મહિલાઓને મૂંઝવતા મેનોપોઝના ચક્રને ગ્રહોની મદદથી કેવી રીતે ઓળખી શકાય?
સ્ત્રીનું શરીર કુદરતની કરામત છે. ગજબની ગૂઢ રચના કરી છે. એક પ્રજોત્પત્તી જેવી અજાયબ ઘટના માટે કિશોરાવસ્થાથી માસિક ધર્મની શરૂઆત થાય છે. જે આધેડ વય સુધી ચાલે છે. પરંતું જ્યારે આ કાર્ય કુદરતી રીતે સમાપ્ત થાય ત્યારે તેઓ માસિક ધર્મમાંથી નિવૃત્ત થાય છે. આ નિવૃત્તિને શાસ્ત્રકારોએ રજોનિવૃત્તિ ગણી છે. મેડિકલ સાયન્સ તેને મેનોપોઝ તરીકે ઓળખે છે. આ પ્રક્રિયા સ્ત્રીઓમાં 45-48 વર્ષની વયથી શરૂ થતી હોય છે આમ છતાં તેની ચોક્કસ વય નક્કી નથી. તે પ્રોસેસ 3થી 4 વર્ષ ચાલે છે. આ દરમ્યાન તેમના શરીરમાં હોર્મોન્સના ઘણા ફેરફારોના કારણે તેમનું મન ચકરાવે ચઢે છે. મૂડ સ્વીંગ્સ થવા, શરીરમાં સારુ નહિ લાગવું, ચીડીયાપણું થઇ જવું, ગમતું-ભાવતું હોય તે ન ગમતું થઇ જવું જેવા ફેરફારો થાય છે. જે તેમના અને તેમના પરિવાર માટે, પતિ સાથેના સહજીવન માટે અને બાળકો સાથેના તાલમેલ માટે ખતરનાક બની જાય છે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, શરીરમાં અંડ ઉત્પન્ન થવાનો કારક શુક્ર છે. તેને એક્ટિવેટ કરનાર મંગળ છે. અનુકુળ વાતાવરણ આપનાર ગુરુ છે. જ્યારે માસિક ધર્મનું ચક્ર ચંદ્રની ગતિ મુજબ હોય છે. હવે જ્યારે રજો નિવૃત્તિનો સમય આવે ત્યારે શુક્ર, ચંદ્ર, મંગળ અને ગુરુ આ ચાર ગ્રહો તેમાં પુરે પુરો ભાગ ભજવે છે. ગુરુ 12 વર્ષે એક રાશી ચક્ર ફરી રહે છે. એક અંદાજ મુજબ 13 વર્ષથી 48 વર્ષની વય સુધીમાં ગુરુના ચાર ચક્ર આ માસિક ધર્મને અનુકુળ વાતાવરણ સ્ત્રીના શરીરમાં ઊભું કરે છે.
જેમની કુંડળીમાં ગ્રહોની સ્થિતીમાં ગુરુ, ચંદ્ર અને શુક્ર શુભ રાશીમાં અને શુભ સ્થાનમાં પડેલા હોય તેમના જીવનમાં કોઇ પણ વિઘ્ન વગર આ ચક્ર ફરે છે. પરંતું જ્યારે ગુરુ-રાહુનો ચાંડાળ યોગ રચાતો હોય ત્યારે તેવા જાતકોને વહેલું મેનોપોઝ આવે છે. તો વળી શુક્ર અને મંગળ જો આઠમા સ્થાનમાં ભેગા હોય અને ગુરુની દૃષ્ટિ ન પડતી હોય તો તેવા જાતકોને મોડું મેનોપોઝ આવે છે. તેમને શરીરમાં પીસીઓડી એટલે કે ગર્ભાશય પણ પ્રોટિનની ગાંઠો થવાની પણ શક્યતા રહેલી છે.
જો સ્ત્રીની જન્મ કુંડળીમાં પહેલા સ્થાનમાં ગુરુ હોય અને શુક્ર મંગળ બંને કે એક ગ્રહ પર પણ ગુરુની દૃષ્ટિ પડતી હોય તો તેમનો મેનોપોઝનો ગાળો આસાનીથી નીકળી જાય છે. 4થા, 7મા અને 10મા સ્થાનમાં પણ ગુરુ શુક્ર અને મંગળ સાથે સબંધમાં હોય તો સ્ત્રીઓના શરીરનું ડિફેન્સ મિકેનિઝમ બરાબર કામ કરે છે. પણ જો ગુરુ પોતે જ નિર્બળ હોય, મકર રાશીનો હોય, આઠમા સ્થાનમાં રાહુ કે કેતું સાથે યુતિ કરતો હોય તો તેવા જાતકોને મૂડ સ્વીંગ્સ આવે છે.
જો ગુરુ અને ચંદ્રનો ગજકેસરી યોગ થતો હોય તો આવા મૂડ સ્વીગ્સ ટૂંકા અને ઓછી સારવાર કે કાઉન્સેલિંગથી ઉકેલાઇ જાય છે. જો ગુરુને બદલે ચંદ્ર રાહુ કે ચંદ્ર કેતુંની કુંડળીમાં યુતિ થતી હોય તો પણ મેનોપોઝનો ગાળો સ્ત્રીઓ માટે ખૂબ પરેશાની લાવે છે. તેમને સમજ નથી પડતી, એકલાપણું લાગે છે. બધા પોતાના કામોમાં ગૂંથાઇ ગયા અને પોતે જેના માટે આટલો ભોગ આપ્યો તેમને મારી કોઇ પડી નથી તેવા નકારાત્મક વિચારો આવે છે.
ગુરુ કેન્દ્રમાં હોય, ચંદ્ર સાથે સબંધમાં હોય અને શુક્ર-મંગળ ખાડાના ચોથા, આઠમા કે બારમા સ્થાને ન હોય તો આવી તકલીફ ઓછી થાય છે. ઘણી વખત શુક્ર અને ચંદ્રની યુતિવાળી મહિલાઓને પ્રિ-મેનોપોઝ લાંબા સમય સુધી ચાલે છે. એક વખત માસિક બંધ થઇ જાય પછી ફરીથી ચાલુ થાય, ફરી બંધ થાય તેવું પણ બને છે. આવા સમયે શરીરનું વજન વધવા માંડે, વાળ ખરે, રાતે ઊંઘ ઓછી થઇ જાય તેવી પણ તકલીફ થતી જોવા મળે છે. આમ તો શુક્ર ચંદ્રની યુતિ શુભ છે પણ મેનોપોઝ માટે જરા કાળજી લેવી જરૂરી બને છે.
એક વાત સમજી લેવાની જરૂર છે કે, શુક્ર રજો ધર્મ માટે મુખ્ય ગ્રહ છે. ગુરુ તેના માટે વાતવરણ ઊભુ કરનાર ગ્રહ છે. જો આ બે ગ્રહોની કાળજી લેવામા આવે, વેળાસર લક્ષણો પારખીને ગુરુના રાશીચક્ર મુજબ તેનું આયોજન કરવામાં આવે તો મેનોપોઝની પીડા ઘણાભાગે ટાળી શકાય તેમ છે. ખાસ કરીને શરીરમાં થતા ફેરફારો કુદરતના ક્રમ મુજબ જ છે. તમામે તેમાંથી પસાર થવું પડે તેમ માની તેને અવરોધ્યા વગર પસાર થવા દેવા તેમજ સંકોચ રાખ્યા વગર પરિવાર સાથે આ અંગે મુક્ત મને ચર્ચા કરવી
મેનોપોઝની આડ અસરોથી બચવા શું ઉપાયો કરવા
- 42 વર્ષ પછી ગુરુ જન્મના ગુરુ, શુક્ર કે મંગળ પરથી પસાર થાય ત્યારે ખાસ તબીબી પરિક્ષણ કરાવી લેવું
- ગુરુ જો શુક્ર પરથી પસાર થતો હોય તો કુંવારિકાઓને જમાડવી, ગાયને ભોજન કરાવવું
- ગુરુ જો ચંદ્ર પરથી પસાર થતો હોય તો 3 કેરેટનું મોતી શાસ્ત્રોક્ત રીતે ધારણ કરવું
- ગુરુ જો મંગળ પરથી પસાર થતો હોય તો વસ્ત્ર અને અન્નનું દાન કરવું.
- ગુરુ જો રાહુ કે કેતું પરથી પસાર થતો હોય તો કાળા કૂતરાને ખવડાવવું.
- ગુરુના જાપ કરવાથી , મહા મૃત્યુંજયના જાપ કરવાથી હંમેશા મન શાંત થશે.