડની તપાસ કરાવી લેવી જોઇએ. જો તમારા માતા-કે પિતાને બ્લડ પ્રેશરની તકલીફ હશે તો તમને પણ થશે. ત્રીજે રાહુ વર્ષના શરૂઆતના ચાર મહિનામાં કાન કે ગળાની બિમારીનું સૂચન કરે છે. ખોરાકમાં બાંધછોડ કરવું હિતાવહ નથી. આ વર્ષે કોઇ મોટો રોગ થવાની શક્યતા નથી પરંતું પાછલી અવસ્થામાં થનારા રોગનું આ વર્ષે બીજારોપણ થઇ શકે છે. ચોથા સ્થાને રહેલો ગુરુ સ્વભાવમાં અધીરાઇ અને ઉતાવળ ઉમેરશે. જેથી ટીન એજર્સ સાથે તમારે ખાસ વિવાદ થશે. લેટ ગો કરવાનો સ્વભાવ વિકસાવવો પડશે. તમારું માનસિક આરોગ્ય ડહોળાય તેવી પણ શક્યતા છે. એકંદરે તમારા માટે આ વર્ષે આરોગ્ય માટે સાચવે સો વર્ષનો આવરદા વાળી કહેવત સો ટકા સાચી પડશે.
ધંધો-રોજગાર
ધંધા રોજગાર માટે આ વર્ષ ગયા વર્ષની ખોટની ભરપાઇ કરી આપશે. જાન્યુઆરીથી એપ્રિલ સુધી કપરી કસોટી અને આકરા નિર્ણયો લેવા પડેશે. જો લાગણીઓના બદલે માત્ર બુદ્ધી અને ગણતરીથી નિર્ણય લેશો તો અવશ્ય લાભ થશે. તમારા સ્વજનો જ ખોટી ફેવર કરાવવાની ડિમાન્ડ લઇને આવે. તેમની વાતોમાં આવીને આગ્રહમાં તણાશો નહિ. તમારા ધંધા માટે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીનો સમય ઘણો સારો છે. તૂટી ગયેલી ઘરાકી, નવા ગ્રાહકો કે અધૂરા રહેલા સોદા આ વર્ષે પુરા થશે. આશ્ચર્યજનક રીતે તમે આ વર્ષે ધાર્મિક બનો અને ધર્મ સ્થાનોનો પ્રવાસ પણ કરો. રાહુના કારણે નવી ઓફરોને તેના મેરીટ પર જ મૂકીને નિર્ણય કરજો. તમારા ગ્રહો છેતરામણી તકો ઊભી કરશે. તેમાંથી સાચી તક ઓળખવી એ જ આ વર્ષનો મુખ્ય ઉદ્યમ રહેશે. જો તમે સારી તકને ઓળખી ઝડપી લેશો તો તમારો બેડો પાર થઇ જશે. પરંતું જો ખોટી તક ઝડપાઇ તો નુકસાન થશે. નોકરીયાતો માટે આ વર્ષ ના નફો ના નુકસાનનું છે. તમારે સમાધાન કરવાં પડશે. હા, આ વર્ષે તમને નવું શીખવા ઘણું મળશે પણ જો તમે કંપનીમાંથી તક મેળવીને વિદેશ જવા ઇચ્છતા હોવ તો તમારે આ વર્ષે નિરાશ થવું પડશે. પ્રમોશન-ઇન્ક્રીમેન્ટ માટે નુકસાન થાય તેવું બની શકે છે. અવરોધો દૂર કરવા રાહુના જાપ કરાવી શકો છે. રાહુનું દાન શ્વાનને કરી શકાય, તો વળી ગુરુ માટે પુસ્તકોનું દાન કરવું કે દત્તબાવનીના પાઠ કરવા જોઇએ.
શિક્ષણ-વિદેશ પ્રવાસ
અભ્યાસમાં માટે આ વર્ષ ઘણું સારું છે. તમારી મહેનત રંગ લાવશે. તમને રાહુના કારણે આકસ્મિક લાભ પણ મળે. મિથુન રાશીના જે જાતકો ભણવા માટે વિદેશ જવાનું આયોજન કરી રહ્યા હોય તેમના માટે આ સમય ઉત્તમ છે. જો કે વિદેશમાં કોલેજ કે યુનિવર્સિટી પસંદ કરવામાં થાપ ના ખાઇ જવાય તેનું ખાસ ધ્યાન રાખશો. જેમનું આ વર્ષ બોર્ડની પરીક્ષાનું છે તેમને પણ ગ્રહોની ઘણી મદદ મળી શકે તેમ છે. જે વિષય તમને ઓછો આવડતો હોય કે રસ ઓછો પડતો હોય તેવા વિષયના પ્રશ્નપત્રો અવશ્ય સરળ નીકળશે. કઇ લાઇન લેવી જેવી સમસ્યા સતાવતી હોય તેઓ અનેક વિધ સલાહથી મૂંઝાઇ જાય તેમ બને. અભ્યાસની સાથે સાથે નોકરી કરવા માટે આ સમય ઉત્તમ છે. સ્પોર્ટસ કે આર્મી કે પછી પોલીસમાં કારકિર્દી બનાવવી છે તેમના માટે આ વર્ષે સારા યોગ છે.
લગ્ન-પ્રેમ
આ વર્ષે લગ્નની ઇચ્છા પુરી થવા જેવું લાગે અને વળી પાછી સફળતા નજીક આવીને દૂર ચાલી જાય તેવો શનિનો પ્રભાવ છે. જાન્યુઆરી મહિનો શરૂ થતાં જ લાગે કે લગ્નના યોગ પ્રબળ થયા છે. સગાવ્હાલાં અને મેટ્રીમોનીઅલ સાઇટ પરથી પણ આપણે જોઇતો હોય તેવો મુરતીયો મળે પણ પછી વાતચીત આગળ વધતાં જ તેમાં ખામી દેખાય અને વાત પડી ભાગે. જે પાર્ટનર તરીકે યોગ્ય લાગે તે તરફથી હા કે ના નો જવાબ જ ના આવે અને જ્યાં આપણી જરા પણ ઇચ્છા ન હોય ત્યાંથી લગ્ન માટે હા કહેવાનું દબાણ થાય. જે લોકો ઓલરેડી કોઇના પ્રેમમાં છે તેમણે પ્રિયપાત્ર સાથેના સબંધોમાં ક્યાંક ઓટના આવે તેનું ધ્યાન રાખવાનું છે. તમારું મન ત્રીજે રાહુના કારણે ભટકે અને ટાઇમ પાસ માટે કરેલા અટકચાળાના કારણે ગંભીર પ્રેમસબંધોમાં વિશ્વાસની ડોર પાતળી થાય તેમ છે. લગ્ન માટે પરિવાર તરફથી ખાસ આગ્રહ થાય અને કોઇ પણ પાત્રને જાણે ગમાડી જ દો અને પરણી જ જાવ તેવા પ્રેશરનો સામનો પણ તમારે કરવો પડે. ગ્રહોની દૃષ્ટિએ આ ખૂબ ઉલઝનવાળો સમય છે. માટે થોભો અને રાહ જુઓની નીતી અજમાવો. આ વર્ષ લગ્ન માટે નથી.
ઉપસંહાર
એકંદરે વર્ષ નહિ સારુ નહિ ખરાબ જેવું છે. તમારે લગ્ન અને ધંધા રોજગાર માટે સ્ટ્રગલ કરવી પડે તો વળી આરોગ્ય માટે સારો સમય છે. વિદ્યાર્થીઓ માટે પણ ઠીક ઠીક સમય છે. નહિ નફા નહિ નુકસાનના આ સમયમાં તમારે સાવચેતીથી નિર્ણયો લેવા પડે. મંગળના જાપ કરાવવા, સૂર્યને જળ ચઢાવવું, કુળદેવીના પૂજન-દર્શન કરવાં જેવા ઉપાયો લાભદાયી રહે
કર્ક રાશીઃ
વર્ષના આરંભે કર્ક રાશીથી પાંચમે શનિ, ત્રીજે ગુરુ અને બીજા સ્થાનમાં રાહુ ભ્રમણ કરી રહ્યા છે. જો કે 26મી જાન્યુઆરીથી શનિ બદલાઇને ધન રાશીમાં જતાં જ શનિ છઠ્ઠા સ્થાનમાં આવશે. ત્રીજા સ્થાનમાં રહેલો ગુરુ વર્ષના અંત સુધી નવી તકો ઊભી કરશે. સપ્ટેમ્બર મહિના બાદ ગુરુ બદલાતાં જ ચોથા સ્થાને આવશે અને મિલકત ખરીદી,વાહન ખરીદીના યોગ કરશે. વર્ષના આરંભે છઠ્ઠે રહેલો સૂર્ય વારસાગત બિમારી અને વાની તકલીફ કરશે..જ્યારે બીજા સ્થાનમાં રહેલો રાહુ આર્થિક તકલીફો ઊભી કરે.
આરોગ્યઃ
કર્ક રાશીના જાતકો માટે વર્ષ 2017 આરોગ્ય માટે કાળજી લેવા જેવું છે. પાંચમે રહેલો શનિ ખર્ચાળ ઉપાય દ્વારા લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત લાવશે ધન રાશીમાં શનિનું ભ્રમણ આરોગ્યની પીડા ઊબી કરે. શરીરમાં વાત, પિત્ત અને કફનું સંતુલન નહિ જળવાતાં શૂળ થાય, આંતરડાની બિમારી પણ થઇ શકે છે. બહારનું જમવા પર કાબૂ રાખવો જોઇએ. ઊંઘ પુરતી લેવી જોઇએ, વિચારોમાંથી નકારાત્મકતા દૂર કરવી જોઇએ. સારા વિચારો મળે તેવું વાંચન કરવું જોઇએ. જેમની જન્મ કુંડળીમાં ચંદ્ર 6 8 કે 12મા સ્થાનમાં છે તેમના માટે આ સમય તકલીફ દાયક રહે તેમ છે. કસરત,યોગ કે પ્રાણાયામ કરવાથી ફાયદો થાય. 1થી 12 વર્ષ સુધીના બાળકો માટે છઠ્ઠા સ્થાનમાં રહેલો શનિ કૃમિના રોગ કરે. તો વળી 12થી 22 સુધીના જાતકો માટે શનિના કારણે પાઇલ્સ કે ખીલ અને ચામડીના રોગ થાય તેમ છે. 22થી 35 સુધીના જાતકોને વાયુપ્રકોપ અને અજીર્ણની તકલીફ થાય તેમ છે. 35થી 50 સુધીના જાતકોએ સાંધાના દુઃખાવા અને મણકાની તકલીફ ભોગવવી પડે તેમ છે તો વળી 50થી ઉપરના જાતકો માટે હ્રદય રોગ અને ડાયાબિટીશ કે બ્લડપ્રેશરની બિમારી ઉથલો મારે તેમ છે. સપ્ટમ્બર મહિનામાં 12મી તારીખે ગુરુ કન્યા રાશીમાંથી તુલા રાશીમાં જાય પછી આરોગ્યમાં ફાયદો થાય તેવી શક્યતા છે. કર્ક રાશીના જાતકોએ આરોગ્યની કાળજી લેવા માટે ગણેશજીનું પૂજન કરવું, ગં ગણપતયે નમઃ મંત્રની માળા કરવી અને મંગળવારે ઉપવાસ કરવા જેવા ઉપયો કરવા જેવા છે.
ધંધો-રોજગાર
ધંધા રોજગાર માટે કર્ક રાશીના જાતકો માટે 2017નું વર્ષ એકંદરે સારૂ છે. તેમના માટે આ વર્ષે કોઇ નવી તકો નથી ઊભી થવાની તો કોઇ નવી મુશ્કેલી પણ આવે તેમ નથી. તેમનો ધંધો 2016ના વર્ષમાં છેલ્લા મહિનાઓમાં જે રીતે નીચે ગયો હતો તે પ્રથમ ત્રણ મહિનમાં જ પાછો વેગ પકડી લેશે. જૂના ગ્રાહકો પણ મળે અને નવા ઓર્ડર પણ મળે. જેઓ પ્રોડક્શનના કામમાં છે તેમના માટે શનિની પાંચમે માર્ગી અને વક્રી સ્થિતી અને છઠ્ઠા સ્થાનમાં વક્રી સ્થિતી વિપરીત યોગ રચે છે. જેના કારણે ધંધામાં આકસ્મિક લાભ થાય અને એક જ સોદામાં આખા વર્ષનો નફો રળી લેવાય. ગલ્ફના દેશોમાં કે દેશો સાથે ધંધો કરતા હોવ તો તમારા માટે સોનાનો સૂરજ છે. બંને દેશની પોલીસીઓ તમારા માટે ફાયદાનો જ સંદેશો લઇને આવશે. પશ્ચિમના દેશો સાથે પણ એક્સપોર્ટનો ધંધો કરવામાં સરળતા રહેશે. પરિવારનો ભેગો ધંધો છે તેમના માટે પણ કમાણી કરવાના ઉજળા ગ્રહયોગ છે. નોકરીયાત માટે આ સમય લમણાંઝીંક અને ભારે અગવડતાભર્યો રહેશે. તેમને એમ લાગશે કે તેઓ એકધારું કામ કરે તેવું મશીન બની ચૂક્યા છે. તેમના કામની નિરર્થકતો બોજો અનુભવાય. કર્કરાશીના જાતકો જૂનથી ઓકટોબર દરમ્યાન નવી નોકરી શોધે, જૂની નોકરીને બાય બાય કરી દે તેવા પણ યોગ છે.
શિક્ષણ-વિદેશ પ્રવાસ
જો તમે વિદ્યાર્થી છો તો તમારા માટે આ વર્ષ સારું છે. અભ્યાસમાં રૂચિ જાગે, અણગમતા વિષયોને ભણાવે તેવું કોઇ વ્યક્તિ મળે અને તેની પધ્ધતિ તમને એવી અનુકુળ આવી જાય કે તેના કારણે તમને જે વિષય જરાય ગમતો નહતો તે ગમવા માંડે. તમારા ધ્યાન અને એકાગ્રતામાં પણ વધારો થાય.તમને વાંચવા-લખવા માટે પ્રેરે તેવી કંપની પણ મળી જાય. જે વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ખાસ સલાહ એ છે કે ઓવર કોન્ફીડન્સમાં રહેશો નહિ. રિવિઝન બરાબર કરતા રહો. આ જ પુછાશે અને આ નહિ પુછાય તેવી વાતો કે વહેમથી દૂર રહો. થિયરીના વિષયમાં મહેનત વધારે કરો. વધુ વિદ્યાભ્યાસ માટે આપબળે જ વિદેશ જવાનું ગોઠવજો. કોઇ સગા સબંધીઓ કે મિત્ર મદદ કરશે તેવા ભરોંસે ના બેસી રહેશો. જાન્યુઆરીથી જૂન અને ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનો સમય વિદેશ જવા માટે શુભ ગણાય તેમ છે. જેમને પીએચડી કે રિસર્ચના ક્ષેત્રમાં જવું હોય તેઓ માટે આ વર્ષમાં સારી તક ઊભી થાય તેવી શક્યતા છે.તો વળી જેઓ આ વર્ષે અભ્યાસ પુરો કરી રહ્યા છે તેમને સારા ઠેકાણે જોબ મળે તેવો યોગ પણ ઓગસ્ટ મહિનામાં થઇ રહ્યો છે
લગ્ન-પ્રેમ
લગ્નની ઉંમરે પહોંચી ચૂકેલા કર્ક રાશીના જાતકો માટે વર્ષનો આરંભ થોડો નિરાશાજનક છે. પરંતું વર્ષના મધ્ય અને અંત ભાગમાં તમને યોગ્ય જીવનસાથીની શોધ પુરી થઇ જશે. 22થી 25 સુધીના કર્ક રાશીના જાતકો માટે આ વર્ષે લગ્ન કરવાનો યોગ સુપેરે સર્જાય છે. તો વળી મંગળ કે શનિ હોય તેવા જાતકો માટે વર્ષના અંતભાગમાં યોગ રચાય છે. તમારી રાશીથી શનિની સ્થિતિને જોતાં એરેન્જડ મેરેજ કરવામાં કાળજી લેવાની જરૂર છે કારણ કે જો ઉતાવળે લગ્નની હા પાડી દેશો તો શનિ તમારા લગ્નજીવનમાં પ્રારંભથી જ સમસ્યા ઊભી કરી શકે છે. પ્રેમલગ્ન કરનારા માટે આ વર્ષે ઘણી સમજદારી બતાવવી પડે. પ્રિયપાત્ર કે તેના પરિવારની મુશ્કેલીઓના કારણે તમારે નક્કી થઇ ગયેલા લગ્નની તારીખ પાછી ઠેલવી પડે. પ્રેમમાં તાજા તાજા પડેલા જાતકો માટે આ સમય ઘણો રોમેન્ટીક અને યાદગીરી ભેગી કરવાનો છે. એપ્રિલ અને મેમાં પ્રિયપાત્ર સાથે ટૂંકાગાળાની મુસાફરીનો યોગ સર્જાય છે. પ્રેમનો ઇઝહાર કરવા માટે સારા પ્રપોઝ કરવાના સંજોગો ઊભા થાય.
ઉપસંહાર
એકંદરે વર્ષ ધણું સારું છે.ધંધાનો વિકાસ, આવકમાં વધારો અને પ્રિયજનોનો પ્રેમ અને સહકાર મેળવવામાં આ વર્ષે સફળતા મળે તેવા ઉત્તમ યોગ છે.સારા યોગ હાથમાંથી જતા ન રહે તે માટે રાહુના જાપ કરાવવા, ગણપતિ પૂજનક કરવું, બુધવારે શિવજીને લીલા મગ ચઢાવવા અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા
સિંહ રાશી
વર્ષ 2017ના પ્રારંભે સિંહ રાશીથી શનિ ચોથે, ગુરુ બીજે અને રાહું તમારી રાશીમાં જ ભ્રમણ કરી રહ્યો છે.જો કે 26મી જાન્યુઆરીએ બદલાઇ રહેલો શનિ તમારી રાશીથી પાંચમા સ્થાને જતાં જ તમારી અઢી વર્ષની નાની પનોતી પુરી થશે. શનિ વક્રી થઇ પાછો વૃશ્ચિકમાં આવનાર હોવાથી 21મી જૂનથીથી 26મી ઓક્ટોબર સુધી વધુ નાની પનોતીની અસરો ચાલું રહેશે. ત્યાર બાદ પનોતી પુરી થઇ જશે. તમારી રાશીથી બીજે રહેલો ગુરુ તમારા માટે સપ્ટેમ્બર મહિના સુધી અશુભ છે. જ્યારે રાહુ તમારી રાશીમાં જ ભ્રમણ કરી રહ્યો હોવાથી આરોગ્ય અને સામાજીક તકલીફો ઊભી થવાની શક્યતા છે. વર્ષના પ્રારંભે સૂર્ય ધન રાશીમાં તમારી રાશીથી છઠ્ઠા સ્થાનમાં છે. જે 15મી જાન્યુઆરી સુધી રહેશે.
આરોગ્યઃ
વર્ષના આરંભે શનિ ચોથે હોવાથી આરોગ્ય માટે આખુ વર્ષ સાચવવા જેવું જ ગણાશે. છઠ્ઠા સાતમા અને આઠમા સ્થાનમાં સૂર્ય પહેલા ત્રણ મહિના સુધી રહેશે. જેના કારણે પહેલા મહિને તમારી અને બીજા મહિને તમારા જીવન સાથીથી તબિયત બગડે તેવા ગ્રહયોગો છે. જ્યારે ત્રીજા મહિનામાં તમને અકસ્માત થવાની શક્યતા છે.જો માર્ચ મહિના સુધી સાચવી લેવામાં આવે તો પછી આરોગ્યની તકલીફો છેક ઓગસ્ટ સુધી દેખાશે નહિ. જૂન 21મીથી તમારી નાની પનોતી વક્રી શનિના કારણે પાછી 26મી ઓક્ટોબર સુધી શરૂ થનાર છે. વ્યસન અને શિસ્તના અભાવે ઉપાધી વેઠવાની થાય. રાહુ તમારી રાશીમાં જ હોવાના કારણે અન્યોની ભૂલ કે ચેપ લાગવાના કારણે પછી આરોગ્યની પીડાનો ભોગ બનવું પડે. આ વર્ષે તમારું નહિ તો તમારા પરિવાર પૈકીના કોઇનું સ્વાસ્થ્ય જરૂર કથળે. જૂનથી ઓક્ટોબર સુધી શરીરે અસૂયા રહે. ઓગસ્ટમાં એલર્જીની તકલીફ થાય, 26મી ઓક્ટોબર બાદ તમારો શનિ ફરીથી ધન રાશીમાં જતાં પીડાનો સારો અને સાચો ઉકેલ મળે, ઓક્ટોબરનો પાછળનો ભાગ, નવેમ્બર અને ડિસેમ્બર સારો સમય છે.
ધંધો-રોજગાર
ધંધો અને રોજગારના મામલે આ વર્ષ તમારા માટે મિશ્ર છે. ધંધો વધે અને નવા ગ્રાહકો કે ઓર્ડર વધે તેમ છે.તો બીજી તરફ તમારી જ રાશીમાં રાહુ હોવાના કારણે સબંધોમાં કે અન્ય કારણોસર તમારી ઉઘરાણી ફસાઇ જાય, ધંધો કાગળ પર દેખાય પણ નાણાં હાથમાં ન આવે. તમારા પરિવારજનો સાથે જો તમે આ વર્ષે કોઇ ભાગીદારીમાં ધંધો કરવાનું વિચારી રહ્યા હોય તો સમય યોગ્ય નથી. સબંધ પણ બગડે અને બિઝનેશ પણ બગડે તેવા યોગ છે. જો તમારો ધંધો યોગ્ય રીતે ગોઠવાયેલો નહિ હોય તો તેને સ્ટ્રીમ લાઇન કરવાનો અને તમામા આવક જાવક અને નફાનો હિસાબ બરાબર થાય તેવું તંત્ર ગોઠવવાનો ઉત્તમ સમય છે. હા, તમારી ધંધાની જગ્યા બદલાય અને જો એક જ સ્થળેથી તમે ધંધો કરતા હોય તો બીજી શાખા ફ્રેન્ચાઇઝીની લાઇન ડેવલપ થાય. એકંદરે તમારે ધંધાનો વિકાસ કરવો હોય તો તેનું પ્લાનીંગ કરવા કે પેપર વર્ક કે માર્કેટ સર્વે કરવા માટે આ સમય સારો છે. જો કે ઇન્વેસ્ટમેન્ટ કરીને નવું કામકાજ શરૂ કરવાની ઇચ્છા હોય તો તમારી ઉતાવળને જરા બ્રેક મારવી પડે તેમ છે. નોકરી કરતા હોવ તો તમારા માટે આ સમય સરેરાશ છે. તમારી પ્રગતિ થશે તેવા ઠાલા આશ્વાસન મળે. તમારા કામની નોંધ લેવાય તેમ ન બને.કંપની તરફથી વિદેશ જવાના ચાન્સ હોય તો તમારે ખાસ તેના પર ધ્યાન આપવાની જરૂર છે કોઇ તમારી તક છીનવી ના જાય તે જોજો.
શિક્ષણ- વિદેશપ્રવાસ
વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ સારું છે. તમારા અભ્યાસક્રમમાં કોઇ મોટો ફેરફાર થાય કે તમને તમારી લાઇન બદલવાનો વિચાર આવે, તમારા કરતાં તમને અન્ય મિત્રો કે સહપાઠીઓ જે કરી રહ્યા છે તે વધુ સારું લાગે. જો તમે તમારા કામ પર જ વળગેલા રહેશો તો તમને દુનિયાનું કોઇ પરિબળ અભ્યાસમાંથી ચલિત નહિ કરી શકે. જો તમે બોર્ડની પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા હોવ તો તમારી ટિપ્સ છે કે તમારે ગણિત અને ફિજિક્સ જેવા વિષયો પર જરા વધુ ભાર આપવો પડશે. તમારી થિયરી તો સારી તૈયાર થશે જ પણ જે મેથેમેટિકલ વિષયો છે તેમાં તમારું મગજ બરાબર ચાલે નહિ. વિદેશ જવાની જો તમે તૈયારી કરી રહ્યા હોવા તો તમારે તમારા વિષયને અનુરૂપ દેશ અને કોલેજ પસંદ કરવાની રહેશે. ક્યાંક એકાદ વખત વિઝા મેળવવામાં મુશ્કેલી પડે પણ બીજા પ્રયત્ને તમને જરૂરથી સફળતા મળી જશે. ઉચ્ચાભ્યાસનું આયોજન કરી રહેલા વિદ્યાર્થીમિત્રોને ખાસ સલાહ છે કે તેમે જે વિષયમાં આગળ વધવા માગતા હોવ તે જ વિષયની ઉચ્ચાભ્યાસ માટે પસંદગી કરજો,
લગ્ન-પ્રેમસબંધ
લગ્નની વયે પહોંચેલા સિંહ રાશીના જાતકો માટે આ સમય મુંઝવણભર્યો છે.તેમને જ્ચાં લગ્ન્ નથી કરવું ત્યાંથી તેમના પર લગ્ન માટે હા કહેવાનું પારિવારીક દબાણ આવે અને જો તે દબાણને વશ થઇને લગ્ન કરવાની હા પાડી દેશો તો તમારા લગ્ન તો થઇ જશે પણ તમે કાયમ માટે પસ્તાવાના સાગરમાં ડૂબકીઓ ખાતા રહેશો. જેમની વય 21થી 25ની વચ્ચે છે તેવા સિંહ રાશીના જાતકો માટે લગ્ન કરવા માટે આ સારો સમય છે. ઓગસ્ટ મહિનો શરૂ થાય તે પહેલાં જ તમારા લગ્નની વાત નક્કી થઇ જાય તેવા યોગ છે. તો વળી આ જ વર્ષે લગ્ન પણ કરી શકાય તેમ છે. જ્યારે 26થી 28 વર્ષની વચ્ચેના લગ્નોત્સુક મૂરતીયાઓ માટે જૂનથી ઓક્ટોબર સુધીનો સમય લગ્ન નક્કી કરવા માટે સારો છે. તમારા લગ્ન તો 2018માં જ થઇ શકશે. તો વળી 29થી 32 વર્ષના જાતકો માટે આ સમયમાં લગ્ન કરવાનો યોગ છે જ નહિ હા, ઓક્ટોબરથી ડિસેમ્બરમાં લગ્નનું ચોકઠું ગોઠવાય ખરું. પ્રેમમાં પડેલા જાતકોજરા જેટલી ભૂલ કે શરતચૂક થાય અને તમારા પ્રેમીના મનમાં મોટી ગેરસમજ સર્જાઇ શકે તેમ છે. જો પ્રેમ કરવાની ઇચ્છા હોય તો એ નક્કી કરવું પડશે કે માત્ર ટાઇમ પાસ માટે આવા સબંધો શોધી રહ્યા છો કે કોઇ લાંબા ગાળાનું આયોજન છે. જો ગંભીરતાથી સબંધો બાંધવાની તમારી ઇચ્છા હશે તો ગુરુની કૃપાની તમારું એ કામ આ વર્ષના મધ્યભાગમાં પુરું થઇ શકે તેમ છે.
ઉપસંહારઃ
એકંદરે આ વર્ષ તમારા માટે સારું ઓછું અને ખરાબ વધારે છે. તમારો રાહુ અને તમારો શનિ બંન્ને તમને આ વર્ષે પજવે અને તમારા મનની મુરાદ બર ન આવવા દે તેમ દેખાય છે. તો વળી સપ્ટેમ્બર મહિના સુધી ગુરુ પણ તમને મિથ્યાભિમાની બનાવે અને તમારી સાચી તકલીફ તમે છેલ્લી ઘડી સુધી કોઇ વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે શેર ન કરો તો તે વધી જાય તેમ છે. તમારે રાહુના જાપ કરવા અને શિવપૂજન કરવા જોઇએ જેનાથી રાહુ અને શનિના પ્રકોપમાંથી મુક્તિ મળી શકે. માતાજીનું, કુળદેવીનું પૂજન કરવું અને પ્રાણીઓને ખવડાવવાથી પણ ફાયદો થશે.
કન્યા રાશી
વર્ષ 2017ના પ્રારંભે કન્યા રાશીથી શનિ ત્રીજા સ્થાનમાં,ગુરુ તમારી જ રાશીમાં અને રાહું તમારી રાશીથી 12મા સ્થાને ભ્રમણ કરી રહ્યો છે. જો કે 26મી જાન્યુઆરીએ બદલાઇ રહેલો શનિ તમારી રાશીથી ચોથા સ્થાને જતાં જ તમને શનિના નાની પનોતીની શરૂઆત થશે. 21મી જૂનથીથી 26મી ઓક્ટોબર સુધી શનિ વક્રી થઇ વૃશ્ચિકમાં આવતાં જ તમારી પનોતી પાંચ મહિના માટે ઉતરી જશે. ત્યાર બાદ ઓક્ટોબરથી ફરી પનોતી શરૂ થશે. તમારી રાશીમાં રહેલો ગુરુ સપ્ટેમ્બર સુધી શુભ છે. જ્યારે રાહુ તમારી રાશીથી 12મે ભ્રમણ કરી રહ્યો હોવાથી વિદેશ જવાની તક મળે. જો કે કાયદાકીય અડચણો માટે તૈયાર રહેવું પડશે. વર્ષના પ્રારંભે સૂર્ય ધન રાશીમાં તમારી રાશીથી ચોથા સ્થાનમાં છે. જે 15મી જાન્યુઆરી સુધી રહેશે. આથી વર્ષના પ્રારંભે જ માતાની તબિયત બગડે.
આરોગ્યઃ
કન્યારાશીના જાતકો માટે આ વર્ષ એકંદરે મિશ્ર અસરોવાળું છે. આરોગ્યમાં થોડી થોડી તકલીફો રહેશે. સ્ત્રી વર્ગને હોર્મોન્સની તકલીફ થાય જ્યારે પુરુષો માટે યુરીનલ કે પ્રોસ્ટેટની તકલીફ થાય.ઘરમાં સભ્યોને આરોગ્યની ફરીયાદો રહે. ઘરમાં આરોગ્ય વિષયક સમસ્યાથી ખર્ચ પણ વધે.માનસિક સ્થિતી જળવાઇને રહેશે તો આરોગ્યની અન્ય તકલીફો ઝાઝી પીડા નહિ કરે. સ્વચ્છતાનો ખ્યાલ રાખવાની જરૂર છે. ચામડીની તકલીફ થાય, વાળ ખરે,પગમાં ચીરા પડે. કન્યા રાશીમાં જ રહેલા ગુરુના કારણે તબિયતમાં કોઇ મોટી તકલીફ ઊભી થવા નહિ દે. શનિના જાપ કરવાથી અને સુંદરકાંડ કે હનુમાનચાલીસાના પાઠ કરવાથી તબિયતમાં ફાયદો થશે.
ધંધો-રોજગાર
ધંધામાં મદીનો માહોલ જામે. જૂન પછી ફરી ધંધો પુરજોશમાં ચાલી નીકળે. ગ્રાહકો સાથેના સબંધોમાં ઓટ આવે. એકતરફી ખર્ચનો માહોલ જામેલો રહે. જે નિર્ણયો લેવાય તે સમય જતાં ઉતાવળે હોય તેમ લાગે. જો ધંધો શરૂ કરવાની ઇચ્છા હોય તો સરકારી મદદ માટે ધક્કા ખાવા પડશે. બેંક તરફથી પણ સહકાર ન મળે. નોકરીયાત વર્ગ માટે આ સમય કોઇ પણ જાતના વળતર વગરનું વૈતરું કરવાનો બની રહેશે. તમારી ભૂલો શોધવાની હરિફાઇ થઇ હોય તેમ લાગશે. તમે ગમે તેટલો પ્રયત્ન કરશો તેમ છતાં તમારો આત્મવિશ્વાસ ઘટશે. તમારા કામનો પ્રકાર કોઇ પણ હોય,તમારી કામ કરવાની આવડત અને અનુભવ પણ ગમે તેટલો હોય સફળતા તમારાથી વેંત છેટી હોય તેમ જ લાગ્યા કરશે. હનુમાનજીને આકડાનું ફૂલ ચઢાવો, પાણીયારે ઘીનો દીવો સંધ્યાકાળે કરવાથી પનોતીની માઠી અસરોથી બચી શકાશે.
શિક્ષણ- વિદેશપ્રવાસ
વિદ્યાર્થી વર્ગ માટે શનિની પનોતીનો સમય કઠિન છે. જૂનથી ઓક્ટોબર સુધીનો સમય સારો છે પરંતું જાન્યુઆરી 26થી જૂન 21 સુધીના સમયમાં અભ્યાસમાં આગળ વધવાના પ્રયાસો પર પાણી ફરી વળતું લાગે. યાદશક્તિ ઘટે અને અન્ય ફાલતુ વિષય કે વસ્તુઓમાં તમારી યાદશક્તિ વેડફાયેલી રહે. બોર્ડની પરીક્ષા માટે તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ વિષયોની ટૂંકી નોંધ બનાવી તેનું જ રિવિઝન કરવું જોઇએ. ઉચ્ચાભ્યાસ માટે વિદેશ જવાનું આયોજન હોય તો વિઘ્નો આવે.
લગ્ન-પ્રેમસબંધ
લગ્નોત્સુક જાતકો માટે થોભો અને રાહ જુઓની નિતી અપનાવવી પડે. તમારા માટે પાત્રો તો ઘણાં આવે પણ તમારા મનને અનુરૂપ પાત્રની શોધ વર્ષ પુરું થવા છતાં પણ પુરી ના થાય. તમારે લગ્ન કરવાના આયોજન પાછળ પણ ઘણા સમયની બરબાદી થાય છતાં કોઇ આયોજન કરી ન શકાય.તમારા લગ્નને કારણે પરિવારમાં પણ મતભેદ સર્જાય. જો તમે કોઇના પ્રેમમાં હોવ તો અબોલા થાય અને ગેરસમજોના કારણે પહોંચી શકે છે. જો તમે કોઇના પ્રેમમાં પડવાની તૈયારી કરી રહ્યા હોવ તો તમારી ધીરજની કસોટી થાય. કેટલાક પ્રસંગોમાં તમારે તમારી લાગણીઓના કારણે અપમાનીત થવાનો વારો પણ આવી શકે તેમ છે. લગ્ન થઇ ચૂક્યા હોય તેવા જાતકોને લગ્નજીવનમાં ઝઘડા વધી જાય. પાર્ટનરને ઓળખવામાં ગ્રહોની મદદ ન મળે.
ઉપસંહારઃ
એકંદરે તમારી રાશીથી ચોથા સ્થાનમાં શનિદેવનો પ્રવેશ થઇ રહ્યો હોવાથી તમારા માટે સમય કપરો રહેશે. કાળાં વસ્ત્રોનું દાન કરવું, કાળા તલ કે અડદનું દાન જરૂરીયાત વાળી વ્યક્તીઓને કરવાથી રાહત મળે. જો કે આ વર્ષમાં તમારે સમાધાન ઘણાં કરવાં પડે તેમ છે આથી તે માટે તૈયાર રહેવું.
તુલા રાશી
વર્ષ 2017ના પ્રારંભે તુલા રાશીથી બીજા સ્થાનમાં જ શનિ, ગુરુ તમારી રાશીથી 12માં સ્થાને અને રાહું તમારી રાશીથી 11મા સ્થાને ભ્રમણ કરી રહ્યો છે. હાલ તમે શનિની સાડાસાતી પનોતીના આખરી તબક્કામાં છો. જો કે 26મી જાન્યુઆરીએ બદલાઇ રહેલો શનિ તમારી રાશીથી ત્રીજા સ્થાને જતાં જ તમારી પનોતી પુરી થઇ જશે. જો કે 21મી જૂનથીથી 26મી ઓક્ટોબર સુધી શનિ વક્રી ગતિથી પાછો વૃશ્ચિક રાશીમાં આવતાં જ તમારી પનોતીની ફરી પાછો છેલ્લો તબક્કો પાંચ મહિના સુધી ભોગવવાનો રહેશે. ત્યાર બાદ ઓક્ટોબરમાં ફરીથી શનિ પાછો ધન રાશીમાં જતાં તમારી પનોતી સંપૂર્ણપણે પુરી થઇ જશે.તમારી રાશીથી 12મે ગુરુ માટે સપ્ટેમ્બર સુધી અશુભ છે. ત્યારબાદ ગુરુ તમારી રાશીમાં જ પ્રવેશશે જે શુભ છે. રાહુ તમારી રાશીથી 11મે ભ્રમણ કરી રહ્યો હોવાથી ધંધા રોજગાર માટે સારા સમાચાર લાવશે. વર્ષના પ્રારંભે સૂર્ય ધન રાશીમાં તમારી રાશીથી ત્રીજે છે. જે 15મી જાન્યુઆરી સુધી રહેશે. આથી વર્ષના પ્રારંભે ભાઇઓ,મિત્રોનો સહકાર મળે.
આરોગ્યઃ
તુલા રાશીના જાતકો માટે 2017નું વર્ષ એક રીતે લાંબી સાડાસાતી પનોતી પુરી થવાનું વર્ષ છે. તો બીજી તરફ વર્ષની મધ્યના પાંચ મહિના માટે આ પનોતીની અસરો ફરીથી ભોગવવી પડે તેમ છે. આરોગ્યમાં કોઇ મોટી બિમારી થવાની શક્યતા નહિવત છે પણ રાહુ 11મે હોવાથી કાનમાં બહેરાશની તકલીફ થાય. આ વર્ષે જ તમારે કદાચ ટાલ પડવાની શરૂઆત થાય. જો ગયા વર્ષે તમારી તબિયતમાં કોઇ સમસ્યા થઇ હશે તો આ વર્ષના જૂન મહિના સુધીમાં તબીયતમાં સુધારો થવાની શરૂઆત થઇ જશે. ગુરુ તમારી રાશીમાં આવતો હોવાથી તમારી શરીરને વધુ ચુસ્ત અને સ્ફૂર્તિલું બનાવવામાં મદદ મળી રહેશે. જો કે ગુરુ તમારી પાચનશક્તિ મંદ પડે તેવી શક્યતા છે. ફાઇબર વધુ મળે તેવો ખોરાક લેવો જોઇએ. શનિના કારણે તમારા સ્નાયુના દુઃખાવામાં આ વર્ષે રાહત મળે તેમ છે.
ધંધો-રોજગાર
ધંધા રોજગારમાં તમને ગયા વર્ષે થયેલા નુકસાનની આ વર્ષે ભરપાઇ થઇ જશે. તમારા અધૂરા બિઝનેશ પ્લાન્સ પુરા કરી શકાશે. તમારી નાણાં કમાવાની ઇચ્છા પુરી થાય. જો તમે કોઇ પ્રોડક્શન પ્લાન કરી રહ્યા હોવ તો તે માટે ફંડ ઊભું કરી શકશો. ભાગીદારીમાં હોવ તો તમારા સબંધો અને સમજ વધુ મજબૂત બનશે. તમે જો કોઇ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝમાં હોવ તો તમારું નવું પ્રાઇઝ લિસ્ટ તમે અમલી કરાવી શકશો. નવા ક્રાંતિકારી વિચારો આવશે અને તેને અમલમાં મૂકવા માટેનું એન્વાયરન્મેન્ટ પણ તમે બનાવી શકશો. નોકરીયાત વર્ગ માટે સમય ઉત્તમ છે. કામની કદર થશે. યોગ્ય કામગીરીના પુરસ્કારરૂપે તમને ઊચી પદવી મળે તેમ છે. આ વર્ષે નોકરી હંમેશ માટે છોડીને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવાનું સાહસ પણ કરી શકાય.
શિક્ષણ- વિદેશપ્રવાસ
વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ સારા સમાચાર લાવશે. તમારા અભ્યાસના પ્લાનને તમે અમલમાં મૂકી શકશો. તમારી અભ્યાસ માટેની મહેનત રંગ લાવે. તમે વધુ ગંભીર અને ફોક્સ્ડ બનો. અઘરા વિષયો પણ સરળ બને. બોર્ડની પરીક્ષામાં બેસનારા સ્ટુડન્ટ્સ માટે ટિપ્સ એ છે કે તમે બોર્ડ પરીક્ષાનો હાઉ મનમાંથી કાઢી નાંખજો. તમારા માટે તમામ પરીક્ષા એક સરખી જ છે. તમારું પરફોર્મન્સ ડર વગર હશે તો તમને ચોક્કસ તેનું સારુ પરિણામ જોવા મળશે. ઉચ્ચાભ્યાસ માટે વિદેશ જવાની ઇચ્છા પણ પુરી થશે. ઉચ્ચાભ્યાસ માટે તમને કોઇ સારી ઇસ્ટીટ્યુટમાં સ્થાન મળે તેવા પણ યોગ છે.
લગ્ન-પ્રેમસબંધ
તુલા રાશીના જાતકોને લગ્ન કરવા માટે 2017 ઉત્તમ વર્ષ છે.શક્ય છે કે જે વ્યક્તિ સાથે લગ્ન કરવાનું તમે માત્ર સ્વપ્નું જ જોયું હોય તે જ વ્યક્તિ સામે ચાલીને તમારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે. તુલા રાશીના લગ્નની વયે પહોંચેલા, લગ્નની વય વટાવી ચૂકેલા કે પછી લગ્ન કરીને ડિવોર્સી થયેલા કે અન્ય કોઇ કારણે એકલવાયા બનેલા તમામ લગ્નોત્સુકો માટે શુભ સમાચાર લાવનારું વર્ષ છે. જાન્યુઆરીથી માર્ચ સુધીમાં જ લગ્નનો યોગ ગોઠવાઇ જાય તેમ છે જો તેમાં ન થાય તો સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં તો અવશ્ય લગ્ન થઇ જ જાય. પ્રેમલગ્ન કરનારા માટે સપ્ટેમ્બરમાં ગુરુ તમારી રાશીમાં પ્રવેશ કરશે કે તરત જ તે પહેલું કામ તમારા લગ્ન આડેના અવરોધો દૂર કરવાનું કરશે. દાંમ્પત્ય જીવનમાં મતભેદો હશે તે પણ આ વર્ષે દૂર થાય.
ઉપસંહારઃ
જે રાશીમાં ગુરુનો પ્રવેશ થતો હોય તે વર્ષે તે રાશીને જાણે જેકપોટ લાગ્યો હોય તેવો જ સંજોગ રચાય છે. તુલા રાશીમાં સપ્ટેમ્બરની 12મી તારીખે ગુરુનો પ્રવેશ થાય છે આથી આ રાશીના જાતકો માટે આ વર્ષ શુકનવંતુ જ બને છે. જો કે આમ છતાં શનિ અને રાહુની માઠી અસરોથી બચવા માટે રાહુના જાપ કરાવવા -અને શનિદેવના પૂજન કરવાં, કૂળદેવીના પૂજન કરવા અને વડીલોની માતા-પિતાની સેવા કરવી જેવા ઉપાયો કરવા જોઇએ.
વૃશ્ચિક રાશી
વર્ષ 2017ના પ્રારંભે વૃશ્ચિક રાશીમાં જ શનિ, ગુરુ તમારી રાશીથી 11માં સ્થાને અને રાહું તમારી રાશીથી 10મા સ્થાને ભ્રમણ કરી રહ્યો છે.જો કે 26મી જાન્યુઆરીએ બદલાઇ રહેલો શનિ તમારી રાશીથી બીજા સ્થાને જતાં જ તમારી શનિની પનોતીનો અને બીજો તબક્કો શરૂ થશે. વળી 21મી જૂનથીથી 26મી ઓક્ટોબર સુધી શનિ વક્રી ગતિથી પાછો વૃશ્ચિક રાશીમાં આવતાં જ તમારી પનોતીની ફરી પાછો પહેલો તબક્કો પાંચ મહિના સુધી ભોગવવાનો રહેશે. ત્યાર બાદ ઓક્ટોબર મહિનાથી ફરીથી શનિ પાછો ધન રાશીમાં જતાં જ 2020 જાન્યુઆરી સુધી પનોતીનો બીજો તબક્કો ચાલશે. તમારી રાશીથી 11મા સ્થાને રહેલો ગુરુ તમારા માટે સપ્ટેમ્બર મહિના સુધી શુભ છે. ત્યારબાદ બારમા સ્થાનો આવનારો ગુરુ અશુભ થશે. રાહુ તમારી રાશીથી 10મે હોવાથી ધંધા રોજગાર માટે તે ઉપાધિઓ લાવશે. વર્ષના પ્રારંભે સૂર્ય ધન રાશીમાં તમારી રાશીથી બીજે છે. જે 15મી જાન્યુઆરી સુધી રહેશે. આથી વર્ષના પ્રારંભે જ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે કે આરોગ્ય વિષયક ગળા કે નાકની તકલીફ સર્જાઇ શકે તેમ છે.
આરોગ્યઃ
વૃશ્ચિક રાશી માટે 2017નું વર્ષ આરોગ્યની રીતે સારું છે. જો કે પિતા કે ઘરના કોઇ વડીલના આરોગ્યની તકલીફ રાહુ 10મે સર્જી શકે. ગળા-નાકની સાયનસ જેવી કફજન્ય રોગોની તકલીફ રહે. સવારમાં ગરમ પાણી એક ગ્લાસ પીવું. તમારા માટે માર્ચ મહિનામાં માથાના દુઃખાવા કે આંખને લગતી કોઇ તકલીફ ઊભી થઇ શકે. આખુ વર્ષ આરોગ્ય માટે કોઇ મોટી બિમારી લાવે તેમ નથી. જો કે પનોતીનો બીજો તબક્કો શરૂ થનાર હોવાથી નિષ્કાળજી રાખવી જોઇએ નહિ. જેઓ ઉંમરના મધ્ય પડાવે પહોંચ્યા હોય તેમણે સમયસર આરોગ્યની તપાસ કરાવી લેવી જોઇએ. વર્ષના અંત ભાગમાં ટૂંકો પ્રવાસ કરવાનું થાય તેમ છે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરાવવાથી ઘરમાં અન્ય સભ્યોને પણ આરોગ્યની તકલીફોમાંથી રાહત મળી શકે.
ધંધો-રોજગાર
ધંધા રોજગારની દૃષ્ટિએ તમારો આ સમયગાળો એકંદરે મધ્યમ રહેશે. વર્ષના પ્રારંભમાં શનિ તમારી રાશીમાં જ છે. નવું કોઇ પ્રોડક્શન શરૂ કરવાનો તમારો આઇડીયા હોય તો તમારે જાન્યુઆરી પુરો થવાની રાહ જોવી પડેશે. જો તમારે નવો કોઇ ધંધો કોઇની સાથે ભાગીદારીમાં શરૂ કરવો હોય તો આ સમય તમારા માટે યોગ્ય નથી. જો કે ચાલુ ધંધામાં કોઇ મુસીબત જૂન મહિના સુધી નથી. શનિ વક્રી થઇને પાછો વૃશ્ચિક રાશીમાં જાય ત્યારે વ્યવસાયિક મુશ્કેલીઓ સર્જાય. ચાલુ ધંધામાં સરકારી તપાસ આવે, બદનામી કે નુકસાની થાય તેવો ડર છે. શનિ વક્રી થતાં તમારા માટે કામ કરનારા લોકો સાથે પણ મનદુઃખ થાય.
શિક્ષણ- વિદેશપ્રવાસ
જો તમે અભ્યાસ કરી રહ્યા છો તો તમારા માટે આ વર્ષ ઘણું સારું છે. તમને અભ્યાસમાં વધુને વધુ રૂચિ જાગે, તમારા રસના વિષયોમાં તમે ઉત્તમ પ્રદર્શન કરો. જો તમે કલાના ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા છો તો તમારા કામની કદરના ભાગ રૂપે લેજન્ડ વ્યકિત તમને કામ ઓફર કરે. જો તમે કોમર્સના વિદ્યાર્થી છો તો તમારા આયોજનના ભાગ રૂપે તમને મેનેજમેન્ટના અભ્યાસ માટે વિદેશ જવાની તક મળે, સ્કોલરશીપ મળે કે શિક્ષણ લોન પણ સરળતાથી મળી જાય. તમે વિજ્ઞાન વિદ્યાશાખાના વિદ્યાર્થી છો તો તમારા માટે મહેનતનો વિકલ્પ નથી. યોગ્ય કંપનીના કારણે તમારી ભણવાની રૂચિ વધે. વર્ષના 9માં મહિનામાં તો ગુરુ તમારી જ રાશીમાં આવે છે. આથી તમને તમારા નવા વર્ષની સારી મહેનત અને આયોજનનું ફળ ખરેખર મળવાનું સપ્ટેમ્બર મહિના પછી જ શરૂ થઇ જાય તેમ છે. બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે એવી ટિપ્સ છે કે તમારી વાંચવાની શૈલીને થોડી રસાળ અને સરળ બનાવો, સીડી કે ફોનમાં રેકોર્ડીંગ કરીને રાત્રે સૂતી વખતે તેને સાંભળો અને શીખો તે તમારા માટે વધુ વ્યાજબી રહેશે.
લગ્ન-પ્રેમસબંધ
વૃશ્ચિક રાશીના જાતકોને લગ્ન કરવા માટે 2017 સારું છે.લગ્ન કરવાની ઇચ્છા પ્રથમ ત્રણ મહિનામાં જ પુરી થાય. તમારા પ્રેમ સબંધોમાં સ્થિરતા આવે. યોગ્ય પાત્ર શોધવાની જરૂર નહિ રહે. તમારા પરિવારના જ કોઇ તમારા માટે યોગ્ય પાત્ર બતાવે અને તેમાં સફળ પણ થવાય. જો કે પ્રેમ સબંધો માટે આ સમય સારો છે. પ્રિયપાત્ર વચ્ચેનું અંતર દૂર થાય. પ્રેમલગ્ન કરવાની ઇચ્છા પુરી થાય. સ્ત્રી વર્ગ માટે લગ્ન કરવાની સારી તકો સપ્ટેમબર-ઓક્ટોબર મહિનામાં પુરી થાય. દાંપત્ય જીવનમાં ઊભી થયેલી તિરાડ પુરી થાય. દોસ્તીનું વાતાવરણ રચાય.સંતાનોના કારણે ઊભી થયેલી તકલીફોનો પણ ઇલાજ થઇ જાય
ઉપસંહારઃ
તમારી રાશીથી બારમા સ્થાને ગુરુ અને તમારી રાશીમાં જ શનિની એન્ટ્રી શુભ છે. તમારા માટે આ સમય પનોતી હોવા છતાં ઘણો સારો છે. શનિદેવના જાપ કરવા, પીપળે પાણી ચઢાવવું, શનિવારના ઉપવાસ કરવા.
ધનુ રાશી
વર્ષ 2017ના પ્રારંભે ધનું રાશીથી 12મે શનિ, ગુરુ તમારી રાશીથી 10માં સ્થાને અને રાહું તમારી રાશીથી 9મા સ્થાને ભ્રમણ કરી રહ્યો છે.જો કે 26મી જાન્યુઆરીએ બદલાઇ રહેલો શનિ તમારી રાશીમાં આવશે, તમારી શનિની પનોતીનો અને બીજો તબક્કો શરૂ થશે. 21મી જૂનથીથી 26મી ઓક્ટોબર સુધી શનિ વક્રી ગતિથી પાછો વૃશ્ચિક રાશીમાં આવતાં જ તમારી પનોતીની ફરી પાછો પહેલો તબક્કો પાંચ મહિના સુધી ભોગવવાનો રહેશે. ત્યાર બાદ ઓક્ટોબર મહિનાથી ફરીથી શનિ પાછો ધન રાશીમાં જતાં જ 2020 જાન્યુઆરી સુધી પનોતીનો બીજો તબક્કો ચાલશે. તમારી રાશીથી 10મા સ્થાને રહેલો ગુરુ તમારા માટે સપ્ટેમ્બર મહિના સુધી મધ્યમ છે. ત્યારબાદ 11મા સ્થાને આવનારો ગુરુ શુભ થશે.રાહુ તમારી રાશીથી 9મા સ્થાને ભ્રમણ કરી રહ્યો હોવાથી નસીબનો સાથ સારો મળશે. વર્ષના પ્રારંભે સૂર્ય ધન રાશીમાં તમારી રાશીમાં જ છે. જે 15મી જાન્યુઆરી સુધી રહેશે. આથી વર્ષના પ્રારંભે જ આરોગ્ય વિષયક મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે.
આરોગ્યઃ
ધનું રાશી માટે 2017નું વર્ષ આરોગ્યની રીતે ઘણું સારું છે. વર્ષ દરમ્યાન પનોતીનો પહેલો અને બીજો તબક્કો રહેવાનો હોવાથી ક્યારેક માનસિક તાણ રહે. ઉદ્નેગ કરાવે તેવા સમાચાર મળે. બાળકોની તબિયત કથળે તેના કારણ મન પર બોજો રહે, અન્યથા આરોગ્ય વિષયક રીતે વર્ષ 2017 તમારા માટે ઉત્તમ ફળ આપશે. તમારી રાશીથી 10માં સ્થાનમાં ગુરુનું ભ્રમણ સપ્ટેમ્બર મહિના સુધી છે. ત્યાર બાદ ગુરુ 11માં સ્થાને આવશે. જે આરોગ્ય માટે મિશ્ર ફળ આપશે. જે વ્યક્તિઓને વ્યાધિ હોય તેમણે સાવધાની રાખવાની જરૂર છે. તમારા શરીરમાં કોઇ અસૂયા થતી હોય તો તમારે આળસ રાખ્યા વગર જ આરોગ્ય તપાસ કરાવી લેવી. તમારા ગ્રહો હાલમાં તમારી ફેવરમાં છે. જો કોઇ બિમારી દસ્તક દેતી હશે તો તમને તેની તાત્કાલિક જાણ થઇ જશે અને તેનો યોગ્ય ઇલાજ કરવાથી તેનો ફાયદો પણ દેખાશે. તમારી ઉંમર જો 35 વર્ષની ઉપર હોય તો આંખ અને ફેફસાંની કાળજી લેવાની જરૂર છે જો તમે 50ની ઉપર છો તો તમારા માટે પગ અને સાંધા તેમજ સ્નાયુઓની બિમારી થવાની શક્યતા છે. 35ની નીચેની વય ધરાવતા જાતકો માટે આ વર્ષે કોઇ મોટી શારિરીક તકલીફ પડે તેવા ગ્રહ યોગ નથી.
ધંધો-રોજગાર
ધંધો આ વર્ષે સોળે કળાએ ખીલી ઉઠશે. નવો ધંધો કરવાની મનની મુરાદ આ વર્ષે અવશ્ય પુરી થશે. ધંધામાં નવું સાહસ કરવાથી કે પછી નવા નાણાં રોકવાથી ભવિષ્યનું નક્કર આયોજન કરી શકશો.ભૂતકાળમાં રોકેલા નાણાંનું વધુ મુલ્ય મળે, ભાગીદારીમાં ધંધો કરવાની ઇચ્છા પર પુરી થઇ જશે. જે વેપારીઓનો વ્યવસાય વિદેશમાં કે વિદેશીઓ સાથે ચાલતો હોય તો તેમાં તમને મોટો ફાયદો જોવા મળશે. ધંધો કરવા માટે સરકારી સહાય મેળવવાનો પ્રયત્ન પણ સફળ થાય. જો કે નોકરી કરતા લોકો માટે આ સમય જરા મુશ્કેલીભર્યો છે. કારણ કે ગુરુ તમારી રાશીથી 10મે છે. નોકરી પ્રત્યેની લાગણી નકારાત્મક બનાવે અને કદાચ તમે નોકરી બદલો કે પછી નોકરી છોડીને ધંધો કરવાના વિચારે ચઢો. 26મી જાન્યુઆરીથી શનિ તમારા ચંદ્ર પરથી પસાર થશે. જે 21મી જૂન સુધી રહેશે. આ સમય તમારા માટે લોઢાના ચણા ચાવવા જેવો બની રહે. પરિવારના સભ્યો સાથે ધંધો ન કરવો. નોકરીમાં પણ બોસ સાથે કે સહકર્મી સાથે મતભેદો ઊભા થાય. જૂન સુધી ઉતાવળીયો નિર્ણય લેવો નહિ. જૂનથી ઓક્ટોબર દરમ્યાન શનિ તમારી રાશીમાંથી વક્રી થઇને પુનઃ વૃશ્ચિક રાશીમાં જશે. આ સમયમાં તમારે નીતિ વિષયક નિર્ણયો લેવાની જરૂર છે.
શિક્ષણ- વિદેશપ્રવાસ
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય થોડો મહેનત કરાવનારો છે. તમારું તૈયાર કરેલું મટીરીયલ કે અભ્યાસની સાધન સામગ્રી હાથવગી રાખશો. કોઇ મિત્ર કે અન્યોને આપેલું મટીરીયલ સમયસર તમને ન મળે તેવો યોગ છે. તમારા સહપાઠીઓ સાથે વાતો ચોક્કસ કરો, પ્લાન બનાવો પણ કરો તમારા મનનું, તમને જે ઠીક લાગે તે જ રીતે અભ્યાસ કરશો. જે વિદ્યાર્થીઓ હાલમાં આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે ટિપ્સ એ જ છે કે તમારી છેલ્લી ઘડીની તૈયારી કરવાની આદત બદલીને જરા આયોજનપૂર્વક આગળ વધો. સફળતા ચોક્કસ મળશે. તમારા ઉચ્ચાભ્યાસ આડેના અવરોધો આ વર્ષે દૂર થશે. જેમને વિદેશ અભ્યાસ માટે જવાનો આ સમય શ્રેષ્ઠ છે. તમારા પરિવાર અને મિત્રોની મદદ પણ મળે. જો કે ધ્યાનભંગ થાય તેવા વિષયો તરફ તમારે દુર્લક્ષ્ય સેવવું પડશે, નહિતર 10મા સ્થાનમાં રહેલો ગુરુ તમને ભટકાવી શકે છે. નોકરી કે ધંધો કરતાં કરતાં ભણવાની ઇચ્છા આ વર્ષે પુરી થાય તેમ જણાતું નથી.
લગ્ન-પ્રેમસબંધ
ઘનું રાશીના જાતકો માટે આ વર્ષ લગ્નની ઇચ્છા અંશતઃ પુરી કરે તેવું છે. તમારા લગ્નની વાતો ઘણી આવે પણ પછી આખરી જવાબ માટે કોઇ ને કોઇ અડચણો આવે જેનાથી તમારે રાહ જોવી પડે. જો તમારા એંગેજમેન્ટ થઇ ગયા હોય અને આ વર્ષે લગ્ન લેવાનો ઇરાદો હોય તો ફેબ્રુઆરી માર્ચમાં લગ્ન કરી લેવા યોગ્ય છે. કારણ કે પાછળના મહિનાઓમાં કદાચ કોઇ વિઘ્ન આવે અને લગ્ન કરવાનું આવતા વર્ષે પર ઠેલાઇ શકે છે. પ્રેમ સબંધ માટે આ વર્ષ એકંદરે સામાન્ય છે. નવેસરથી પ્રેમમાં પડવા માટે પણ આ વર્ષ સામાન્ય છે. તમારા ગ્રહો તમને ઘણા બધા પ્રત્યે આકર્ષણ પેદા કરે પણ જેન્યુઇન સબંધો બંધાવામાં આ વર્ષ એટલું સારું નથી. ખોટા તહોમત તમારા પર મુકાય તેવી પણ શક્યતા દેખાઇ રહી છે.
ઉપસંહારઃ
તમારી રાશીમાં શનિ આ વર્ષે પ્રવેશે છે અને એક્ઝીટ પણ કરે છે અને ફરી પાછો પ્રવેશે છે. એ દરમ્યાન તે વક્રી પણ થાય છે. આ સમયગાળો તમારા માટે સાચવવા જેવો છે. તમારે કોઇ વચનથી બંધાવું ન જોઇએ. શિવપૂજન અને સૂર્ય પૂજન કરવાથી ઘણી રાહત પ્રાપ્ત થશે. શનિ ગ્રહના જાપ કરવાથી પણ ફાયદો થશે. એકંદરે આ વર્ષ કોઇ નવા ફાયદો નથી બતાવતું તો કોઇ નવી ઉપાધિ પણ લાવે તેમ નથી.
મકર રાશી
વર્ષ 2017ના પ્રારંભે મકર રાશીથી 11મે શનિ, ગુરુ તમારી રાશીથી 9માં સ્થાને અને રાહું તમારી રાશીથી 8માં સ્થાને ભ્રમણ કરી રહ્યો છે.જો કે 26મી જાન્યુઆરીએ બદલાઇ રહેલો શનિ તમારી રાશીથી 12માં સ્થાને આવશે, જેનાથી મકર રાશીના જાતકોને શનિની મોટી સાડાસાતી પનોતીનો પ્રારંભ થશે. 21મી જૂનથીથી 26મી ઓક્ટોબર સુધી શનિ વક્રી ગતિથી પાછો વૃશ્ચિક રાશીમાં આવતાં જ ફરીથી 11માં સ્થાને જશે જેથી તમારી પનોતી ઓક્ટોબર સુધી ઉતરી જશે. ત્યાર બાદ ઓક્ટોબરથી ફરીથી શનિ પાછો ધન રાશીમાં જતાં જ 2020 જાન્યુઆરી સુધી મકર રાશીને પનોતીનો પ્રથમ તબક્કો રહેશે. તમારી રાશીથી 9માં સ્થાને રહેલો ગુરુ તમારા માટે સપ્ટેમ્બર મહિના સુધી સારું ફળ આપશે. ત્યારબાદ 10મા સ્થાને આવનારો ગુરુ પણ મધ્યમ શુભ થશે.રાહુ તમારી રાશીથી 8મા સ્થાને ભ્રમણ કરી રહ્યો હોવાથી આરોગ્ય અને ધંધા રોજગાર માટે અશુભ છે. વર્ષના પ્રારંભે સૂર્ય ધન રાશીમાં તમારી રાશીથી 12મે જ છે. જે 15મી જાન્યુઆરી પછી તમારી રાશીમાં જ આવશે. આથી જાન્યુઆરી અને ફેબ્રુઆરીના પ્રથમ 15 દિવસ અશાંતિમાં જાય તેમ છે.
આરોગ્યઃ
મકર રાશી માટે આ વર્ષે આરોગ્યની વિશેષ સમસ્યા થાય, શનિની પનોતીનો પ્રારંભ માનસિક ઉચાટ કરાવે, આરોગ્યમાં તમારે પેટની બિમારી, પાણીજન્ય રોગ, કફ અને પિત્ત વિકાર, માથાનો દુઃખાવો જેવી નાની તકલીફો તો થાય જ પણ જેઓ પોતાની જીંદગીમાં અનિયમિતતાવાળું જીવન જીવી રહ્યા છે તેમને મોટી બિમારી પણ થાય તેવી શક્યતા છે. જેમના પરિવારમાં ડાયાબિટીસ, હ્રદયરોગ કે કેન્સર જેવી બિમારીની હિસ્ટ્રી હોય તેમણે વખતો વખત શરીરની તપાસ કરાવવી જરૂરી છે. શનિના આ પનોતીના કાળમાં તમે કોઇ મોટી બિમારીના ભોગ બનવાની શક્યતા હોય તો તેને સમયસર પકડીને તેમાંથી સાજા થઇ શકો છે. જો તમારે કોઇ યુરીનલ સમસ્યા હોય,પથરી કે હર્નિયા જેવી બિમારી પણ થઇ શકે છે. ખાવા પીવામાં કાળજી ન રાખવામાં આવે તો દવાખાનામાં દાખલ થવું પડે. ગુરુ નવમા સ્થાનમાં છે તે રાહતભર્યા સમાચાર છે. તેના કારણે આરોગ્યમાં રાહત રહે, સપ્ટેમ્બર મહિના બાદ ઘરના વડીલ સભ્યોના આરોગ્યની તકલીફો પણ વધી શકે છે. શનિદેવની આરાધના કરવાથી ફાયદો થાય.
ધંધો-રોજગાર
ધંધા રોજગાર માટે પણ આ સમય શુભ નથી. તમારે ધંધામાં કોઇ નવું સાહસ કરવાનું ટાળવું જોઇએ. ભાગીદારો અને હાથ નીચે કામ કરનારા સ્ટાફ પર પણ નજર રાખવી જોઇએ. તમારા નાક નીચે તમારી વિરુદ્ધ કોઇ ષડયંત્ર ના રચાય તેનું ધ્યાન રાખજો. તમારા રોકાણનું પુરતું વળતર ના મળે અને તમારે છેતરાવું પડે. ભૂતકાળમાં લીધેલા નિર્ણયોના કારણે હાલમાં તકલીફ ભોગવવી પડે. નોકરીયાત વર્ગ માટે આ સમયગાળો બદનામી લાવે તેવો છે. તમારા નિર્ણયો પર ઉપરી વર્ગનો સહકાર ન મળે. તમારા મેનેજમેન્ટ સાથે મતભેદો સર્જાય. તમારી વાણીના કારણે કેટલાક લોકોનું દિલ દૂભાય જ્યારે બીજી તરફ અન્ય કેટલાક લોકો તમારા આક્રમક અને આખાબોલા સ્વભાવનો ગેરલાભ ઉઠાવવની તક પણ મેળવે. તમારા હાથમાંથી અપમાનજનક રીતે તમારા અધિકારો છીનવી લેવાય. જો તમારા જન્મ કુંડળીમાં પણ શનિ ખરાબ હોય તો કદાચ તમારે નોકરીથી હાથ ધોવાનો સમય પણ આવી શકે છે. ગુરુના જાપ કરવા અને શિવજીને દૂધ ચઢાવવાથી રાહત થાય.
શિક્ષણ- વિદેશપ્રવાસ
અભ્યાસ માટે તમને દર વર્ષ કરતાં આ વર્ષે વધારે સ્ટ્રગલ કરવી પડે. કદાચ પરીક્ષા સમયે જ તમારું આરોગ્ય કથળે કે પછી કોઇ મનોવિટંબણાનો સામનો કરવો પડે. તમારા મનગમતા પ્રવાહમાં પ્રવેશ માટે પણ ઘણી મુશ્કેલી અને દોડધામનો સામનો કરવો પડે. તમારા સ્વજનો કદાચ તમારા ઉચ્ચાભ્યાસની તરફેણ ના કરે. જો તમારે અભ્યાસ ચાલુ રાખવો હોય તો તમારે તેમની સાથે દલીલબાજીમાં ઉતરવાને બદલે એક તરફ કમાણી માટે નોકરી કરવાનું ચાલુ કરીને અભ્યાસ ચાલુ રાખવો પડે. બોર્ડની પરીક્ષા આપી રહેલા જાતકોએ કોઇ વસ્તુ ઓવર કોન્ફીડન્સમાં છોડવી નહિ. તમારી ક્ષમતાને ઓળખી તે મુજબ જ મહેનત કરવી. તમારા અણગમતા વિષયો પર વધુ ભાર આપવો. આ વર્ષે તમારી વધુ અભ્યાસ માટે વિદેશ જવાની ઇચ્છા પુરી ન થાય. શરીરમાં કાર્યશક્તિ ઘટતી હોય તેમ લાગે. અભ્યાસ માટે તમારે મનને તૈયાર કરવું પડે. મન મોળુ પડતું હોય તેમ લાગે. હા, આ વર્ષે તમારે લાલચથી પણ બચવાનું રહેશે. તમે જો હોસ્ટેલમાં કે પીજીમાં એકલા રહીને અભ્યાસ કરતાં હોવ તો તમારે સોબતની બૂરી અસરથી પણ બચવું પડશે.
લગ્ન-પ્રેમ સબંધો
મકર રાશીના જાતકો માટે લગ્ન કરવા માટે આ વર્ષે સારા યોગ તો છે પણ લગ્ન માટે પાત્રની પસંદગી કરવામાં જો ઉતાવળ કરી દેશો તો પછી આખી જીંદગી પસ્તાવું પડે તેમ છે. તમારા જીવનસાથીની શોધ આ વર્ષે પુરી થાય ખરી પણ તેમાં કેટલીક ખામી હોય જે સુધારવા માટે તમારે જાતે જ મહેનત કરવી પડે. આ વર્ષ દાંમ્પત્યજીવનમાં કકળાટ પેદા કરાવે તેવું છે. સંતાનો કે પત્નીના કારણે તમારે ઘણી બધી બાબતોમાં સમાધાન કરવું પડે અને તેના કારણે મનોવ્યથાનો ભોગ બનવું પડે તેમ છે. તો વળી પ્રેમ સબંધમાં પડેલા જાતકોને કેટલીક શરતો સ્વીકારે તો જ સબંધ ટકે તેવું લાગશે. તમારે ઇમોશનલ બ્લેક મેઇલીંગનો સામનો કરવો પડશે. તમારી સાથે સબંધ ધરાવનાર વ્યક્તિ તમારા માલિક હોય તેવો વ્યવહાર કરશે તેને કેવી રીતે હેંડલ કરવું તે તમારે શીખવું પડશે.
ઉપસંહારઃ
આ વર્ષે તમારી રાશીમાં પનોતીની શરૂઆત થઇ રહી છે. તમારે ઘણી વાતોમાં સાવધાની રાખવી પડશે. પૈસા, નોકરી, ધંધો, આરોગ્ય અને પરિવાર. તમારા માટે એક સાથે અનેક મોરચા ખુલી ગયા હોય તેમ લાગશે. ધીરજ રાખવી અને ઇશ્વર પરની શ્રદ્ધા કોઇ પણ સંજોગોમાં ડગવા દેવી નહિ, તમારે મહા મૃત્યુંજયના જાપ કરવા કે યોગ્ય બ્રાહ્મણ પાસે કરાવવા, અથવા શનિના જાપ કરવા કે કરાવવા, શિવજીની આરાધના કરવી અને અબોલ પ્રાણીઓને ભોજન કરાવવું જેવા કાર્યો કરવાથી રાહત રહે.
કુંભ રાશી
વર્ષ 2017ના પ્રારંભે કુંભ રાશીથી 10મે શનિ, ગુરુ તમારી રાશીથી 8માં સ્થાને અને રાહું તમારી રાશીથી 7માં સ્થાને ભ્રમણ કરી રહ્યો છે.જો કે 26મી જાન્યુઆરીએ બદલાઇ રહેલો શનિ તમારી રાશીથી 11માં સ્થાને આવશે, વળી 21મી જૂનથીથી 26મી ઓક્ટોબર સુધી શનિ વક્રી ગતિથી પાછો વૃશ્ચિક રાશીમાં આવતાં જ ફરીથી 10માં સ્થાને જશે. ત્યાર બાદ ઓક્ટોબર મહિનાથી ફરીથી શનિ પાછો ધન રાશીમાં જતાં જ 2020 જાન્યુઆરી સુધી તે 11માં સ્થાને રહેશે. તમારી રાશીથી 8મે રહેલો ગુરુ સપ્ટેમ્બર સુધી તકલીફ કરાવે તેમ છે. ત્યારબાદ 9મા સ્થાને આવનારો ગુરુ શુભ થશે. રાહુ તમારી રાશીથી 7મે હોવાથી ભાગીદારી, દાંમ્પત્યજીવન માટે અશુભ છે. વર્ષના પ્રારંભે સૂર્ય ધન રાશીમાં તમારી રાશીથી 11મે જ છે. જે 15મી જાન્યુઆરી પછી તમારી રાશીથી 12મે આવશે. આથી મકરસંક્રાતિ પછીનો મહિનો તમારે સાચવવા જેવો છે.
આરોગ્યઃ
કુંભ રાશી માટે આ વર્ષ આરોગ્યની દૃષ્ટિએ શુભ છે. તમારા આરોગ્યમાં રહેલી ખામીઓ આ વર્ષે પુરી થઇ જશે. જો કે સાતમા સ્થાને રહેલો રાહુ તમારી પત્નીની તબિયતની ચિંતા કરાવે તેમ છે. જો તમારી પ્રકૃતિ પિત્ત પ્રધાન હોય તો તમારે જરા સાચવવું પડશે. વધુ પડતાં તીખા કે તળેલા ખોરાક ખાવાનું ઓછું કરી નાંખશો તો ફાયદામાં રહેશો. તમારે જો પ્રવાસ જવાનું થાય તો પણ પાણી ચોખ્ખુ છે કે નહિ તે ખાસ જોશો. આરોગ્યના કારણે ગત વર્ષે તમારા ખિસ્સા પર પડેલો બોજો આ વર્ષે નહિ પડે. તમારા પરિવાર માટે પણ તમે કરેલું આરોગ્ય વિષયક આયોજન ઉપયોગી બનશે. વાહન ચલાવતી વખતે કાળજી લેવી પડે તેમ છે. ઘરનું વાતાવરણ સુધારવાના તમારા પ્રયત્નો કારગત નિવડે, તમારું ડાયેટ પણ બરાબર થઇ જાય અને હાજત પણ સુધરી જાય તેમ છે. જાન્યુઆરીથી જૂન સુધીમાં પગમાં વાગવાની કે વા થવાની શક્યતા છે. જૂનથી ઓગસ્ટ સુધીમાં આંખ કે માથાને લગતી કોઇ તકલીફ કદાચ દેખાય, અને સપ્ટમ્બરથી ડિસેમ્બર સુધીમાં તમારે વધુ પડતો શ્રમ કરવાથી થાક મહેસૂસ થાય, જો કે એકંદરે આરોગ્ય માટે આ વર્ષે કોઇ મોટી તકલીફ થાય તેવો ડર નથી.
ધંધો-રોજગાર
ધંધા-રોજગારની દૃષ્ટિએ આ વર્ષ તમારા માટે ઘણા સારા સમાચાર લાવનારું બની રહેશે. તમારી વિદેશ જઇને ધંધો કરવાની કે તમારું પોતાનું જ કામ કોઇ સ્વજનની મદદથી વિકસાવવાની ઇચ્છા પુરી થશે. તમે જ્યાં હાથ નાંખશો ત્યાં તમને ફાયદો જ થશે. તમારા કામના લોકો સામેથી તમને આવીને તમારી શરતે કામ કરવાની તૈયારી બતાવશે. જો કે આઠમાં સ્થાને રહેલો ગુરુ તમારું શાણપણ ના ગુમાવો તેની આલબેલ પોકારે છે. લાલચ કે લોભને વશ થઇને ગેરકાયદે કે ઊંધા લોકો જોડે ધંધો કરવાની તક મળે તો પણ તેનો ટાળજો. તમારા સ્વજનોને તમે અભિમાની લાગશો. તમારા માથે કામનો બોજો વધી જશે. તમારા નાના અને મોટા અંતરના પ્રવાસો પણ ઊભા થશે. જેના કારણે તમે પરિવારને આ વર્ષે સમય ઓછો આપી શકશો. તેમને આપવા પડનારા ખુલાસાની તૈયારી અત્યારથી જ કરી લો. જો તમે નોકરી કરતા હોવ તો તમારા માટે આ વર્ષ સારો હોદ્દો અને સારા આર્થિક લાભ આપનારું છે. આ વર્ષના મધ્યભાગ સુધીમાં તો તમે અત્યાર સુધી જે કારણોસર કામમાં મન નહિ લાગતું હોવાની ફરીયાદ કરતા હતા તે દૂર થઇ જશે. તમારે ઇચ્છિત સ્થળે બદલી કરાવવાની ઇચ્છા પણ પુરી થશે. તમને કામના સ્થળે કનડતા વ્યક્તિ તમારા કોઇ પણ જાતના પ્રયાસ વગર જ કાં તો તમારી સાથે સબંધો સુધારી લેશે કાં તો વિદાય લેશે. એકંદરે તમારા માટે આ વર્ષ નોકરી કે ધંધો જે કાંઇ તમે કરતા હોવ તેના માટે ખૂબ જ ઉત્તમ પુરવાર થશે.
શિક્ષણ- વિદેશપ્રવાસ
અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ માટે પણ આ વર્ષ સારા સમાચાર લાવનારું છે. તમારી આગળ ભણવાની ઇચ્છા આડેના અવરોધો દૂર થઇ જશે. તમારા મનમાં ધારલી લાઇનમાં તમને પ્રવેશ મળી જાય. રહેવાની અને ખાવા-પીવાની તકલીફોમાંથી પણ રાહત મળે. ભણવા માટે વિદેશ જવાનું સ્વપ્ન સાકાર થાય. પીએચડી કે અન્ય કોઇ ઉચ્ચાભ્યાસ માટે નોંધણી કરાવવી હોય તો આ વર્ષે સારી તક ઊભી થશે. જો તમે કોઇ એક વિષયના કારણે જ કોઇ ડિગ્રી લેવાનું ચૂકી ગયા હોવ તો તે પણ સોલ્વ થશે. બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ મનથી મજબૂત રહેવું અને એકધારી મહેનત કરવી. નસીબ તમારો સાથ આપશે.
લગ્ન-પ્રેમસબંધ
કુંભ રાશીના જાતકો માટે લગ્ન કરવા માટે આ સમયગાળો સારો છે. તમારા માટે લગ્ન માટે યોગ્ય પાત્ર મેળવવાની ઇચ્છા પુરી થાય તેમ છે. તમારે કેટલાક સમયગાળા આ વર્ષે સાચવી લેવા જેવા છે. જાન્યુઆરી મહિનાના અંતથી જૂન મહિના સુધીનો સમય લગ્ન કરવા માટે સારો છે. તો જૂન મહિનાથી ઓક્ટોબર મહિના સુધીના સમયમાં લગ્ન કરવામાં મુશ્કેલીઓ આવે. પ્રેમ સબંધો માટે પણ આ સમય સાવધાની વર્તવા જેવો છે. તમારે અન્યોના આગ્રહને વશ થવાને બદલે તમારી આપબુદ્ધીથી કામ લેવું પડશે. પ્રેમીની વર્તણુંક તમને જરા વિચિત્ર લાગે. તમારા ઘરમાં અન્ય વ્યક્તિઓ સાથે તમારા પ્રેમની વાત કરવામાં પણ કાળજી લેવી. તમારા પ્રેમના પારખાં થાય, જો તમે ટીનએજર છો તો તમારી ઉંમરમાં તમને કોઇ આકર્ષણનું પાત્ર મળે અને તે તમને પ્રેમ કરવાનું ઇજન પુરું પાડે. જો કે પ્રેમનો ઇઝહાર કરવામાં તમારે થોડી કાળજી લેવી પડશે. કોઇ પણ કમિટમેન્ટ કરતાં પહેલાં વિચાર કરજો નહિતર તમારે કાયમી બંધનમાં આવી જવાનું થશે.
ઉપસંહાર
કુંભ રાશીના જાતકો માટે એકંદરે આ સમયગાળો સારો છે. આર્થિક સ્થિતીઓ સુધરશે. મન સ્વસ્થ બનશે. નવા સબંધો બંધાશે. જૂના સબંધો મજબૂત બનશે. આરોગ્ય વિષયે પણ મોટી બિમારીના કોઇ યોગ નથી. શિવપૂજન કરવું, મંગળવારના ઉપવાસ કરવા, ગણપતિ પૂજન કરવાથી મનની શાંતિ જળવાયેલી રહેશે.
મીન રાશી
વર્ષ 2017ના પ્રારંભે મીન રાશીથી 9મે શનિ, ગુરુ તમારી રાશીથી 7માં સ્થાને અને રાહું તમારી રાશીથી 6ઠ્ઠે ભ્રમણ કરી રહ્યો છે. 26મી જાન્યુઆરીએ બદલાઇ રહેલો શનિ તમારી રાશીથી 10મે આવશે. 21મી જૂનથીથી 26મી ઓક્ટોબર સુધી શનિ વક્રી ગતિથી પાછો વૃશ્ચિક રાશીમાં આવતાં જ ફરીથી 9મે જશે. ઓક્ટોબરથી ફરી શનિ ધન રાશીમાં જશે. તમારી રાશીથી 7માં સ્થાને રહેલો ગુરુ સપ્ટેમ્બર સુધીમાં લગ્નના યોગ ઊભા કરશે. ત્યારબાદ 8મા સ્થાને આવનારો ગુરુ આરોગ્ય વિષયક સમસ્યા ઊભી કરે. રાહુ તમારી રાશીથી છઠ્ઠે હોવાથી ઇન્ફેક્શન અને વાયુજન્ય વિકાર સર્જી શકે છે. વર્ષના પ્રારંભે સૂર્ય ધન રાશીમાં તમારી રાશીથી 10મે જ છે. જે 15મી જાન્યુઆરી પછી તમારી રાશીથી 11મે આવશે જે રાજકારણ કે જાહેર જીવનમાં પડેલા જાતકો માટે શુભ પરિણામ લાવશે.
આરોગ્યઃ
આરોગ્યની દૃષ્ટિએ મીન રાશીના જાતકો માટે આ સમય શુભ છે. જો કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વાયુનો વિકાર થાય અને શરીરમાં દુઃખાવો રહે. માર્ચથી જૂન સુધીનો સમય તમારા આરોગ્ય સુધારણા માટે ઉત્તમ છે. જૂલાઇથી ઓક્ટોબર સુધીનો ગાળો વળી પાછો આળસ અને સ્ફૂર્તિનો અભાવ લાવી શકે છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં વાયુના કારણે પેટની બિમારી, કબજીયાત કે એસિટીડી થાય. જો કે 2017નું વર્ષ તમારા માટે કોઇ મોટી બિમારીનો સંકેત બતાવતું નથી. તમે સમયબદ્ધ અને શિસ્તબદ્ધ જીવન જીવશો તો તમારે કોઇ મોટી બિમારીનો ભોગ નહિ બનવું પડે. દર મહિને થતા સૂર્યના રાશી પરિવર્તનના કારણે તમારે દર મહિનાના મધ્યભાગમાં એટલે કે 12મીથી 16મી તારીખ સુધી એલર્જી સ્નાયુઓની તકલીફ કે બ્લડ પ્રેશરની તકલીફ થાય પણ તેનાથી ગભરાવા જેવું નથી. આ વર્ષે માતાજીની ઉપાસના કરવાથી આરોગ્યની નાની મોટી તકલીફોમાં પણ રાહત રહેશે.
ધંધો-રોજગાર
ધંધા રોજગાર માટે આ વર્ષ તમારા માટે સારું છે.તમે નવા ધંધામાં ઝંપલાવી શકો છો. બેંકોને લગતાં તમારા વ્યવહારોમાં વધારે પારદર્શિતા આવે. તમને કોઇ સંસ્થા કે કોઇ કંપનીની મદદ મળે. ભાગીદારીમાં પણ તમને લાભદાયી ઓફર મળે. જો કે તમારે ઉતાવળે નિર્ણયો કરવાથી બચવું પડશે. તમારા માટે આખું વર્ષ જ સારી તકો આવવાની છે માટે ઉતાવળ કરવાને બદલે જુઓ, વિચારો અને પછી જ નિર્ણય કરજો. તમારી મહેનતનું ફળ આ વર્ષે મળતું હોય તેમ લાગે. નોકરી કરનારા જાતકોને પણ ફેવરેબલ સમય થતો હોય તેમ લાગે. તમારા પ્રમોશનના ચાન્સ આ વર્ષે વધારે છે. એપ્રિલ મહિનાથી ઓક્ટોબર મહિના સુધીના સમયમાં તમને સારા સમાચાર મળે. તમારે ઉપરી સમક્ષ કોઇ માંગણી કરવાની જરૂર નહિ પડે. થોડી રાહ જો જો.
શિક્ષણ- વિદેશપ્રવાસ
વિદ્યાપ્રાપ્તી માટે તમારા માટે સમય ઘણો જ સારો છે. તમારી એકાગ્રતા વધે, કેટલાક કોન્સેપ્ટ વધુ ક્લીયર થાય. તમને સાચું માર્ગદર્શન પણ મળે. તમારા અભ્યાસ માટેના ટાઇમટેબલને ફોલો કરવામાં તમે વધુ સજ્જ બનો. ઉચ્ચાભ્યાસ માટે વિદેશ જવાની ઇચ્છા હોય તો આળસ છોડીને પ્રયત્નો કરવાનું શરૂ કરી દો જરૂર સફળતા મળશે. જો કે વિદેશ જવા માટેના સ્થળની પસંદગીમાં તમને ગૂંચવણ થશે. તમારે અભ્યાસ માટે અત્યારથી જ આયોજન કરવું પડશે. વર્ષના મધ્યભાગમાં તમારા માટે ઘણી સારી નવી તકો અને પડકારોનો પણ સામનો કરવો પડશે. જો તમે બોર્ડની પરીક્ષા આપતા હોવ તો તમારે તમારે લખવાની સ્પીડ પર ખાસ ધ્યાન આપશો. તમારી આવડત સાથે તમારી સ્પીડનો સમન્વય જ તમને સફળતા અપાવશે. અભ્યાસ માટે તમારે જો નાણાંભીડની સમસ્યા હોય તો તે દૂર કરવા કોઇ સ્વજન કે અન્ય કોઇ તરફથી મદદ મળશે.
લગ્ન-પ્રેમ સબંધો
લગ્ન કરવા ઇચ્છનારા માટે આ સમય ઘણો જ શ્રેષ્ઠ છે. તમને યોગ્ય જીવનસાથી આ વર્ષે જરૂર મળી જશે. તમારી શોધ પુરી થશે. આ સમયગાળો તમને સમજનારા પાત્રને મેળવી ક્વોલિટી ટાઇમ પસાર કરવા માટે છે. તેમને જીંદગી અમૂલ્ય લાગશે. તમને તમારા ગમતા પાત્ર માટે કાંઇ પણ કરી છૂટવાની અને તેના જીવનમાં ખુશી લાવવાની ઘેલછો પણ થશે. તમારા પરિવારનો પણ સાથ સહકાર લગ્ન અને તે પછીનું નવું જીવન શરૂ કરવામાં મળી રહેશે. પ્રેમમાં પડવા માટે પણ આ સમય ઘણો સારો છે. તમારા પ્રસ્તાવનો સામી તરફથી હકારાત્મક પ્રતિભાવ મળશે. જો તમે અગાઉથી જ કોઇના પ્રેમમાં હોવ તો તમારી વચ્ચેના બોન્ડીંગ વધુ મજબૂત બનશે.
ઉપસંહારઃ
મીન રાશી માટે આ વર્ષ ઘણાં સારા સમાચાર લાવનારું છે. આ તમારી જીંદગીના અગત્યના દિવસો છે. તમને સાતમા આસમાનમાં વિહરતા હોય તેવી લાગણી થાય તેમ છે. તમારી ઉત્તેજનામાં તમે કોઇનું દિલના દૂભવી દો તેની ખાસ ધ્યાન રાખજો. તમારા માટે રાહુના જાપ કરાવવા, તુલસીના ક્યારે રોજ પાણી ચઢાવવું કે કિડીયારું ભરવું ફાયદાકારક રહેશે.
.