ધોની કેપ્ટન તરીકે રિટાયર્ડ, પ્લેયર તરીકે રિબર્થ
અનિલ કુંબલે જેવો ઉંમર અને અનુભવ બંનેમાં સિનીયર હોય તેવો ક્રિકેટર ટેસ્ટ કેપ્ટન તરીકે વિદાય લેતો હોય, સચિન તેદુંલકર જેવો દિગ્ગજ તમારી કેપ્ટન્સી હેઠળ રમવાનો હોય, યુવરાજ જેવો ધુંઆધાર બેટ્સમેન તમારા હરિફ તરીકે સ્પર્ધા આપી રહ્યો હોય અને વન ડે ક્રિકેટમાં ધ વોલ તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડ પાસેથી તમારે વન ડે ટીમની કેપ્ટન્સીનો તાજ લેવાનો હોય ત્યારે હજું નવા સવા હોવા છતાં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન્સી સ્વીકારવી તે મહેન્દ્રસિંહ ધોની માટે વહેલો નિર્ણય લોકોને લાગ્યો હતો. પરંતું ત્યાર પછી જે બન્યુ તે હિસ્ટ્રી છે. ભારતને પહેલો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં વિજય અપાવનાર તરીકે અને કપિલ દેવ પછી બીજી વખત ભારતને વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન તરીકે સફળતા પર સફળતાના સોપાન ચઢીને એમએસ ધોનીએ વહેલા લેવાયેલા નિર્ણયને સાચો ઠેરવી બતાવ્યો હતો. તેવી જ રીતે હજું ધોનીમાં ઘણું ક્રિકેટ બાકી છે.તે હજું ભારતીય ટીમના કેપ્ટન તરીકે ચાલી શકે તેમ છે. તેવું બધા જ માનતા હોય ત્યારે અચાનક જ કેપ્ટન પદેથી હટી જવાનો નિર્ણય પણ ધોની સિવાયના સહુને જરા વહેલો તો લાગ્યો જ છે. પણ ધોની જેનું નામ, તેણે લોકોને વહેલા લાગે તેવા નિર્ણયો લઇ તેને સાચા ઠેરવવાનું જાણે નક્કી જ કરી લીધું છે. ત્યારે સવાલ એ થાય છે કે કેવા ગ્રહો ધોનીની કુંડળીમાં પડ્યા છે કે, કોઇ ગોડ ફાધર કે બેકીંગ વગર જ આટલી મોટી સફળતાના શિખરો તે સર કરી શક્યો. ક્યા યોગના પ્રભાવથી ધોની રમતના તમામ ફોર્મેટમાં આટલી ઠંડકથી બીજાને દઝાડી દે તેવા નિર્ણયો લઇ શક્યો, અંગત અને જાહેર જીવનમાં આટલા વર્ષો ટકવા છતાં એકાદ બે અપવાદોને બાદ કરતાં ધોનીનું નામ કોઇ મોટા વિવાદમાં પણ સપડાયું નથી. તો ચાલો તેની કુંડળીના અભ્યાસ પરથી આ બધા સવાલોના જવાબો શોધીએ.
એમ એસ ધોનીની જન્મ કુંડળી
ધોનીનો જન્મ 7 જુલાઇ 1981ના રોજ રાંચી ખાતે સવારે 11-15 મિનીટે થયો છે. તેની કુંડળીમાં કન્યા લગ્ન છે અને લગ્નમાં જ શનિ, ચંદ્ર અને ગુરુની યુતિ છે. કન્યા લગ્નનો સ્વામી બુધ છે. જે 10માં સ્થાને સ્વગ્રહી છે. અને લગ્નમાં ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ રચાય છે. બસ આ જ ચાવી છે તેની કુંડળીની. એમ કહેવાય છે કે જેનો લગ્નેશ કેન્દ્રમાં સ્વગ્રહી હોય તેની કુંડળીમાં ગમે તેટલી ખરાબી હોય છતાં તે જીવનમાં વણકલ્પી સફળતા મેળવીને જ રહે છે. લગ્નેશ બુધ ધોનીને કેપ્ટન કૂલ બનાવે છે. સૂર્ય સાથે પડેલો બુધ ધીમી, મક્કમ અને પોતાની વાતને વળગી રહેવાની હિંમત અપાવે છે. તો વળી લગ્નમાં રહેલો ગુરુ અને ચંદ્ર સદભાગ્યને મજબૂતી અર્પે છે. બાકી સહુ કોઇ જાણે છે કે ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે મેરીટની સાથે સાથે કેટલું લોબીઇંગ અને કેટલા ગોડફાધરોના આશિર્વાદ જોઇએ. આમ છતાં જ્યારે ભારતની ટીમ સૌરવ ગાંગુલીની આગેવાનીમાં રમતી હતી ત્યારે 2005માં ક્રિકેટર તરીકે આવનાર ધોની માત્ર બે વર્ષમાં વન ડે ટીમનો અને ત્રણ વર્ષમાં ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બની ગયો. સાથે સાથે લોકલાડીલો અને સાથી ખેલાડીઓમાં પણ એટલો જ લોકપ્રિય બની ગયો. આ કાંઇ જેવી તેવી સફળતા નથી. ગુરુ અને શનિની યુતિ એક યોગી જેવી એકાગ્રતા અને સાક્ષીભાવ આપે છે. ગુરુ શનિની યુતિવાળો જાતક કોઇ પણ ફિલ્ડમાં હોય તે સંજોગો કે પરિસ્થિતીઓથી જરાય ચલીત નથી થતો. આ વાતને ધોનીની સ્થિતપ્રજ્ઞતાએ સાબિત પણ કરી દીધી છે. હાલમાં જ્યારે ધોનીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી કેપ્ટન તરીકે જાતે જ વિદાય લઇ લીધી છે. ત્યારે કહી શકાય કે ધોની મોહવશ ક્યારેય કોઇ પદ પર ચીટકી રહેવામાં માનતો નથી. તેને ખબર છે કે હવે કદાચ એકાદ બે સિરીઝ વધુ તે પોતાની સિનીયોરીટીને ધ્યાનમાં રાખીને બોર્ડને દબાવમાં રાખીને કેપ્ટન તરીકે રહી શકે છે. તેનું એટલું મોટું નામ છે કે તેને પુછ્યા વગર અચાનક તેને કેપ્ટન તરીકે બોર્ડના સિલેક્ટર્સ પણ હટાવી નહી શકે આમ છતાં માનભેર કોઇ જરા પણ ચૂં કે ચાં કરે તે પહેલાં જ ખુદના નિર્ણયથી ધોનીએ બધાને ચોંકાવી દીધા. આવી નિસ્પૃહીતા માત્ર શનિ ગુરુની યુતિમાં શક્ય બને છે.
ધોની સ્મોલ ટાઉન વન્ડર છે. આમ કહેવું સહેલું છે પણ સ્મોલ ટાઉનમાં રિસોર્સીસ, સ્પોન્સરીંગ, મેન્ટોરીંગ અને કોચીંગ જેવી અનેક સમસ્યાઓને પચાવીને આટલી મોટી ઉપલબ્ધી મેળવવી એ મોટી વાત છે. ધોની ઓન ફિલ્ડના નિર્ણયો જ્યારે લે છે ત્યારે ખુદની ટીમના ખેલાડીઓ પણ તેના નિર્ણયથી ચોંકી જાય છે. અને ધોની જ્યારે ઓફ ફિલ્ડ નિર્ણયો લે છે ત્યારે દેશ આખો સરપ્રાઇઝ થઇ જાય છે. આ એક કળા છે. કૌશલ્ય,ગણિત અને સ્થિરતા આ ત્રણ ગુણ ધોનીની સફળતાની ચાવી છે. ગુરુ અને શનિ જેવા ગ્રહોની સાથે જ્યારે ચંદ્ર પડ્યો હોય ત્યારે મનનો કારક ચંદ્ર તેની સ્વભાવગત ચંચળતા છોડી દે છે. શનિ અને ગુરુ સાથે ચંદ્ર પણ ધોનીના મનને કોઇનો પર આધારિત બનવા દે તો નથી. 10મા સ્થાને પડેલો બુધ અને સૂર્યનો યોગ તેને જાહેર જીવનમાં પણ સફળતા અપાવે છે. ભારતીય ટીમને વર્લ્ડ નંબર વન બનાવનાર ધોનીએ ખુદને પણ વર્લ્ડના બેસ્ટ ખેલાડી તરીકે, વર્લ્ડના બેસ્ટ કેપ્ટન તરીકે અને સૌથી વધુ કમાતા ખેલાડી તરીકે પણ નામના પ્રાપ્ત કરાવી છે. પાકિસ્તાની પ્રમુખ મુશરફે પણ ધોનીની પ્રશંસા કરવી પડી હતી.
જ્યોતિષ શાસ્ત્રના જાણકારો તો આ વાત જાણે જ છે કે 11માં સ્થાનમાં રાહુ હોય તે નસીબદાર હોય છે. તેને જેકપોટ લાગે છે. તેના અણધાર્યા નિર્ણયો પણ સફળ થઇ જાય છે. કેટલીય મેચોમાં છેલ્લા બોલે સિક્સર મારીને ભારતને જીતાડવામાં કે છેલ્લી ઓવર કોઇ નવા બોલરને થમાવીને તેની પાસેથી સફળતા મેળવવા માટે લેવાયેલા કેટલાય નિર્ણયો ક્રિકેટની રૂલબુક મુજબ તો એક ગિમીક જ હતા. પણ ધોનીને 11માં સ્થાને પડેલો રાહુ અને તેમાં શુક્રનું તેજ ભળતાં ધોનીની સફળતાને નસીબનો પણ સાથ પડ્યો છે.
એવું નથી કે ધોનીની કુંડલીમાં કોઇ ખરાબ યોગ જ નથી. પાંચમા સ્થાનમાં પડેલો કેતું સર્પ દોષ રચે છે. તેના કારણે કેટલાક અંગત જીવનને લગતા પ્રશ્નો ધોનીને નડ્યા છે. તો વળી શનિ અને ચંદ્રની વિષયુતિના કારણે ધોનીની પત્ની સામે પણ આઇપીએલ દરમ્યાન ફિક્સીંગના આરોપ હેઠળ રહેલા દારાસિંગના પુત્ર વિન્દુ સાથે પેવલિયનમાં સાથે બેઠા હોવાની વાત પણ ચગી હતી. પણ ગુરુ, ચંદ્ર, શનિ અને બુધના સારા યોગના કારણે ધોનીએ તેના જીવનમાં આવેલા તમામ પડકારોનો સામનો કર્યો છે અને સફળતા પણ મેળવી છે.
ધોનીની કુંડળીમાં કન્યા રાશી છે. તેની રાશીના જાતકોને શનિની નાની પનોતીની શરૂઆત 26મી જાન્યુઆરીથી થઇ રહી છે. તે પહેલાં જ ધોનીએ કેપ્ટન પદેથી નિવૃત્તી જાહેર કરીને આવનારી પનોતી પહેલાં જ પોતાની જવાબદારીઓ ઘટાડી દીધી છે. જો કે ધોની કેપ્ટન તરીકે નહી તો પણ ખેલાડી તરીકે ભારતની ટીમમાં રમવાનો છે. વિરાટ કોહલી ચોક્કસપણ ધોનીની જેમ જ ઉગતી પ્રતિભા છે. તેનું ભવિષ્ય પણ ઉજ્વળ છે. બંનેની રમવાની અને સાથી ખેલાડીઓ પાસેથી કામ લેવાની પદ્ધતિ તદ્દન અલગ છે. ધોની ખેલાડી તરીકે આટલી મોટી ઉપલબ્ધી બાદ કેવું પરફોર્મ કરે છે તેના પણ આખા દેશની નજર રહેશે. જન્મ કુંડળીમાં પડેલા ગ્રહો કહે છે કે ધોનીની ખેલાડી તરીકેની આ નવી ઇનિંગ પણ એટલી જ જાજરમાન બનશે. હાલમાં ધોનીની રાશીમાં જ ગુરુનું ભ્રમણ ચાલી રહ્યું છે. જન્મના ગુરુ પરથી ગુરુનું ભ્રમણ થતું હોય તે સૌથી સારો સમય છે. આ સમયમાં ધોનીએ જવાબદારીઓમાં મુક્ત થઇ માત્ર ક્રિકેટ ખાતર ક્રિકેટ રમવાનું નક્કી કર્યું તે હવે તેની નવી ઓળખ બનાવશે. વિકેટકીપર અને બેટ્સમેન તરીકે ધોની પાસેથી હજું દેશને ઘણું મેળવવાનું છે. ધોની આગામી 2019નો વર્લ્ડ કપ રમે તેવી પુરે પુરી શક્યતા હાલના ગ્રહયોગો જોતાં દેખાઇ રહી છે.