યુપીની ચૂંટણી ભલે કોંગ્રેસ નહિ જીતે પણ રાહુલ ગાંધી રાજકારણી તરીકે ઘડાઇ જશે.
કોંગ્રસના યુવરાજ અને પપ્પુ જેવાં અપમાનજનક નામો દ્વારા લોકોમાં વગોવાઇ ગયેલા, ટ્વીટર, ફેસબુક અને વ્હોટસ એપ પર આવતા જોક્સનું કેરેક્ટર બનીને રહી ગયેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મુલાયમ પુત્ર અખિલેશ સાથે ખભે ખભા મિલાવીને ચૂંટણી પ્રચાર આરંભી દીધો છે. છેલ્લા 70 વર્ષોમાં કોંગ્રસ ક્યારેય ન હતી તેવા હાંસિયામાં ધકેલાઇ ગઇ છે. એક ડિઝીટમાં સમાય તેટલા રાજ્યોમાં જ કોંગ્રેસનું શાસન છે. લોકસભામાં પણ 45 બેઠકોમાં આવીને કોંગ્રેસનું સંખ્યાબળ થઇ ગયું છે. ઇન્દીરા ગાંધી કે રાજીવ ગાંધીના વખતનો કરિશ્મો ક્યાંય દેખાતો નથી. રાહુલ ગાંધીની ક્ષમતા સામે વિપક્ષો તો ઠીક ખુદના પક્ષમાં પણ ચણભણાટ ચાલી રહ્યો છે. ત્યારે માત્ર એક પરિવારનું ફરજંદ હોવાના કારણે આટલી મોટી પદવી શોભાવવાનું બહુમાન મળી ગયું છતાં લાયકાતના અભાવે તે પદવીથી પોતાની પ્રતિભા અને પક્ષને નુકસાન કરનાર તરીકેની છબી ઊભી કરવાનું અપશ્રેય રાહુલ ગાંધી છેલ્લા કેટલાય સમયથી ભોગવી રહ્યા છે.
હાલમાં ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો માહોલ ગરમ છે. મુલાયમપુત્ર અખિલેશ સાથે ગઠબંધન કરીને રાહુલ ગાંધી દિવસ રાત જોયા વગર યુપીની ચૂંટણીમાં પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે ગ્રહોની દૃષ્ટિએ રાહુલ ગાંધીનું રાજકીય ભવિષ્ય કેવું રહેશે, તેમને યુપીની ચૂંટણીમાં જીતનો પ્યાલો પીવા મળશે કે નહિ, સમાજવાદી પાર્ટી સાથેની ભાગીદારીમાંથી તેમને કેટલો ફાયદો થશે અને પક્ષને શું મળશે જેવા વિષયો પર જરા નજર નાંખીએ.દેશનું સૌથી મોટું રાજ્ય અને રાજકારણમાં તેનો પ્રભાવની દૃષ્ટિએ યુપી ખુબ જ અગત્યનો પ્રદેશ છે.કોંગ્રેસની ડૂબતી નાવનું સૂકાન રાહુલ બાબાના હાથમાં છે. યુપીમાં અમેઠી અને બારાબંકીની લોકસભાની ચૂંટણી જીતવી એક વાત છે અને યુપીની વિધાનસભાની ચૂંટણી લડવી બીજી વાત છે.
રાહુલ બાબાના ગ્રહોને જોઇએ તો તેમનો જન્મ 18 જૂન 1970ના રોજ રાત્રે 9-42 મિનીટે દિલ્હીમાં થયો છે.તેમની જન્મ કુંડળી મુજબ મકર લગ્ન અને વૃશ્ચિક રાશી આવે છે. હાલના ગોચરના ગ્રહો મુજબ, હજુ હમણાં જ રાહુલ ગાંધીની પનોતીનો પાયો બદલાયો છે.છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલી પનોતી 26મી જાન્યુઆરીએ બે પાયા ભોગવીને હવે તેમનો પનોતીનો છેલ્લો પાયો ચાલુ થયો છે. પહેલાં પાંચ વર્ષમાં રાહુલ ગાંધીને ખાસું નુકસાન થયું છે. ખાસ કરીને 2014ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીના નેતૃત્વ પર ઘણી આંગળીઓ ઉઠી હતી. તેમના જ પક્ષમાં પણ કેટલાકે અવાજ ઉઠાવવાની કોશિષ કરી હતી.જો કે કામ કામને શિખવે અને સમય જતાં દરેક વ્યક્તિ ઘડાઇ શકે છે તે ન્યાયે હવે છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધીમાં કેટલીક પરિપક્વતા જોવા મળી રહી છે.
વળી, હાલમાં ગ્રહોની સ્થિતી 2014 જેટલી ખરાબ નથી. વળી યુપીની ચૂંટણીમાં રાહુલ ગાંધી એકલા પણ નથી. તેમની સાથે લગભગ તેમની જ ઉંમરના અખિલેશ યાદવ પણ છે. આમ જોઇએ તો રાહુલ ગાંધીને યુપીમાં સપાની સરખામણીએ ઓછી સીટો લડવા માટે મળી છે પણ ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ અને સપાનું જોડાણ કરવાની સફળતા મળવી એ જ તેમની કૂટનિતીજ્ઞ જીત ગણાય તેમ છે. હાલમાં શનિ તેમના બારમા સ્થાનમાં છે. ધન રાશીમાં શનિનું મારકત્વ ઘટી જાય છે. રાહુલ ગાંધીની કુંડળીમાં મેષ રાશીનો શનિ નીચનો છે. ગુરુ 10મા સ્થાનમાં તુલા રાશીમાં છે. ત્યાંથી કન્યા રાશીમાં બારમા હાલમાં ગોચરમાં ફરી રહેલો ગુરુ જન્મના ગુરુથી અને 12મા સ્થાને છે.નીચનો શનિ તેમને પર્સનાલિટી બનાવવમાં અત્યાર સુધી આડે આવી રહ્યો છે. સાતમા સ્થાનમાં શુક્ર અને છઠ્ઠા સ્થાનમાં સૂર્ય અને મંગળનો અંગારક યોગ સર્જાય છે. જેના કારણે તેમને કોંગ્રેસ જેવી દેશની સૌથી જૂની પાર્ટીનું નેતૃત્વ કરવાની તક મળી હોવા છતાં તેઓ તેનો જોઇએ તેવો લાભ લઇ શક્યા નથી.
12મી સપ્ટેમ્બર 2017માં ગુરુ તુલા રાશીમાં પ્રવેશનાર છે. ત્યારે રાહુલ ગાંધી માટે ઘણો સારો સમય શરૂ થનાર છે. યુપીની ચૂંટણીમાં મોદીની લહેર અને અમીત શાહની કૂટનીતિ સામે રાહુલ ગાંધીની કોંગ્રસનું જીતવું શક્ય નથી પણ તુલાનો ગુરુ આવે ત્યારે રાહુલ ગાંધીને જન્મના ગુરુ પરથી ગોચરના ગુરુનું ભ્રમણ ઘણા સારા યોગ ઊભા કરશે. તેની જાણે શરૂઆત થઇ ગઇ હોય તેમ હાલમાં અખિલેશ સાથેની પબ્લીક મિટીગ્સ અને ભાષણોમાં પહેલાંના રાહુલ ગાંધી જોવા નથી મળી રહ્યા. તેઓ પણ મોદીજીની જેમ હાથના હાવભાવ કરીને લોકો સાથે સંવાદ રચે છે. તેઓ પણ સવાલ પૂછે છે અને લોકોને તરત જ ગળે ઉતરી જાય તેવી ભાષામાં સમજાવે છે. તેમને સમજાઇ ગયું છે કે યુપીમાં જાતિવાદ અને બાહુબલિના જોરની સાથે સાથે વિકાસની પીપુડી વગાડવી પડશે. હાંસિયામાં ધકેલાઇ ગયેલી કોંગ્રેસની પુનર્જિવીત કરવા માટે તેમની પાસે યુપીની ચૂંટણીમાં સારું પરફોર્મન્સ જ એક ઉપાય બચ્યો છે.
જન્મ કુંડળીના ગ્રહોની પોઝિશન જોઇએ તો મકર લગ્નનો સ્વામી જ ચોથા સ્થાને નીચનો છે. પણ તેની સામે હાલમાં શનિ જન્મ કુંડળીના બારમા સ્થાનેથી અને જન્મના ચંદ્રથી બીજા સ્થાનેથી પસાર થાય છે. આ એક વિપરીત યોગ છે. તો વળી જન્મના ગુરુથી બારમે ગુરુનું ભ્રમણ પણ આવો જ વિપરીત યોગ કરે છે. આ વિપરીત યોગના કારણે કાંઇ પુરી કોંગ્રેસની કે સપાની કિસ્મત બદલાઇ જશે તેવું નથી પણ યુપીની વિધાન સભાની ચૂંટણીમાં ઝાઝી સીટો નહિ જીતવા છતાં આ ચૂંટણીથી રાહુલનું કદ વધશે. કોંગ્રેસને કેટલી બેઠકો જીતવા મળશે તે પછીની વાત છે પણ સપા સાથેના જોડાણથી તેમને એકલા લડવા કરતાં તો વધારે જ બેઠકો મળશે. વળી જો સપામાં અખિલેશના નામનું જો મોજું ચાલી ગયું અને જો સપા ફરીથી સત્તામાં આવી તો રાહુલ બાબાને બંન્ને હાથમાં લાડું છે.તેમને સત્તામાં ભાગીદારી મળી જશે. જો યુપીમાં સત્તામાં કોંગ્રેસને ભાગીદારી મળી જાય તો સપા કે કોંગ્રેસને જેટલો ફાયદો છે તેના કરતાં ભાજપને નુકસાન વધારે છે.
સપ્ટેમ્બરમાં જન્મના ગુરુ પરથી ગુરુનું ભ્રમણ રાજકીય રીતે જ નહિ પણ પર્સનલ લાઇફમાં પણ રાહુલ ગાંધીને સેટલ થવાની તક મળે તેવા યોગ છે. 10મા સ્થાનેથી જન્મના ગુરુ પરથી ગુરુનું ભ્રમણ તેમને જીવનસાથી પણ મેળવી આપે તેમ છે.