કુંડળીમાં નબળો શનિ વાયુપ્રકોપ અને સાંધાની પીડા સર્જે છે.
શનિ દેવ નવગ્રહ પૈકી સૌથી મંદ ચાલતો ગ્રહ છે. તેનું તત્વ વાયુનું છે. મકર રાશી અને કુંભ રાશી પર તેમનું સ્વામીત્વ છે. મંગળની રાશી મેષમાં શનિદેવ નીચત્વ પ્રાપ્ત કરે છે અને શુક્રની રાશી તુલામાં શનિદેવ ઉચ્ચત્વ મેળવે છે. શનિને સૂર્ય, મંગળ, ચંદ્ર સાથે શત્રુતા છે અને બુધ સાથે તે સમ છે. જ્યારે ગુરુ અને શુક્ર સાથે શનિ મૈત્રીભાવથી રહે છે. તુલા અને મકર લગ્નની કુંડળીમાં શનિનું બળાબળ વ્યક્તિના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. શનિ વાયુતત્વનો દેવ હોવાથી તેની અસરો પગ, પગની પાની, પગનું તળિયું, શરીરના સાંધા, મસલ્સ અને વાયુના વિકાર સાથે લેવા દેવા ધરાવે છે.
જ્યારે જન્મ કુંડળીમાં શનિ દેવ લગ્નેશ હોય ત્યારે એટલે કે મકર કે કુંભ રાશીનું લગ્ન હોય ત્યારે જો શનિ નીચનો પડેલો હોય તો વ્યક્તિને બાલ્યાવસ્થામાં જ સ્નાયુની પીડા થાય છે. તે મોડો ચાલતાં શીખે અને તેને સ્વાદ ઓળખવામાં કે રંગ ઓળખવામાં તકલીફ પડે છે. પરંતું જો આ જ લગ્નોની કુંડળીમાં શનિ તુલા રાશીનો હોય તો તેને જન્મના 28 વર્ષ સુધી કોઇ મોટી શારીરિક પીડા ભોગવવી પડતી નથી. છે તુલા રાશીમાં હોય છે ત્યારે શનિ સૌથી સારો રોગપ્રતિકારક બને છે. વળી તમામ ગ્રહો જ્યારે છટ્ઠા સ્થાને હોય ત્યારે અશુભ બને છે પણ શનિદેવ કોઇ પણ લગ્નની કુંડળીમાં છઠ્ઠા સ્થાને હોય તો તેવી વ્યક્તિને વારસાગત રોગ સિવાય કોઇ મોટી પીડા ભોગવવી પડતી નથી.
શનિ ગ્રહમંડળનો સૌથી છેલ્લો ગ્રહ છે. તે એક રાશીમાં અઢી વર્ષ રહે છે. આથી શનિના કારણે ઊભી થયેલી પીડા લાંબી ચાલે છે. શનિ મેષ રાશીમાં કર્ક રાશીમાં અને સિંહ રાશીમાં હોય ત્યારે તે જન્મકુંડળીના જે સ્થાનમાં પડેલો હોય તે સ્થાન જે અંગનું પ્રતિનિધિત્વ કરે છે તે અંગની પીડા કરાવે છે. જેમની કુંડળીમાં શનિ અને મંગળની યુતિ થતી હોય તેવા જાતકોને તે જ રાશીમાંથી જ્યારે મંગળ પસાર થાય ત્યારે અકસ્માત થવાની શક્યતા ઊભી કરે છે. શસ્ત્રની ધાત થાય કે પછી અગ્નિની બળવાના યોગ પણ સર્જાય છે. આવી યુતિવાળા જાતકોને વહેલી ઉઁમરમાં ઘૂંટણના સાંધા ધસાઇ જવા, હિપ બોન કે કમરના દુઃખાવાની તકલીફ પણ સર્જાય છે.
તો વળી જ્યારે શનિ અને સૂર્ય એક જ રાશીમાં આવે ત્યારે પિતૃદોષ થાય છે. આવા જાતકોને માથાના દુઃખાવાની કાયમી પીડા થાય છે. સાયનસ, નસકોરી ફૂટવી, લમણાં દુઃખવા, ઓક્સિજન મગજ સુધી નહિ પહોંચવો અને ખુબ નકારાત્મક વિચારો આવવાની તકલીફ થાય છે. તેમાં પણ જો સૂર્યની ઉચ્ચ રાશી મેષ કે સ્વગ્રહી રાશી સિંહમાં સૂર્ય અને શનિની યુતિ થાય ત્યારે જાતકોને 40થી 50 વર્ષમાં હેમરેજ થવું, લોહીનો ક્લોટ થવો, કોઇ મગજની નસ પર નાનું ટ્યુમર થવા જેવા રોગ થવાની શક્યતા જોવાય છે. આવા જાતકોને 52 વર્ષની વય પછી બહેરાશ અવશ્ય આવે છે.
જ્યારે શનિનો ત્રીજો શત્રુ ગ્રહ છે ચંદ્ર, શનિ અને ચંદ્ર જયારે કોઇ પણ લગ્નની કુંડળીમાં એક જ રાશીમાં યુતિ કરે ત્યારે વિષ યોગ થાય છે. તેના કારણે બચપનમાં બાળકોને ફૂડ પોઇઝનિંગ થવાની, પેટમાં કોલન ઇસ્યૂના કારણે પેટના દુઃખાવાની તકલીફ રહે છે. યુવા વયમાં ખોરાકની તામસી પસંદગીના કારણે આવા જાતકોને ચામડીના રોગ, ખીલ થવા, વાળ કે નખ ફાટી જવા જેવી તકલીફ થાય છે. ચંદ્રના કારણે મન પર ખરાબ અસરો પડે છે. અન્યોના પોતાના વિશેના પ્રતિભાવે પ્રત્યે આવા જાતકો વધારે સેન્સીટિવ બને છે. તેમનો ઉછેર જો યોગ્ય રીતે થાય તો તેઓ મનોવૈજ્ઞાનિક કારણોસર ચિઢીયા કે નેગેટિવ બનતા નથી.
શનિ વક્રી થાય ત્યારે જેમની કુંડળીમાં શનિ માર્ગી છે તેમને તકલીફ થાય છે. વળી મોટી કે નાની પનોતીના સમયમાં પણ તબક્કાવાર અશુભ ફળ મળે છે. સાડાસાતીમાં પનોતીના બીજા તબક્કામાં આરોગ્યની પીડા આવે છે.
શનિના પ્રકોપથી બચવા શું કરવું..
હનુમાન ચાલીસા કે સુંદર કાંડના પાઠ કરવા
શનિદેવના દર્શન કરવા, શનિવારના ઉપવાસ કરવા.
શનિદેવના મંત્ર ઓમ શનૈશ્ચરાય નમઃ મંત્રના જાપ કરવા
કાળા વસ્ત્રોનું દાન કરવું, અડદ કે લોખંડનું દાન કરવું
શ્રમદાન કરવું, ચર્મરોગીઓની સેવા કરવી,
સૂર્યને જળ ચઢાવવું, પાણીયારે સંધ્યાકાળે દીવો કરવો.