જન્મકુંડળીમાં ક્યા ગ્રહો સંતાન યોગમાં બાધક બને છે?
સંતાન, ખુદનું બાળક હોવું અનાદીકાળથી માનવ મહેચ્છા રહી છે. પુરુષ હોય કે સ્ત્રી તેના જન્મનું કુદરતી સાર્થકત્વ જ સંતાન પેદા કરવાથી થાય છે. સંતાન ઇશ્વરીય દેણ છે. મોટાભાગના લોકોને આ આશિર્વાદ વિના પ્રયત્ને જ મળેલા હોય છે. પરંતુ કેટલાક યુગલો લગ્નના અમુક ગાળા પછી પણ સંતાન પ્રાપ્તી માટે તરસી રહ્યા છે. સંતાન પ્રાપ્તી માટે અડચણરૂપ શારીરિક કારણો દૂર કરવા માટે તબીબી વિજ્ઞાને પણ ખૂબ તરક્કી કરી છે. જેના કારણે કેટલાય યુગલોને ખોળાનું ખૂંદનાર મળી ગયું છે. આમ છતાં આ ઉપાયો 100 ટકા કારગત નથી નીવડતા ત્યારે કેટલાય લોકો આ માટે જ્યોતિષ વિજ્ઞાન તરફ પણ નજર દોડાવે છે. આજે મેડિકલ એસ્ટ્રોલોજીની આ લેખમાળામાં આપણે આગામી કેટલાક હપ્તા સુધી માત્ર સંતાન યોગ માટે અવરોધરૂપ બનતા ગ્રહ યોગો અને તેના ઉપાયો વિશે જ ચર્ચા કરીશું.
જન્મકુંડળીનું પાચમું સ્થાન સંતાન ભૂવન તરીકે ઓળખાય છે. પાચમા સ્થાનથી સાતમું સ્થાન એટલે 11મું સ્થાન તમને મળનારા સાથીદારનો તમારી સંતાન પ્રાપ્તીમાં રોલ દર્શાવે છે. પાંચમા સ્થાનમાં પડેલી રાશીનો સ્વામી તમારા સંતાન યોગ થવાના યોગ ક્યારે થશે તેના ગોચર ભ્રમણનો નિર્દેશ કરે છે. સંતાન ભૂવન પર દૃષ્ટિ કરનારા ગ્રહો અને સંતાન ભૂવનમાં બેઠેલા ગ્રહોના સ્વભાવ, અંશ અને યોગ પરથી સંતાન થવામાં થનારી અડચણો અને તેના ઉપાયો કેવા હોઇ શકે તે નજરે પડે છે.
લગ્ન પહેલાં કુંડળીનો મિલાપઃ
આપણે સહુ જાણીએ છીએ કે સંતાન થવું એ પુરુષ અને સ્ત્રીના સંયુક્ત ગ્રહબળ પરથી જોવાય છે. આથી જ લગ્ન પહેલાં જન્મકુંડળી મેળવવાનું જરૂરી ગણાયું છે. જો પુરુષની કુંડળીમાં મંગળ અને સ્ત્રીની કુંડળીમાં શુક્ર નબળો હોય તો આવા બે જાતકોને સંતાન પ્રાપ્ત કરવામાં તકલીફ પડી શકે છે. તો વળી જન્મકુંડળીમાં પુરુષ અને સ્ત્રીની નાડી એક હોય તો પણ સંતાન પ્રાપ્તીમાં વિઘ્ન સર્જાઇ શકે છે. આથી જન્મકુંડળી મેંળવીને લગ્ન કરવાથી સંતાન સુખ નિર્વિઘ્ને મળશે તે સિદ્ધ થઇ જાય છે. બંને પુરુષ અને સ્ત્રી જાતકના પાંચમા સ્થાનમાં પડેલા ગ્રહો શુભ છે કે અશુભ તે જાણીને જ તેમના ભવિષ્યમાં થનારા સંતાન અંગે આગાહી કરી શકાય છે. તો વળી સંતાન યોગ માટે નવમાંશ કુંડળીમાં પતિ અને પત્નીના સાતમા સ્થાનમાં પડેલા ગ્રહોનો એકબીજા સાથેનો સબંધ પણ જાણવો જરૂરી બને છે.
અસ્થાયી વ્યંધત્વઃ
સ્ત્રી અને પુરુષ બંનેમાં કેટલાક સમયે અસ્થાયી એટલે કે ટેમ્પરરી પ્રકારનું વ્યંધત્વ આવે છે. આયુર્વેદમાં તેને પંચધા વ્યંધત્વ દોષ ગણાવ્યો છે. આવા દોષ વાળા જાતકોને લગ્ન બાદ અમુક સમય સુધી સંતાન યોગ થતો નથી. આ પ્રકારનો દોષ મોટાભાગે પુરુષોની કુંડળીમાં જ જોવા મળે છે. જો પુરુષોની કુંડળીમાં પાંચમા સ્થાનનો સ્વામી આઠમા કે બારમા સ્થાનમાં પડેલો હોય, પાંચમા સ્થાનનો સ્વામી કોઇ પણ સ્થાનમાં સૂર્ય સાથે અસ્તનો પડેલો હોય કે નીચના શનિની પાંચમા સ્થાન પર દૃષ્ટિ પડતી હોય તો આવા પ્રકારનું વ્યંધત્વ જોવા મળે છે. તે માટે જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા ઉપાયો કરવામાં આવે તો તેમને અવશ્ય સંતાન પ્રાપ્તી થાય છે. સ્ત્રી જાતકો માટે જો શુક્ર નીચનો હોય કે પાંચમા સ્થાનનો સ્વામી શુક્ર પાચંમા સ્થાનમાં જ બુધ સાથે પડેલો હોય તો તેમને આવા અસ્થાયી વ્યંધત્વનો સામનો કરવો પડે છે. આવા સમયે ચંડી પાઠ, વિષ્ણ સહસ્ત્રના પાઠનું એક હજાર વખત અનુષ્ઠાન કરવામાં આવે તો ફાયદો થાય છે.
પિતૃદોષઃ
માતા કે પિતા બનવા ઇચ્છનારા જાતકોની કુંડળીમાં પિતૃદોષ દેખાય તો અવશ્ય સંતાન થવામાં બાધા આવે છે. સૂર્ય અને શનિ જ્યારે બે પૈકી કોઇ પણ એક લગ્નેશ હોય ત્યારે જો યુતિ કરતા હોય તો પિતૃદોષ ગણાય છે. બારમા સ્થાને નીચનો રાહુ હોય ત્યારે પ્રેતદોષ અને પાંચમા સ્થાને બિરાજમાન રાહુ કે કેતુના કારણે થતો સર્પ દોષ પણ સંતાન યોગમાં બાધા ઊભી કરે છે. સ્ત્રીમાં ગર્ભાશય પણ શિષ્ટ થવું, માસિક અનિયમીત થવું, અંડ પિંડ બરાબર નહિ રચાવો કે ફેલોપાઇન ટ્યુબ બંધ હોવી જેવી વિકટ સમસ્યાઓ આવા જાતકોમાં જોવા મળે છે. પાંચમા સ્થાનનો સ્વામી નીચનો હોય ત્યારે પણ સ્ત્રીઓને ખાસ શારિરીક ખામી ઊભી થાય છે. જો નીચના શુક્ર સાથે બુધ બારમા સ્થાને હોય તો તેવી સ્ત્રી જાતકોને નોર્મલ ડિલીવરીથી બાળક જન્મવાની શક્યતા ઘટી જાય છે. પિતૃદોષના નિવારણ માટે યોગ્ય સમયે કરાયેલી શ્રાદ્ધ વિધી ફળદાયી બને છે.