રાહુનો કર્ક રશી પ્રવેશઃ દરેક રાશીઓ માટે કેવું ફળ આપશે?
છાયા ગ્રહ મનાતો રાહુ 18 ની ઓગસ્ટે રાત્રે 5 કલાકે સિંહમાંથી કર્ક રાશીમાં આવી ગયો છે. જે 2019ના માર્ચ મહિનાની 6 તારીખ સુધી આ ચંદ્રની રાશીમાં રહેશે. ચંદ્ર સાથે રાહુનો સબંધ શત્રુતાનો છે. કર્ક રાશી જળતત્વની રાશી છે. આ રાશીમાં રાહુનું ભ્રમણ ચાલે તે દરમ્યાન જાણે શાંત પાણીમાં પથરો પડ્યો હોય તેવો માહોલ દેશ અને દુનિયામાં આવે. ભારતના રાજકીય ભવિષ્યમાં પણ નવો પ્રવાહ શરૂ થાય. ભાજપને અત્યાર સુધી જોવા મળેલી સફળતામાં બ્રેક વાગે કેટલાક પ્રસંગોમાં ભાજપને પોતાની નીતી બદલવી પડે અને સમાધાન કે પીછે હઠ કરવી પડે તેવા યોગ રચાય તેમ છે. કેટલાક નિર્ણયો સમાજ કે સામૂહિક રીતે દેશમાં વિરોધ વંટોળ જગાવે તેવી શક્યતા છે. ચંદ્રના કારણે પડોશી દેશો સાથે પણ સબંધોમાં તનાવ આવે. નાના છમકલા જેવા પ્રસંગો યુદ્ધની બીક ઊભી કરે ખરા પણ વાસ્તવમાં યુધ્ધ થવાની શક્યતા જણાતી નથી. દરેક રાશીના જાતકો માટે રાહુનું કર્કરાશીમાં ભ્રમણ કેવું ફળ આપે તેમ છે.તે જોઇએ.
મેષઃ જન્મરાશીથી ચોથા સ્થાને પસાર થતો રાહુ હ્રદયની બિમારીનો નિર્દેશ કરે છે. કસરત કરવી, મનની વ્યગ્રતા દૂર કરવા માટે શિવજીને બુધવારે લીલા મગ ચઢાવવા જોઇએ. જમીન મકાન કે કોર્ટકેસમાં ફાયદો થાય તે માટે કાળા કૂતરાને રોટલી ખવડાવવી જોઇએ.
વૃષભઃ આ રાશીથી ત્રીજા સ્થાને પસાર થતો રાહુ સાંભળવાની તકલીફ, ગળાની અને કફની બિમારી સર્જી શકે છે. નાણાંભીડથી બચવા માટે બ્રાહ્મણને તાંબાનું દાન કરવું, બુધવારના ઉપવાસ કરવા જોઇએ. ભાઇ બહેનો વચ્ચે વિવાદ સર્જાય તેમ છે. તેનાથી બચવા દરરોજે કિડીયારું ભરવું જોઇએ.
મિથુનઃ આ રાશીથી બીજા સ્થાનેથી રાહુ પસાર થતો હોવાથી આર્થિક આયોજનો ખોરવાઇ પડે તેમ છે. તમારી ગણતરી કરતાં ઊંધા સમીકરણો તમને ગૂંચવી નાંખે, દેવું વધે અને વ્યાજના ચક્કરમાં ફસાવું પડે. વાણીના કારણે સબંધો બગડે તેમ છે. દર રોજ વિષ્ણસહ્સ્ત્રના પાઠ કરવાથી રાહત રહે.
કર્કઃ તમારી રાશીમાંથી રાહુ પસાર થઇ રહ્યો છે. તમારે આરોગ્ય અને બદનામીથી ખાસ સાચવવું પડે. તમારા ઘરમાં જ તમારા શત્રુ બને. અપમાન થતું હોય તેમ લાગે, મન કામકાજમાં લાગે નહિ અને નકારાત્મક વિચારો વધે. શિવપૂજન રોજ કરવું અને બ્રાહ્રણને ગળી વસ્તુનું (ગોળ) દાન કરવું.
સિંહઃ તમારી રાશીથી બારમા સ્થાને પસાર થતો રાહું મિત્રતામાં વિખવાદ ઊભો કરે, નાણાંનો વ્યય થાય, મકાન કે મિલકત ખરીવાના પ્રયત્નોમાં ફસાઇ જવાય, વિદેશ જવાની ઇચ્છા પૂરી ન થાય, સંતાનો સાથે મતભેદ વધે. રાં રાહવે નમઃ મંત્રની એક માળા કરવી, પ્રાણી-પક્ષીઓને ચણ નાંખવું, પાણી પીવડવું.
કન્યાઃ તમારી રાશીથી અગિયારમા સ્થાને આવતો રાહુ તમારા માટે શુભ છે. અચાનક નવી તકો મળે, સફળતા માટે સ્વજનોનો સાથે મળે. નસીબ ખૂલી ગયું છે તેમ લાગે. લાલચમાં પડવાથી બચવું. ઉતાવળ ટાળવી, વદ પંચમીના ઉપવાસ કરવા, બુધવારના ઉપવાસ કરવા જોઇએ.
તુલાઃ તમારી રાશીથી 10મા સ્થાને રાહુ નોકરી ધંધામાં રુકાવટ લાવે, પ્રમોશન અટકાવી દે, માલની ખરીદી કરીને ફસાઇ જવાય, ગવર્નમેન્ટના લફરાં વધી જાય. સરકારી વિભાગોની તપાસ આવે, પિતાનું આરોગ્ય કથળે, બચાવ માટે કાળા વસ્ત્રોનું ગરીબને દાન કરવું, કપાળે ચંદનનું તિલક કરવું.
વૃશ્ચિકઃ તમારી રાશીથી નવમા સ્થાને રાહુંનું ભ્રમણ ભાગ્યના ખૂલવા આડે અવરોધો સર્જે છે. પેટની પીડા ઊભી થઇ શકે છે. નાણાં ઊછીના આપવા નહિ. લાલચમાં આવીને રોકાણ કરવું નહી. ભાદરવા મહિનામાં કેવડાથી શિવજીનું પૂજન કરવું. પત્ની પાસે કેવડા ત્રીજના ઉપવાસ કરાવવા.
ધનુઃ આ રાશીથી આઠમા સ્થાને આવેલો રાહું વગર જોઇતી ઉપાધિ લાવે, અકસ્માત થાય, પગમાં કે માથામાં ઇજા થાય અને સામે ઉભેલી તક પણ લઇ ના શકીએ તેવી સ્થિતી ઉભી થાય તેમ છે. સંતાનો કે પરિવારમાં પણ ક્લેશ વધે. રાં રાહવે નમઃ મંત્રના જાપ કરવા અને રક્તપિત્તના દર્દીઓને જમાડવા.
મકરઃ તમારી રાશીમાં સાતમા સ્થાને પસાર થતો રાહુ ભાગીદારીમાં ઝઘડા કરાવે. તમે તમારી પીઠ પાછળ ચાલતી લાલિયાવાડી પકડો અને તેના કારણ તમે એકલા પડી જાવ, પત્ની સાથે પણ મતભેદો વધે. બુધવારે કાળા તલનું દાન કરવું. શિવપૂજન કરવું, માટીના ઘડાનું દાન કરવું.
કુંભઃ તમારી રાશીથી છઠ્ઠા સ્થાનમાં પસાર થતો રાહુ આરોગ્યની તકલીફ કરાવે, કસરત કરવી જોઇએ. ખાણી પીણીમાં સાવચેત રહેવું. આરોગ્યની મોટી તકલીફ ઊભી થાય તેવી શક્યતા છે. પેશાબનું ઇન્ફેક્શન થાય અને પાઇલ્સ કે મસાની તકલીફ થાય. કૂતરાને જમાડવા, બુધવારે ચપ્પલનું દાન કરવું.
મીનઃ તમારી રાશીથી પાંચમા સ્થાને પસાર થતો રાહુ, સંતાનો તરફથી માઠા સમાચાર મળે, પ્રેમસબંધોમાં રુકાવટ આવે, અભ્યાસ કરનારાને આળસ વધી જાય, નગેટિવ વિચારો આવે, વજન વધવાની સમસ્યા સર્જાય, શિવપૂજન કરવું, રાહુનો નંગ પહેરવો, ગાયને ઘાસ ખવડાવવું.