જન્મકુંડળીમાં નબળો શુક્ર સૌંદર્ય અને પ્રજનનની સમસ્યાઓ સર્જે છે
શ્રીમદ ભગવત ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કહ્યુ છે કે સર્જકોમાં હું શુક્રાચાર્ય છું. શુક્ર સૌથી તેજસ્વી તારો છે. સૂર્યથી સૌથી નજીકનો હોવા છતાં પણ પોતાના તેજને સાચવીને રાખનારો ગ્રહ શુક્ર છે. સાયંકાલે ઉચ્ચાકાશમાં જે નજરને ખેંચી લે તેવો ગ્રહ પુરાણ કથાઓમાં શુક્રાચાર્ય એટલે રાક્ષસોનો ગુરુ તરીકે ઓળખાયો છે. પુરુષ અને સ્ત્રીના પ્રજનનમાં જે મહત્વનો ભાગ ભજવે છે તે પુરુષનો શુક્રાણું પણ શુક્રનું જ પ્રતિક છે. પાશ્ચાત્ય સાહિત્યમાં પણ કહેવાયું છે કે, “મેન આર ફ્રોમ માર્શ અને વીમેન્સ આર ફ્રોમ વીનસ” મતલબ કે શુક્રનો સબંધ સ્ત્રીઓ સાથે છે. શુક્ર કન્યા રાશીમાં નીચનો થાય છે અને મીન રાશીમાં ઉચ્ચત્વ મેળવે છે. વૃષભ અને તુલા રાશી પર શુક્રનું સ્વામીત્વ છે.
શુક્ર વિશે આટલી પ્રાથમિક વિગતો જાણ્યા પછી એક વાત સમજી લો કે શુક્ર શુભ ગ્રહ છે. તે ચંદ્ર સાથે અને મીન વૃષભ અને તુલા રાશીમાં જો હોય તો સારુ ફળ આપે છે. પરંતું જો કન્યા રાશીમાં શુક્ર પડ્યો હોય તો તે તકલીફ ઊભી કરી શકે છે. મેષ લગ્નની કુંડળીમાં જ્યારે શુક્ર કન્યા રાશીમાં પડેલો હોય ત્યારે તે જો સ્ત્રીની કુંડળીમાં હોય તો તે ગમે તે પુરુષ સાથે લગ્ન કરે તેને સંતાન પ્રાપ્તીમાં વિઘ્ન આવે છે. અને જો પુરુષની કુંડળીમાં મેષ લગ્નમાં કન્યાનો શુક્ર હોય તો સંતાન તો થાય છે પણ વિલંબથી થાય છે. સ્ત્રીઓ માટે કન્યાનો શુક્ર પીસીઓડી જેવા રોગનું કારણ બને છે. તો વળી પુરુષો માટે તે મોટીલિટીની સમસ્યા ઊભી કરે છે. જેની યોગ્ય સારવાર સમયસર થાય તો તેમને સંતાન થવાની શક્યતા વધી જાય છે.
શુક્રનું કુંડળીમાં અશુભત્વ પુરુષો માટે શુક્રાણુઓની સમસ્યા લાવે છે. જ્યારે આઠમા સ્થાને શુક્ર હોય તો પુરુષોને હંમેશા હંગામી વ્યંધત્વ લાવે છે. જ્યારે સ્ત્રીઓને ફેલોપાઇન ટ્યુબ સાંકડી થઇ જવી કે ગર્ભાશય પર સોજો કે ટ્યુમર(શિસ્ટ) થવાની તકલીફ થાય છે. કન્યા રાશીમાં 8થી 16 ડિગ્રીમાં શુક્ર જો આઠમા સ્થાનમાં બિરાજમાન થાય તો પુરુષોને હર્નિયાની તકલીફ થવાની શક્યતા રહેલી છે. જ્યારે સ્ત્રીઓ માટે શુક્રનું આઠમા સ્થાનમાં હોવાથી તેમને અનિયમિત માસિક આવવું, પેશાબનું ઇન્ફેક્શન થવું કે પછી શ્વેત પ્રદર જેવી સમસ્યાઓનો ભોગ બનાવી શકે છે.
શુક્રનું રાહુ સાથેનું જોડાણ સ્ત્રીઓની કુંડળી માટે ખાસ અશુભ મનાયું છે. જ્યારે 4થા, 8મા કે 12મા સ્થાને શુક્ર રાહુ સાથે દૂષિત થાય ત્યારે ગર્ભપાત થઇ જવો, બાળક ખોડ ખાંપણવાળું જન્મવું અને ફેક પ્રેગ્નન્સી થવા જેવી સમસ્યાઓ જોવા મળે છે. બારમા સ્થાનમાં નીચનો શુક્ર જો રાહુ સાથે સ્ત્રીની કુંડળીમાં જોવાય તો તેને લગ્નજીવનનું જાતિય સુખ ભોગવવામાં શારીરિક અડચણ આવે છે.
શુક્ર સૌદર્યનો પણ કારક છે અને મોટા ભાગે જે સ્ત્રી ફિલ્મ કલાકારો છે તેમના સૌદર્યનો રાઝ માત્ર જન્મકુંડળીમાં તેમના શુક્ર અને ચંદ્રના સ્થાન પર જ જોવા મળે છે. ઉજળો વાન, નકશીદાર નાક, સુંદર આંખ અને કાળી ઘાટી ભ્રમર હોવી શુક્રના પ્રભાવમાં આવે છે જેની કુંડળીમાં શુક્ર સાથે સૂર્ય સાતમાં કે પહેલા સ્થાનમાં પડેલો છે. તેમાં તુલા કે કન્યા રાશી હોય તો તેવી સ્ત્રીઓનો વર્ણ કાળો, ખીલ કે ચામડીના રોગ થવાની શક્યતા છે. સૂર્ય સાથે શુક્ર આઠમા સ્થાનમાં પડે તો સોરાઇસીસ કે તજાગરમીની સમસ્યા અને જો છઠ્ઠા સ્થાને આ યોગ થાય તો કબજીયાત અને તેના કારણે વાળ કે ચામડીની સમસ્યા દેખાય છે.
(બોક્સ) શુક્રને સુધારવાના ઉપાયો
- શુક્રવારના મોળા ઉપવાસ કરવા
- શુક્રવારે કુંવારિકાઓને ગળ્યું ખવડાવવું
- કન્યાદાન કરવું, રેશમી વસ્ત્રનું દાન કરવું
- ઓમ શુક્રાય નમઃ મંત્રના જાતે જાપ કરવા
- ઘરમાં પોપટ-પોપટીની જોડને ખવડાવવું