જન્મકુંડળીમાં ગ્રહોની કેવી સ્થિતી હોર્મોન્સનું બેલેન્સ ખોરવે ?
જન્મના પ્રથમ દશકા પછી શરીરમાં સ્વાભાવિક રીતે સક્રિય થતા હોર્મોન્સ વૈજ્ઞાનિક રીતે માતા પિતાનો વારસો, ખાણીપીણીની આદતોને આભારી છે. જ્યારે જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ શુક્ર બુધ અને મંગળ પ્રત્યક્ષરૂપે અને ગુરુ-ચંદ્ર અપ્રત્યક્ષ્યરૂપે શરીરમાં હોર્મોન્સ પર અસર કરે છે. શુક્ર 16 વર્ષ સુધીમાં કિશોર બનવાની ઉંમરે શરીરમાં હોર્મોન્સને વિકસાવે છે. જ્યારે મંગળની શુક્ર સાથેની સ્થિતી કે સબંધ હોર્મોન્સને સંતુલિત રાખે છે, જ્યારે બુધનું કામ હોર્મોન્સની વિકૃતિઓને સંતુલિત કરવાનું છે. ચામડીનો રંગ, શરીરનો બાંધો, ઊંચાઇ, વાળ, આંખોનો રંગ અવાજ, પુરુષોમાં દાઢી-મૂંછ જ્યારે સ્ત્રીઓમાં માસિક ધર્મની નિયમિતતા જેવી બાબતો હોર્મોન્સના કારણે હોય છે. તો વળી હોર્મોન્સના કારણે ક્યારેક માનસિક તકલીફો પણ થાય છે. આપણે ઘણીવાર જોયું છે કે પ્યુબર્ટી કાળમાં ટીનેજર્સ અને મેનોપોઝમાં આધેડ મહિલાઓનો સ્વભાવ ચિડીયો થઇ જાય છે. આ હોર્મોન્સના ફેરફારને આભારી છે. શરીર અને મન બંને પર સીધી અસર પાડી શકે તેવા હોર્મોન્સ પર ગ્રહોની કેવી અસર પડે છે તે વિશે આ લેખમાં જોઇએ.
જો જન્મકુંડળીમાં શુક્ર સ્વગ્રહી કે ઉચ્ચનો હોય, શુભ ગ્રહોની સાથે હોય(ગુરુ, ચંદ્ર) અને કુંડળીમાં છ, આઠ કે બારમા સ્થાન સિવાયના સ્થાનમાં હોય તો તેવા જાતકોને જન્મજાત જ હોર્મોન્સનું બંધારણ સારું મળે છે. તેમની ત્વચા સ્નિગ્ધ અને ઋજુ હોય છે. તેમના વાળ અને દેખાવ ઘાટીલો બને છે. તેમના અંગભંગિમાઓ અન્યોને પોતની તરફ આકર્ષે તેવી બને છે. પોતે અન્યો પર પ્રભાવ પાડી શકે તેમ છે તેવી ખબર પડતાં તેમનામાં આત્મવિશ્વાસ પણ વધે છે. પરંતુ જો જન્મ કુંડળીમાં શુક્ર નીચનો (કન્યાનો) હોય, પાપ ગ્રહ(સૂર્ય, રાહુ વિ.) સાથે હોય તો તેમને કિશોરવયથી ત્વચાના રોગ, ફોબિયા, મૂડસ્વિંગ્સ, પાચન સમસ્યા કે શરીરના વિકાસની સમસ્યા નડે છે. આવા જાતકોની અન્યોને આકર્ષવાની શક્તિ ક્ષીણ થતાં જ તેઓ નકારાત્મકતા વિકસાવે છે. બીજાને આકર્ષવાના ગતકડાં કરવાનાથી હાસ્યાસ્પદ બને છે. જો લગ્નેશ શુક્ર ખાડે કે નીચનો હોય તો તેવા જાતકોને ચહેરા પર કાળાશ આવવી, ખીલ થવા, ઊંચાઇ ઓછી રહેવી, વાળ ખરવા જેવા રોગ થાય છે. જો સૂર્ય સાથે શુક્ર અંશાત્મક યુતિ કરતો હોય તો તેવા જાતકોને લોહીની કે હાડકાંની બિમારી થવાની શક્યતા પણ રહે છે. શુક્રની રાહુ સાથે યુતિ થાય ત્યારે દેખાવ તો સારો હોય પરંતું ઉંમર જતાં તેમાં કેટલાક એવા ફેરફાર થાય કે તેના કારણે વ્યક્તિ લઘુતાગ્રંથી અનુભવવા લાગે છે.
શુક્ર ઉપરાંત બુધ પણ હોર્મોન્સના ઉદ્દીપન કાર્ય સાથે સંકળાયેલો છે. મોટાભાગે કુંડળીમાં શુક્ર અને બુધ યુતિ માં કે પછી આસપાસની રાશીમાં જ હોય છે. સૂર્ય પણ તેની નજીક જ હોય છે. જો સૂર્ય બુધ અને શુક્ર ત્રણે ગ્રહો જન્મકુંડળીમાં યુતિ કરતા હોય તો તેને વારસામાં ગમે તેવો દેહ મળ્યો હોય તેમ છતાં તે વયસ્ક થતાં પોતાની જાતને કેળવીને કે બદલીને સુધારી શકે છે. સૂર્ય સાથે બુધ હોવાના કારણે શુક્ર-સૂર્યની યુતિના અશુભ ફળ ઓછા મળે છે. કોઇ એક જ હોર્મોનલ ખામી મળે છે તો વળી કોઇ એક હોર્મોનલ વિશેષતા પણ મળે છે. જેથી ખામીને સિફતપૂર્વક ઢાંકી શકે છે. વળી જો શુક્ર અને બુધની જ યુતિ થતી હોય અને સૂર્ય ન હોય તો તે અવશ્ય કલાકાર બને છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સંગીત સમ્રાટોની કે ગાયકીના બાદશાહોની કુંડળીમાં આવી યુતિ જોવા મળે છે. શુક્ર અને બુધ યુતિમાં શુક્ર નીચનો અને બુધ સ્વગ્રહી થાય તો તેવા જાતકોને(કન્યામાં બુધ શુક્ર યુતિ) તો ઇનામ માન અકરામ મળે છે પરંતુ તેઓ ધૂની સ્વભાવના અને જીનિયસ હોય છે. પરંતું જો શુક્ર ઉચ્ચનો અને બુધ નીચનો (મીન રાશી)હોય તો તેવા જાતકો ગણિત અને પઝલ ઉકેલવામાં માહેર બને છે. તેમનું કદ અવશ્ય ઠીંગણું હોય છે. પરંતુ તેઓ મનના મજબુત હોય છે.
ત્રીજો ગ્રહ છે મંગળ, જન્મ કુંડળીમાં ચોથા, સાતમાં આઠમા કે બારમા સ્થાનમાં મંગળ હોય તો કુંડળી માંગલિક કહેવાય છે. આવા લોકો હોર્મોન્સના કારણે જ ઉતાવળીયા અને વિવિધતાના આગ્રહી બને છે.. તેમને ખુદ પર ભરોંસો હોય છે તેટલો અન્યો પર હોતો નથી. તેઓ જાતિય જીવનના ભોગવટામાં આક્રમક હોય છે આથી જ લગ્ન જીવનમાં ક્યારેક સમસ્યા સર્જાય છે. જો શુક્ર અને મંગળ કુંડળીમાં ભેગા થાય તો ઇન્દ્રીય સુખના ભોગવટામાં રચ્યાપચ્યા રહે છે તેમની સર્જનશક્તિ કુંઠીત થઇ જાય છે. જો બુધ અને મંગળ ભેગા હોય તો તેવા જાતકો ઠંડા અને આળસું બની જાય છે. જ્યારે શુક્ર બુધ અને મંગળ ત્રણે ગ્રહોની યુતિ તેમને કન્ફ્યુઝ બનાવે છે. પરંતુ જો શુક્ર મંગળ અને બુધનો જન્મકુંડળીમાં પરિવર્તન યોગ રચાતો હોય તો આવા જાતકો હોર્મોન્સથી બેલેન્સ અને સફળ બને છે.
શુક્ર સાથે ચંદ્રની યુતિ સ્વપ્નદૃષ્ટા અને વેદીયા બનાવે છે. જ્યારે શુક્ર સાથે ગુરુની યુતિ ધરાવનારા લોગો કફ પ્રકૃતિ વધી જાય છે જેથી વહેલા રોગના ભોગ બને છે. તેમને માથાના દુઃખાવાની કાયમ ફરીયાદ રહે છે. જો કે આ તમામ યોગોમાં અન્ય ગ્રહોની કુંડળીમાં સ્થિતી કેવી છે તે જોવું પણ એટલું જ મહત્વનું છે.