ટીવી શોમાં બીજાને ઉતારી પાડી હસાવતા કપિલ શર્માનો રડવાનો વારો
છેલ્લા બે સપ્તાહમાં પ્લેનમાં જ મારામારી કરવાના બે સેલિબ્રિટીઝના કિસ્સા બહાર આવ્યા. જેમાં એક હતા રવિન્દ્ર ગાયકવાડ નામના શિવસેનાના સાંસદ. જેમાં માત્ર બિઝનેસ ક્લાસમાં બેસવા નહિ મળવાના કારણે તેમણે એર ઇન્ડિયાના જ એક કર્મચારીને ચપ્પલ વડે ફટકાર્યા. શિવસેનાનું નામ આમ પણ દાદાગીરી માટે ફેમસ છે. તેના સાંસદ આવું કરે તે અજૂગતું તો લાગે પણ લોકો તેને ડિફોલ્ટ સંસ્કાર ગણીને કદાચ ચલાવી લે પણ બીજા સમાચાર જરા હચમચાવી દેનારા હતા. કોમેડી નાઇટ્સ વિથ કપિલ જેવો અત્યંત પોપ્યુલર કોમેડી શો ટીવી પર ચલાવતા અને તેના કારણે ખુદ પણ એટલા જ લોકપ્રિય બનેલા કોમેડિયન કપિલ શર્માએ ઓસ્ટ્રેલિયાથી પાછા આવતાં પોતાના જ ટીમ મેમ્બર સાથે ઝઘડો કર્યો અને તે પણ દારુના નશામાં. માત્ર તેના કરતાં પહેલાં ભોજન આરોગવાનું શરૂ કરી દીધા બદલ આ કોમેડીં કિંગનો એટલો બધો ગરાસ લૂંટાઇ ગયો કે તેણે શોમાં તેના જેટલી જ કોમેડી વેલ્યુ ધરાવતા બીજા એક મહત્વના ટીમ મેમ્બર ગુત્થી ઉર્ફે ડો. મશહૂર ગુલાટીને લાફો મારી દીધો. વળી અપશબ્દો તો એવા કહ્યા કે તમારી ઓળખ શું છે. તમે બધા મારા લીધે તમારું પેટિયું રળો છો તો મને ભૂલીને કેમ ખાવા લાગી ગયા. હું છું તો તમે છો, વાળો ડાયલોગ તો ખરો જ. આવા અભિમાનના એવરેસ્ટ પર બેઠેલા કપિલ શર્મા જાણે તેની સ્ટ્રગલના તમામ દિવસો ભૂલી ગયા હોય તેમ લાગે છે. કપિલ શર્માનો ગઇકાલે જ હેપ્પી બર્થ ડે ગયો. 2 એપ્રિલ 1981ના રોજ જન્મેલા કપિલ શર્માની જન્મકુંડળીમાં એવા ક્યા ગ્રહો છે કે જેના કારણે તેના મનમાં આવી રાઇ ભરાઇ ગઇ છે. તેમના આવા વર્તનના કારણે ખૂબ જામી ગયેલો તેમનો શો હવે કેવો ચાલશે. તેની લોકપ્રિયતા અકબંધ રહેશે કે પછી આવા લોકપ્રિયતાની આંધીમાં ઉપર ચડીને પછી ખોવાઇ ગયેલા અન્ય કેટલાક સ્ટારની જેમ કપિલ શર્મા પછી ગુમનામીના અંધારામાં ગુમ થઇ જશે. તે વિશે તેની જન્મકુંડળીના આધારે ચર્ચા કરીએ.
કપિલ શર્માનો જન્મ અમૃતસર ખાતે 2 એપ્રિલ 1981ના રોજ વહેલી સવારે 4-30 કલાકે થયો છે. તેની જન્મ કુંડળીમાં 7 ડિગ્રીનું કુંભ લગ્ન આવે છે. કુંભ લગ્નનો સ્વામી શનિ છે. શનિ આઠમા સ્થાનમાં કન્યા રાશીમાં ખાડે છે.આવા જાતકો હંમેશા સ્વાર્થ જન્ય સ્વભાવ ધરાવે છે.આઠમા સ્થાને પડેલો શનિ જ્યારે કોઇ વ્યક્તિ તેની સ્ટ્રગલના કારણે ઘણી નિષ્ફળતા બાદ સફળ થાય ત્યારે તે જાણે દુનિયાના અન્ય તેના જેવા લોકો સાથે બદલો લેતો હોય તેવી જ માનસિકતા શિકાર બને છે. તો વળી જન્મ કુંડળીના બીજા સ્થાનમાં જ મંગળ અને સૂર્યનો અંગારક યોગ મીન રાશીમાં રચાય છે. આ યોગ વાદ-વિવાદ અને ઘર્ષણનો યોગ કરે છે. આ વખતે આપણે ક્રમસર કપિલ શર્માની કુંડળીના આધારે તેના સ્વભાવ, તેના જીવનમાં આવેલા ચઢાવ ઉતાર અને હવે પછી તેમને ગ્રહોના ભ્રમણ ક્યાં લઇ જશે તે વિશે જોઇએ.
લગ્નેશ શનિ આઠમા સ્થાને હોવાથી જીવનમાં ચઢતી પડતીની શરૂઆત કપિલ શર્માના જીવનમાં પહેલેથી શરૂ થઇ ગઇ હતી. તેમના પરિવારના સ્થાનમાં મંગળ અને સૂર્યની યુતિ છે. મંગળ તેના પિતાના સ્થાનનો સ્વામી છે. આથી તેમને ઘણી યુવાન વયે પિતાની છત્રછાયા ગુમાવવી પડી હતી. ટીવી શોમાં તેમના જ કહેવા મુજબ તેની ઇચ્છા તો સિંગર બનવાની હતી. પરંતું ઘણી સ્ટ્રગલ કર્યા પછી પણ તેમનો સિંગીંગમાં કોઇ ચાન્સ લાગ્યો નહિ અને આખરે તેમણે કોમેડીના ક્ષેત્રમાં પગ જમાવવાની શરૂઆત કરી. 2007માં કપિલ શર્માએ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ જીત્યા પછી તેમના નસીબનું પાંદડું ફરી ગયું. ત્યાર પછી ઘણા એવા ટીવી શો કરીને લોકપ્રિયતા મેળવ્યા બાદ ધ કપિલ શર્મા કોમેડી શો પણ શરૂ કર્યો અને સદ્ નસીબે લોકોએ તેને ખૂબ વખાણ્યો. કપિલની કુંડળીમાં ગુરુની મહાદશા 2012 સુધી ચાલી ત્યાં સુધી કપિલનો સિતારો ચમકી ચૂક્યો હતો. આથી 2013માં તેણે કોમેડી નાઇટ્સ વિથ કપિલ શો શરૂ કર્યો. જે 2017 સુધી ચાલી રહ્યો છે. જો કે તેમાં કેટલાક વિવાદ સર્જાયા હતા પણ તેને તે સમયે મિડીયા કે લોકોએ ઝાઝા ધ્યાનમાં લીધા ન હતા.
પણ ખરી શરૂઆત જાન્યુઆરી 2017 પછી શરૂ થઇ છે. શનિ બદલાઇને ધન રાશીમાં પ્રવેશતાં જ ગ્રહોએ તેનો ખેલ બતાવવાનું શરૂ કર્યુ હોય તેમ લાગે છે. ઘણા બધા સમયથી ધીમા અવાજે તો એક વાત ચાલતી જ હતી કે કપિલ શર્માને મગજમાં અભિમાન ભરાઇ ગયું છે. તે અન્યોને ગણકારતો નથી અને સાથી કલાકારો સાથે પણ અપમાનજનક વર્તન કરે છે. કલર્સ પર ચાલતા શો દરમિયાન તેની સાથે કામ કરતા સુનિલ ગ્રોવરને તેના ઘમંડી સ્વભાવનો પરચો મળતાં તેણે થોડા વખત માટે શો છોડી દીધો હતો. કપિલ શર્માને હાલની પરિસ્થિતીમાં કોઇ ગ્રહ બચાવી શકે તેમ હોય તો તે છે ગુરુ. ગુરુ આઠમા સ્થાને છે. અને આ સ્થાનમાં ગુરુ ખરાબ થાય તેમ છે. પણ હાલમાં ગરુ કન્યા રાશીમાં જ પસાર થાય છે. જ્યાં સુધી ગુરુ પરથી ગુરુ પસાર થતો હોય ત્યાં સુધી તો કપિલ શર્માને તેણે અત્યાર સુધી કરેલી મહેનત અને કુદરતે આપેલી કલાકારીની ગિફ્ટનો લાભ મળશે. પણ 12મી સપ્ટેમ્બર પછી ગુરુ તુલા રાશીમાં જશે. નવેમ્બરમાં રાહુ પણ જન્મના શનિ પરથી પસાર થશે. આ સમય તેના માટે ભારે કપરો રહેશે.
હાર્યો જુગારી બમણું રમે તે ન્યાયે કપિલ શર્માની નવી આવી રહેલી ફિલ્મ ફિરંગીને પણ દર્શકોનો જોઇએ તેવો રિસ્પોન્સ ના મળે તેવી સંભાવના છે. તો વળી તેમના આવકના મુખ્યસ્ત્રોત સમા ટેલિવિઝનના શોમાં પણ કલાકારોની નારાજગી હજુ વધે અને સપ્ટેમ્બર મહિના સુધીમાં તેમના શોના ટીઆરપી પણ ઘટે તેમ છે. આ કારણે કસમયે કપિલ શર્માને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
જો કે હાલના સમયમાં હજુ તેમની પાસે છ મહિના કરતાં પણ વધુ સમય છે. ગ્રહો દરેક વખતે નડતાં પૂર્વે વ્યક્તિને તેના સ્વભાવમાં, અને આદતોમાં પરિવર્તન કરવાની તક આપે છે. એલાર્મ વગાડે છે. હાલમાં સુનિલ ગ્રોવર સાથેનો વિવાદ, અને તેની સાથે અન્ય કલાકારો પણ જે રીતે જોડાઇ રહ્યા છે. તે કપિલ શર્મા માટે ખતરાની ઘંટડી છે. જો આ વાતને સમજીને કપિલ શર્મા કલાકારને છાજે તેવી રીતે વર્તન સુધારશે. સાથે કામ કરનારા અને અન્ય લોકોને પણ ઉતારી પાડીને પોતાનું કોમેડી સ્કીલ બતાવવાનું બંધ કરીને નિર્દોષ હાસ્ય નિસ્પન્ન કરવામાં મહેનત કરશે તો ગ્રહોની માઠી અસરોમાંથી બચી જશે.
કપિલનો કોમેડી શો સોની પર હોય કે કલર્સ પર સ્ક્રિપ્ટની ડિમાન્ડના બહાનો પણ તે દરેક ડાયલોગમાં પણ સાથી કલાકારોની નીચા પાડવા માટે તેમના વિશે ભદ્દી કોમેન્ટ કરતો જોવા મળે છે. આ બાબત માત્ર હાસ્ય નિપજાવવા માટે ઠીક છે. પરંતું જ્યારે ઓડિયન્સમાંથી પણ કોઇ પ્રશ્ન પુછવા ઊભું થાય તો તેમના પહેરવેશ કે બોલવાની ઢબછબ પર એવી કોમેન્ટ કરતો હોય છે કે તેના કારણે બોલવા ઊભું થનારા વ્યકિત શરમાઇ જાય. જો કે આવા શોમાં બધું એડવાન્સમાં નક્કી જ હોય પણ આ રીતે કોમેડી કરવાની એક પદ્ધતિ વિકસાવવમાં કપિલ નવી કોમેડી સ્કૂલ બનાવી રહ્યો છે. જેના કારણે અમસ્તી પણ તેની છાપ એરોગન્ટ વ્યકિતની પડે છે. વળી તેના વિશે આડી અવળી વાતો ટ્વીટર, ફેસબુક અને યુ ટ્યુબ પર આવતી જ રહે છે. ક્યારેક વધારે ઇન્કમ ટેક્સ ભરવાની વાતનાં ફૂંકેલાં બણગાં તો વળી ક્યારેક અચ્છે દિન માટે નરેન્દ્ર મોદીને આપેલી સલાહ, તો વળી ક્યારેક તેની પાસે કોઇ મુંબઇ પાલિકાના અધિકારીએ લાંચ માંગી હોવાનો વિવાદ તો વળી છેલ્લે છેલ્લે દારુના નશામાં ધૂત થઇને સાથી કલાકારોને અપમાનિત કર્યાનો વિવાદ તેનો પીછો છોડતો નથી. અંગારક યોગનો પ્રભાવ તેના સ્વભાવ પર દેખાય છે.
જો કે લગ્ન સ્થાનમાં રહેલા ચંદ્ર અને બુધના કારણે તેને હંમેશા કલાકાર તરીકે માન મળશે. પણ તક મેળવવા માટે તેણે અંગારક યોગના પ્રભાવ હેઠળ પોતાનામાં ફેરબદલ કરવી પડશે. બારમા સ્થાને કેતું અને છઠ્ઠા સ્થાને રાહું કપિલ શર્મા માટે શત્રુઓ બહુ દુર શોધવા જવું પડે તેમ નથી. ગ્રહોની દૃષ્ટિએ સપ્ટેમ્બર સુધીના મહિનમાં કપિલના સ્વભાવની નબળાઇના કારણે જો હવે કોઇ વધુ વિવાદ નહિ આવે અને તે પોતાનું વર્તન સુધારશે તો તેના માટે સેલિબ્રિટી સ્ટેટસ જાળવવું સરળ બનશે. નહિ તો.અભિમાન તો કોઇનું ય ક્યાં ટક્યું છે?