દરેક લગ્નની કુંડળીમાં કેવા ગ્રહો હ્રદયરોગનું નિમિત્ત બને?
હ્રદય શરીરનું પંપીંગ સ્ટેશન છે. શરીરના અન્ય અવયવોનું આયુષ્ય ગમે તેટલું હોય પણ આખા શરીરનું આયુષ્ય તો માત્ર હ્રદયના આયુષ્ય પરથી જ નક્કી થાય છે. જન્મકુંડળીમાં ચોથુ સ્થાન હ્રદય ભુવન કહેવાય છે. હ્રદયમાં લોહીને ધક્કા મારવાનું કામ થાય છે. રક્તનો દેવ મંગળ છે. હ્રદય સ્નાયુઓનું બનેલું છે. તેમાં ઇલાસ્ટીસીટિ હોય છે. તેનો કારક બુધ છે. હ્રદય શરીરનો રાજા છે. માટે સૂર્ય પણ હ્રદય પર અસર કરે છે. તો કુલ મળીને સૂર્ય, બુધ અને મંગળ જન્મકુંડળીમાં હ્રદયના કારક છે. અને આ ત્રણ ગ્રહોના શુભત્વ પરથી જ જન્મતાં વ્હેત વ્યક્તિને કેવું હ્રદય મળશે તેનો આધાર રહેલો છે. જેની જન્મકુંડળીમાં ચોથા સ્થાન સાથે સબંધિત સૂર્ય, રાહુ સાથે અશુભત્વ મેળવે કે પછી સૂર્ય તુલા રાશીમાં ચોથા સ્થાને નીચનો હોય ત્યારે બાળકને જન્મથી જ નબળું હ્રદય મળે છે. તો વળી મંગળ પણ જો ચોથા સ્થાને અશુભ થયો હોય, કર્ક રાશીમાં ચોથા સ્થાને મંગળ હોય કે પછી ચોથા સ્થાનનો સ્વામી બનીને મંગળ આઠમા સ્થાનમાં રાહુ કે કેતુ સાથે હોય તો પણ બાલ્યાવસ્થાથી જ નબળુ હ્રદય મળે છે.
જે ત્રણ ગ્રહો હ્રદયની મજબૂતી સાથે લેવા દેવા રાખે છે તેના શત્રુ ગ્રહો હંમેશા હ્રદયને બગાડવા માટે નિમિત્ત બને છે. સૂર્ય સાથે શનિ, રાહુની શત્રુતા છે. મંગળ સાથે રાહુ અને શનિની શત્રુતા છે જ્યારે બુધ સાથે ચંદ્ર અને શનિ ઉપરાંત રાહુની પણ શત્રુતા છે. આ કારણોથી જ્યારે સૂર્ય મંગળ કે બુપ શનિ ચંદ્ર કે રાહુ સાથે પડેલા હોય ત્યારે વ્યક્તિને 30 વર્ષની ઉંમર પછી હ્રદયની તકલીફ ઊભી થાય છે. ખાસ કરીને ચોથા સ્થાનનો સ્વામી છઠ્ઠા, આઠમા કે બારમા સ્થાનામાં બિરાજમાન હોય, તેની સાથે શત્રુ ગ્રહ હોય કે તેના પર શત્રુ ગ્રહની દૃષ્ટિ પડતી હોય તો અવશ્ય તેવા જાતકોને શરીરમાં હ્રદયને લગતી બિમારી કે પીડા ઊભી થવાની શક્યતા જોવા મળે છે.
સૂર્યના કારણે હ્રદયમાં જન્મજાત ડિફેક્ટ આવે છે, તો વળી બુધના કારણે શરીરમાં ઇલાસ્ટિસિટિનો પ્રોબ્લેમ આવે છે. જ્યારે મંગળના લીધી લોહીમાં ક્લોટ બનવાની અને કોલોસ્ટોરોલ વધવાની તકલીફ થાય છે. જ્યારે હ્રદયનું કારકત્વ ધરાવતા ત્રણ ગ્રહો સૂર્ય, મંગળ અને બુધ પૈકી કોઇ બે ગ્રહોની યુતિ થતી હોય ત્યારે જો તેનું કોઇ રીતે ચોથા કે છઠ્ઠા સ્થાન સાથે જોડાણ થતુ હોય તો તેવા જાતકોને વારસાગત કારણોસર હ્રદયની બિમારીનો ભોગ બનવું પડે છે.
સૂર્ય અને બુધ ઘણી બધી કુંડળીમાં એક સાથે જ જોવા મળે છે. જો કન્યા રાશીમાં સૂર્ય અને બુધની યુતિ થતી હોય અને તે ત્રીજા પાંચમા કે નવમા સ્થાનમાં હોય તો તેવા જાતકોનું મેટાબોલીઝમ ઘણું મજબૂત હોય છે. તેમને હ્રદયની તકલીફ થાય તેવી સંભાવના ઓછી છે. મેષ લગ્નના જાતકોની કુંડળીમાં જો મંગળ આઠમા સ્થાનમાં હોય તો માતાના વારસાથી હ્રદય રોગ થવાની સંભાવના છે. વૃષભ લગ્નના જાતકમાં આઠમા સ્થાનનો માલિક બુધ બારમા સ્થાનમાં પડેલો હોય અને ચોથા સ્થાનો સ્વામી સૂર્ય પણ બારમા સ્થાનમાં પડેલો હોય અને ચોથા કે છઠ્ઠા સ્થાન પર ગુરુની દૃષ્ટિ ન પડતી હોય તો શિરા અને ધમનીઓમાં સમસ્યા સર્જાય છે. મિથુન લગ્નની કુંડળીમાં બુધ લગ્નેશ અને ચતુર્થેશ બને છે. જો આવી કુંડળીમાં મંગળ સાથે બુધ 10મા સ્થાને યુતિ કરતો હોય તો પિતાના જિન્સના કારણે શરીરમાં કોલેસ્ટોરોલ કે ટ્રાઇગ્લિસિરાઇડ વધે છે અને હ્રદય રોગની સંભાવના વધે છે. કર્ક લગ્નના જાતકોને આઠમા સ્થાનમાં ચંદ્ર અને શુક્રની યુતિના કારણે મોસાળના વારસાથી હ્રદય રોગ થવાની શક્યતા દેખાય છે. જો સિંહ લગ્ન હોય અને સૂર્ય આઠમા સ્થાનમાં હોય તો પિતા તરફથી વારસાગત કારણોસર હ્રદય રોગ થવાની સંભાવના છે. કન્યા લગ્નના જાતકોમાં ગુરુ અને રાહુનો ચાંડાળયોગ 10માં સ્થાનમાં થતો હોય તો વ્યક્તિને ઓક્સિજનની ઉણપના કારણે હ્રદયને પુરતું પોષણ નહિ મળવાની તકલીફ સર્જાય છે. તુલા લગ્નના જાતકોમાં જો શુક્ર અને ચદ્ર ની યુતિ આઠમા સ્થાનમાં થતી હોય તો ડાયાબિટીશના કારણે હાર્ટની સમસ્યા સર્જાય છે. વૃશ્ચિક લગ્નમાં શનિ અને રાહુનો શ્રાપિત યોગ પાંચમા સ્થાનમાં થતો હોય તો પિતૃદોષ સર્જાય છે. તેના કારણે હ્રદયની પીડા ઊભી થાય છે. તો વળી ધનું લગ્નમાં ચોથા સ્થાનનો સ્વામી પણ ગુરુ જ છે. જો તે લગ્ન સ્થાનમાં હોય અને સાતમા સ્થાનમાં રાહુ હોય તો લગ્ન પછી હ્રદયની તકલીફ ઊભી થાય છે. મકર લગ્નમાં મંગળ ચોથા સ્થાનમાં હોય અને સામે સૂર્ય દશમા સ્થાનમાં હોય ત્યારે હ્રદય પર ભાર પડે છે. કુંભ લગ્નમાં શુક્ર અને ચંદ્ર સાથે જો રાહુની યુતી વૃશ્ચિક રાશીમાં થાય તો તે હ્રદય પહોળુ થવાની તકલીફ સર્જે છે. જ્યારે મીન લગ્નમાં ચંદ્ર અને રાહુની યુતિ છઠ્ઠા કે આઠમા સ્થાનમાં સર્જાય તો માનસિક બિમારીના કારણે, ખોરાકની અનિયમિતતાના કારણે મોટી ઊંમરે હ્રદયની પીડા થાય છે.