નબળો કે દૂષિત ગુરુ રોગ પેટના રોગનું કારણ બને છે.
ગુરુ નવ ગ્રહો પૈકીનો સૌથી શુભ અને પોઝિટીવ ગ્રહ છે. શરીરમાં ગુરુ ગ્રહનો પ્રભાવ પેટ અને પેઢું પર છે. શરીરના ઉત્સર્જન તંત્ર, પાચન તંત્ર, આંતરડું અને હોજરી પર ગુરુનો પ્રભાવ છે. ચરબી અને વારસાગત રોગના મૂળમાં પણ જન્મકુંડળીમાં રહેલા ગુરુની સ્થિતી જવાબદાર બનતી હોય છે. ગુરુ બે રાશીનો સ્વામી છે. ધનુ અને મીન, આ બે લગ્નની કુંડળી ધરાવતા જાતકોની કુંડળીમાં ગુરુની કેવી સ્થિતી છે તે જાણવાથી તે વ્યક્તિનું ઓવરઓલ આરોગ્ય કેવું રહેશે તે જાણી શકાય છે. તો વળી કર્ક અને તુલા લગ્નની કુંડળીઓમાં ગુરુ છટ્ઠા સ્થાનનો સ્વામી બને છે. આ બંને લગ્નની કુંડળીઓમાં પણ ગુરુ આરોગ્યનો કારક બને છે. જો આ ધનુ, મીન, કર્ક અને તુલા લગ્નની કુંડળીઓમાં ગુરુ 8મા કે બારમા સ્થાનમાં હોય, ગુરુ અને મંગળનો પરિવર્તન યોગ રચાતો હોય ત્યારે કે પછી ગુરુ મારક બનતો હોય ત્યારે પેટ, પાંસળી, લીવર, કોલેસ્ટોરોલ, કબજીયાત, અલ્સર, પાઇલ્સ, હર્નિયા, એસિડીટી, સોજા આવવા, પિત્ત પ્રકોપ થવો, પેશાબનું ઇન્ફેક્શન થવું કે પછી પેટ વધી જવું અને વારસાગત રોગમાં બ્લડ પ્રેશર કે ડાયાબિટીશનો ભોગ બનવા જેવી તકલીફ ઊભી થાય છે.
ઉપર જણાવેલા ચાર લગ્ન સિવાયની કુંડળીમાં પણ ગુરુનો આરોગ્ય પર પ્રભાવ પડતો હોય છે. જો કોઇ પણ લગ્નની કુંડળીમાં ગુરુ છઠ્ઠા સ્થાન પર દૃષ્ટિ કરતો હોય તો સામાન્ય રીતે તે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું જ રહે છે. જો કે તેને બાલ્યાવસ્થામાં 8 વર્ષની ઊંમર સુધી કૃમીની તકલીફ થાય છે. શરીરને પોષણ મળવાની ક્ષમતા ઘટી જાય છે. આ સિવાય જો 6ઠ્ઠા સ્થાન પર ગુરુની દૃષ્ટિ હોય તો તે આરોગ્ય માટે શુભ મનાય છે. જો છઠ્ઠા સ્થાનમાં જ ગુરુ પડેલો હોય તો ગુરુ સ્થાનભ્રષ્ટ ગ્રહ છે આથી આવા જાતકોને આરોગ્યમાં અવશ્ય સમસ્યા આવે છે. તેમને ટોયલેટ ટ્રેનિંગ મળવાનો અભાવ દેખાય છે અને 15થી 22 વર્ષની વયમાં તેઓ કોઇને કોઇ વ્યસનનો ભોગ બને છે. જેના કારણે તેમને 52 વર્ષની વયે કોઇ મોટી કેન્સર કે ટ્યુમર જેવી બિમારીનો ભોગ બનાવે છે. જે જીવલેણ સાબિત થાય છે. જો છઠ્ઠા સ્થાનમાં મકર રાશીમાં 10 ડિગ્રીનો ગુરુ હોય તો તેવા જાતકો સમાજ જીવનમાં કે જાહેર જીવનમાં ભારે સફળતો મેળવે જ છે પણ તેમને મોટી બિમારીના કારણે જીવનની લાંબી ઇનિંગ રમવામાં મુશ્કેલી પડી શકે છે.
તો વળી અન્ય ગ્રહ યોગમાં ગુરુ સાથે જો રાહુની યુતિ થાય તો ચાંડાળ યોગ રચાય છે.જે ચામડીના રોગ માટે કે અસ્વચ્છતાના કારણે રોગનો ભોગ બનાવે છે. ખાવા પીવાની આદત અને ચાવીને નહિ ખાવાના કારણે અવશ્ય કબજીયાત અને પાઇલ્સની પીડા ભોગવવી પડે છે. ગુરુ મધ્યમ વયનો ગ્રહ છે. આથી ગુરુની પીડીત જાતકોને નાની મોટી તકલીફો રહે પણ જો ગુરુની કોઇ મોટી પીડા થવાની હોય તો તેની ઉંમર 45થી 55 વર્ષની ખાસ રહે છે. જો ચોથા સ્થાનમાં કોઇ પણ લગ્નની કુંડળીમાં ગુરુ અને રાહુનો ચાંડાળયોગ રચાતો હોય તો તેમણે ચરબી યુક્ત, તૈલી અને ગળપણવાળા ખોરાકથી દૂર રહેવું જોઇએ.અને નિયમીત કસરત કરવી જોઇએ. નહિતર તેના કારણે મોટાપો અને હ્રદયરોગનો હુમલો થવાની શક્યતા પણ રહેલી છે.
ગુરુ સાથે શનિની યુતિ આદ્યાત્મ યોગ રચે છે. તો વળી ગુરુ સાથે ચંદ્રની યુતિ ગજકેસરી યોગ રચે છે. આ સારા યોગ છે પરંતું તેમાં રાજ યોગ હોવાની સાથે સાથે રાજરોગ થવાની સંભાવના પણ જોવા મળે છે. ગુરુ અને શનિની યુતિ વાળા જાતકોને બારમા સ્થાને જો આ યોગ રચાય તો વાયુનો પ્રકોપ થાય છે. જેના કારણે માથાનો દુખાવો થાય અને ચામડીના રોગ થવાની તકલીફ સર્જાય છે.
ગુરુ ઘણો શક્તિશાળી ગ્રહ છે. તે કોઇ એક રાશીમાં 13 મહિના રહે છે. જેની જન્મકુંડળીમાં ગુરુ વક્રી હોય તેના મગજની જમણી બાજું વધુ એક્ટિવ હોય છે. તેવા જાતકો કલા કે રમત-ગમતમાં વધુ સક્રીય થાય છે જ્યારે જેનો ગુરુ માર્ગી હોય તેવા જાતકો વધુ પ્રેક્ટિકલ બને છે. ગોચરમાં ગુરુ જ્યારે વક્રી થાય ત્યારે નબળા કે માર્ગી ગુરુના જાતકોને શારીરિક પીડા થવાની શક્યતા વધારે હોય છે.
ગુરુથી પીડીત જાતકો આટલું કરે..
- ગુરુવારે ગાયને ઘી ચોપડેલી રોટલી ખવડાવવી
- ગુરુનો નંગ પોખરાજ જ્યોતિષીની સલાહ લઇ ધારણ કરવો
- ગુરુ મંત્રના ઓમ ગુરવે નમઃ ના જાતે જ જાપ કરવા
- ગુરુનો રંગ પીળો હોવાથી પીળી વસ્તુ(સુવર્ણથી માંડીને ચણાની દાળ સુધી)નું દાન કરવું
- દત્ત બાવનીના ગુરુવારે 52 પાઠ કરવા, શિવપૂજન કરવું
- જલારામ બાપા, સાંઇબાબા કે પોતે જેને ગુરુ માન્યા હોય તેવા સંત પુરુષોના દર્શન, સેવા, પૂજન કરવાં