રિટર્ન ઓફ ધ યુવરાજસિંહ, ફિનિક્સની જેમ પાછા ફરવાની બીજી વખત સિધ્ધિ પાછળ ક્યા ગ્રહોની કરામત
યુવરાજસિંહ એક એવું નામ, કે જે ક્રિકેટર જ નહિ પણ તમામ રમતના ખેલાડીઓ માટે એક પ્રેરણાદાયક વ્યક્તિત્વ બની ચૂક્યું છે. ઇગ્લેન્ડ સામેની વન ડે સિરીઝમાં ધોની સાથે ભેગા મળીને 150 રન બનાવવાના તેમના કારનામા બાદ તો યુવીની વાપસીને ખરેખર ફિનિક્સ પક્ષીની જેમ જ રાખમાંથી ફરી બેઠા થવાનો આશિર્વાદ ગણવું વધારે પડતું તો નહિ જ ગણી શકાય. ક્રિકેટ કારકિર્દીની કેન્યા સામે શરૂઆત કર્યા બાદ શરૂઆતમાં જ ખરાબ ફોર્મનો ભોગ બનવું, કેપ્ટન્સીને લાયક હોવા છતાં તેના કરતાં પછીથી આવનારા મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સી હેઠળ રમવું અને કથિત ભેદભાવનો ભોગ બનવું, વળી કારકિર્દીના મધ્યાન્હે કેન્સર જેવી બિમારીનો ભોગ બનવું. મેદાનની બહાર પણ કેટલાક વિવાદોનો ભોગ બનવું જેવા અનેક પડકારોનો સામનો કરીને પણ ફરી પાછું ભારતની ક્રિકેટ ટીમનો ભાગ બનવું, એટલું જ નહિ પણ વાપસી કરવાની મેચમાં 150 રન ફટકારીને ભારતને વિજય અપાવવો જેવી સિધ્ધિ મેળવવી. આ બધુ ક્યા ગ્રહોની અમી દૃષ્ટિના કારણે બની શક્યું તે તેમના ગ્રહોની સ્થિતીના આધારે વિચારીએ.
યુવરાજ સિંહનો જન્મ 12મી ડિસેમ્બરના 1981ના રોજ ચંદીગઢ ખાતે બપોરે 12 કલાકે થયો છે. તેમની કુંડળીમાં કુંભ લગ્ન છે. લગ્નેશ શનિ આઠમા સ્થાનમાં મંગળ સાથે છે. જે અશુભ છે. શનિ અને મંગળનો અશુભ યોગ તેમને જીવનમાં જે સફળતા તેની મહેનત અને લાયકાતને આધિન છે તે મેળવ્યા બાદ તેને ભોગવવી પણ અઘરી બની જાય છે. જો કે તેમની કુંડળીમાં તુલા રાશીમાં રહેલો ગુરુ નવમા સ્થાનમાં અત્યંત શુભ છે. 10મે સૂર્ય તેમને ખેલાડી બનવાની જન્મજાત લાક્ષણિકતાઓ આપે છે. તેમના પિતા યોગરાજ સિંહ પણ ક્રિકેટર રહી ચૂક્યા છે. તેમને બચપનથી જ ક્રિકેટ પ્રત્યે એક અલગ પ્રકારનો જ લગાવ હતો. તેમની હિંમત અને લડાયક મિજાજ તેમને 10મા સ્થાને રહેલા સૂર્યના કારણે મળે છે. પાંચમા સ્થાનમાં રહેલો ચંદ્ર અને બારમા સ્થાને રહેલો શુક્ર તેની ઇમેજ પ્લે બોયની બનાવે છે. જો કે તેમના જીવનમાં પ્રગતિના આડે ઘણી વખત એવા વિઘ્નો આવ્યાં જે મોટાભાગે અણચિંત્વ્યા હતા. તેમના જીવનમાં 2011માં ફેફસાંમાં કેન્સરની ગાંઠ ડિટેક્ટ થઇ હતી. આ સમયે તેમના શનિ પરથી જ આઠમાં સ્થાનમાંથી જ શનિ પસાર થઇ રહ્યો હતો. આ સમય તેમના માટે ખૂબ કઠિન હતો. તે જ સમયે એક તરફ કેપ્ટન તરીકે ધોનીની પ્રગતિનો ઇતિહાસ લખાઇ રહ્યો હતો. બીજી તરફ વિરાટ કોહલી પણ ભારતના મીડલ ઓર્ડર બેટ્સમેન તરીકે પોતાનો સિક્કો જમાવી રહ્યો હતો. ત્યારે યુવરાજને ફરજિયાત પોતાની ક્રિકેટ કારકિર્દીને બ્રેક મારીને કેન્સરની સારવારમાં ધ્યાન પરોવવું પડ્યું હતું.
એક વર્ષની સારવાર, હિંમત અને ધીરજ વડે યુવરાજે બિમારી પર કાબૂ મેળવી લીધો. તેની કેન્સરની ગાંઠનું નિરાકરણ થયુ અને તે ફરીથી ક્રિકેટ રમવા માટે સજ્જ થયો પરંતું ત્યારે પણ જન્મના ગુરુ પરથી પસાર થઇ રહેલા શનિના કારણે તેમને ભારતીય ટીમના સૌથી લોકપ્રિય કેપ્ટન ધોની સાથેનો મતભેદોનો મામલો સામે આવ્યો. એ વાતમાં સાચું શું તે તો માત્ર ડ્રેસિંગરૂમમાં હાજર લોકો જ જાણી શક્યા હશે. પરંતુ ભારતની ક્રિકેટ ટીમમાંથી યુવરાજની ફરી એક વખત હકાલપટ્ટી થઇ ગઇ તે સહુ કોઇ જાણી શક્યા હતા. બેટ્સમેન તરીકેનું કૌશલ્ય, ટેક્નીક, અનુભવ હોવા છતાં યુવરાજ સિંહ માનસિક વિટંબણાઓનો ભોગ બનીને જોઇએ તેવું પર્ફોમન્સ આપી શક્યા ન હતા. બીજી તરફ કેપ્ટન ધોની સાથેના મતભેદોનો મામલો પણ યુવરાજને નડી ગયો હોય તેવું માનવાનું એક સબળ કારણ તે પણ હતું કે યુવીના પિતા યોગરાજસિંહ જાહેરમાં ધોનીની યુવરાજને સપોર્ટ નહિ કરવા બદલ ઝાટકણી કાઢી હતી.
કેન્સર જેવી બિમારી અને ચઢતો સૂરજ હોય તેવા ધોની જેવા ખેલાડી સાથેના મતભેદોને જોતાં યુવરાજની જગ્યાએ કોઇ બીજો ખેલાડી હોત તો કદાચ ક્યારનું ય રિટાર્યડમેન્ટ સ્વીકારી લીધું હોત. હવે પોતાની કેરિયર ક્રિકેટમાં આગળ નહિ વધે તેમ સ્વીકારી લીધું હોત. પણ યુવી જેનું નામ, તેણે સ્થાનિય અને પ્રથમ કક્ષાની મેચોમાં પોતાની આવડતનું પ્રદર્શન ચાલુ રાખ્યું. આખરે શનિ દેવ જેવા વૃશ્ચિક રાશીમાં આવ્યા પછી યુવરાજની ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસીની રૂપરેખા ઘડાઇ. હાલમાં 10માં સ્થાનેથી પસાર થઇ રહેલા શનિ દેવે 26મી જાન્યુઆરીએ શનિદેવ ધન રાશીમાં પ્રવેશે તે પહેલાં જ અચાનક ધોનીએ કેપ્ટન તરીકેથી નિવૃત્તિની જાહેરાત કરી. અને સિક્કાની બીજી બાજુની જેમ તરત જ યુવરાજસિહને ભારત સામેની ઇગ્લેન્ડની સિરીઝમાં સ્થાન મળી ગયું. વિરાટ કોહલીએ ધોનીના પગલે ચાલવાના બદલે યુવરાજને એક તક આપવાનું નક્કી કર્યું અને આ તકને યુવરાજે ઇગ્લેન્ડ સામેની બીજી જ વન ડેમાં 150 રન ફટકારીને આ નિર્ણય સાચો જ હતો તેમ સાબિત કરીને આપ્યું
યુવરાજસિંહની કુંડળીની દૃષ્ટિએ જોઇએ તો તેમના ગ્રહોમાં શનિ અને મંગળની સ્થિતીના કારણે તેમને ઘણો સંઘર્ષ કરવો પડયો છે. હાથમાં આવેલી તક છોડવી પડી છે. ખોટા વિવાદ અને વિરોધનો સામનો કરવો પડ્યો છે. બારમા સ્થાનમાં રહેલો શુક્ર અને કેતું તેમને રમતીયાળ, લાગણીશીલ અને ઉતાવળીયા બનાવે છે. કેતુના કારણે તેમના બોલવાના કારણે અને વર્તનના કારણે ઘણી વખત અન્યોની ગેરસમજનો ભોગ બનવું પડ્યું છે. શનિ મંગળના કારણે તેમના લગ્ન જીવન માટે પણ યોગ્ય પાર્ટનર શોધવામાં કિમ શર્મા સાથેના તેમના સબંધો પણ ખૂબ ચગ્યા પણ તે લગ્નમાં પરિવર્તીત થઇ શક્યા નહિ. જો કે શનિની અને ગુરુની સારી દશામાં તેમના હાલમાં કિચ હેજલ નામની બિનભારતીય યુવતી સાથે લગ્ન થઇ ગયાં.
યુવરાજસિંહનો જન્મ ડિસેમ્બરમાં થયો છે. તેમની જન્મ કુંડળીમાં સૂર્ય વૃશ્ચિક રાશીમાં છે. આથી તેમને આ વર્ષે પણ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જીવનની મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. હાલમાં શનિ વૃશ્ચિક છોડીને ધનું રાશીમાં યુવીની કુંડળીમાં 11માં સ્થાનમાં છે. ગુરુ આઠમા સ્થાનમાં છે. જન્મના શનિ અને મંગળ પરથી ગુરુનું ભ્રમણ શનિ અને મંગળની વિષ ક્ષમતાને ઘટાડી રહ્યો છે. જેથી જૂન મહિના સુધી આ યોગ યુવીને ફરીથી લોકપ્રિયતાના શિખર પર બેસાડશે. હવે ઉંમરના કારણે તેમનામાં આવેલી મેચ્યોરિટી અને લગ્નના કારણે તેમના જીવનમાં અન્ય વ્યક્તિના નસીબની પણ ભાગીદારી કરાવી છે. તેની કદાચ આગામી સમયમાં યુવની ત્રીજી ઇનીંગ આગળની બે ઇનિંગ કરતાં વધુ ફળદાયી બનાવશે. યુવરાજસિંહને 2019માં પિતા બનવાનો યોગ પણ છે. શનિ મંગળના કારણે દાંપત્ય જીવનમાં વિખવાદ સર્જાય તેવા યોગ છે પરંતું તેની અસરો હજું અઢી વર્ષ સુધી દેખાય તેમ નથી. યુવરાજસિંહના ગ્રહોમાં સપ્ટેમ્બર મહિના પછી તેમના માટે ફરીથી કોઇ આરોગ્ય વિષયક સમસ્યા સર્જાય તેવી શક્યતા છે. જો કે 2020 સુધી હજુ યુવરાજસિંહ ક્રિકેટ રમી શકે તેમ છે. 2019માં આવનારા વર્લ્ડ કપમાં પણ યુવરાજસિંહ રમી શકે અને ભારતને આ વર્લ્ડ કપ જીતાડવામાં યુવરાજનુ મહત્વપૂર્ણ યોગદાન રહે તેવા ગ્રહયોગ દેખાઇ રહ્યા છે.