બોર્ડની પરીક્ષાનો હાઉ દૂર કરવામાં ગ્રહો શું મદદ કરી શકેઃ ટિપ્સ એન્ડ ટ્રિક્સ
માર્ચ મહિનો આવતાં જ બોર્ડ પરીક્ષાનો હાઉ વિદ્યાર્થીઓના મનમાં ઘર કરી જાય છે. આખુ વર્ષ જ ખબર હોય કે દિકરો કે દિકરી 10મા કે 12મામાં છે. બોર્ડની પરીક્ષા આપવાની જ છે. તૈયારી પણ પુરી કરવી જ પડશે. સ્કૂલ્સની સાથે સાથે ટ્યુશન્સ અને અન્ય તૈયારીઓ માટે પણ આગલા ધોરણના વેકેશનની બેચ શરૂ થઇ જતી હોય છે. છતાં માર્ચ ઇઝ માર્ચ, જાણે યુદ્ધની રણભેરી ગાજી ઉઠી છે, કરો યા મરોના નારા સાથે વિદ્યાર્થીઓ ભવિશ્યનો કિલ્લો સર કરવા યા હોમ કરીને કૂદી રહ્યા હોય તેવો ભાવ ચારે કોર વર્તાય છે. શું છે માર્ચ મહિનાનું ગણિત. ઉનાળો પા પા પગલીએ આવી રહ્યો હોય.શિયાળાની વસમી વિદાય હોય. હજું વેલેન્ટાઇન્સ ડેની ઉજવણીની મીઠી યાદો મન પર મોરપીંછ ફેરવી રહી હોય. ત્યારે જ બોર્ડ પરીક્ષાના પડઘમ ગાજવા માંડે અને વિદ્યાર્થીઓના ગાત્રો શિથીલ થવા માંડે તેમ છે. હવે આ વર્ષે પણ બોર્ડ પરીક્ષાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે હોશિંયાર કે ઓછા હોંશિયાર, મહેનતું કે આળસું જેવા વિદ્યાર્થીઓના વિભાગ પાડ્યા વગર જ આપણે ગ્રહોની દૃષ્ટિએ બોર્ડની પરીક્ષા માટે કેવું મનોબળ કેળવવું જોઇએ, કેવી તૈયારી કરવી જોઇએ. યાદશક્તિ અને વિષયોમાં ગમતા-અણગમતાનું ગણિત ગણીને સારા ગુણ મેળવવા શું કરવું જોઇએ તે વિષે જોઇએ.
માર્ચ મહિનો હોય એટલે પહેલા 15 દિવસ કુંભ રાશીનો સૂર્ય છે. હાલમાં કુંભ રાશીમાં કેતું પસાર થાય છે. કેતું અનિર્ણાયકતાનો ગ્રહ છે. તેના પરથી સૂર્ય પસાર થતાં ગ્રહણ યોગ સર્જાશે. પણ 15મી માર્ચ પછી સૂર્ય મીન રાશીમાં પ્રવેશ કરી લેશે.સામાન્ય રીતે માર્ચના બીજા કે ત્રીજા સપ્તાહમાં જ બોર્ડની પરીક્ષા લેવાતી હોય છે એટલે સૂર્યની કુંભ અને મીન સંક્રાતિમાં જ પરીક્ષાકાળ શરૂ થશે. આ સમયે શનિ ધનું રાશીમાં અને ગુરુ કન્યા રાશીમાં છે. વિદ્યાનો કારક ગ્રહ ગુરુ છે. તે બુધના ઘરમાં છે એટલે એમ કહી શકાય કે ધો. 10ની પરીક્ષામાં પ્રશ્નપત્રો પ્રમાણમાં સરળ રહેશે. ધો. 12 સાયન્સના એ ગ્રુપમાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થી પાસે પરીક્ષકોને વધુ અપેક્ષા હોવાથી તેના પેપર્સ ખાસ કરીને ગણિત અને ફિજીક્સના અઘરાં નીકળે તેવી શક્યતા છે. તો વળી ગ્રુપ બી લેનારા વિદ્યાર્થીઓ માટે ગ્રુપ એ કરતાં પરીક્ષા પ્રમાણમાં સરળ રહેશે.
દરેક રાશીના બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે કેવા જ્યોતિષશાસ્ત્રીય ઉપાયો તેમને યાદશક્તિ અને નસીબની સાથીદારીમાં મદદ કરશે તે રાશી વાર જોઇએ.
મેષ રાશીઃ મેષ રાશીને આ વર્ષે જ શનિની નાની પનોતી ઉતરી ગઇ છે આથી તેમને પરીક્ષામાં સારી તૈયારીનું સારું પરિણામ મળશે. જો કે છઠ્ઠા સ્થાનમાં ગુરુનું ભ્રમણ થોડી આરોગ્યની પરેશાની ના કરે માટે ખાવા પીવામાં કાળજી લેવી અને ખાસ કરીને ગુરુવારે શિવજીના મંદિરે દર્શનાર્થે જવું
વૃષભ રાશીઃ આ રાશીને શનિની નાની પનોતી શરૂ થાચ છે. આ રાશીના બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓએ કુળદેવીના નામ મંત્રનો જાપ કરવો. મનની સ્થિરતા ડગમગાવે તેવો યોગ હોવાથી બ્રેક લઇને વાંચવું એકધાર્યું વાંચવાનું ટાળવુ શક્ય હોય તો મિત્રોની સોબતમાં વાંચવું, સૂર્યને જળ ચઢાવવાથી એકાગ્રતા વધી શકે છે.
મિથુન રાશીઃ આ રાશીના વિદ્યાર્થીઓએ ઓવર કોન્ફીડન્સ રાખવો નહિ. તૈયાર કરી લીધેલા વિષયો પર પણ વધુ એક વખત નજર નાંખી લેવી. ખાસ કરીને ભાષકીય વિષયમાં તેમને તકલીફ પડી શકે તેમ છે. લખી લખીને તૈયારી કરવાથી આળસ નહિ આવે અને તમારા ગ્રહો તમને બોર્ડ પરીક્ષાનો અનુભવ વધુ આત્મવિશ્વાસ આપે તેમ બની શકે છે.
કર્ક રાશીઃ કર્ક રાશીના વિદ્યાર્થીઓએ અન્ય સાથીદારોને મદદ કરવાની વૃત્તીથી જરા બચીને ચાલવા જેવું છે. તમારી પરીક્ષા સમયની એસેસરીસ ખાસ એડવાન્સમાં તૈયાર કરી દેવી અને પરીક્ષાના સમય કરતાં થોડા વહેલા પરીક્ષાના સ્થળ સુધી પહોંચવું જોઇએ. તમારા મંગળની સ્થિતીના કારણે પરીક્ષા સમયે ઘર કે પરિવારના કોઇ કારણો તમારા મનને વિચલિત કરે તેમ ના બને તે માટે દર મંગળવારે માત્ર ગણેશજીના પૂજન કરી તેમને લાલ રંગનું ફૂલ અર્પણ કરવું જોઇએ.
સિંહ રાશીઃ તમે પણ આ વર્ષે શનિની નાની પનોતીમાંથી બહાર આવ્યા છો. તમારો જાન્યુઆરી મહિના પછી અભ્યાસના આયોજનનો સમય વધારે સફળતાથી પુરો કરી શક્યા છો. તમારે માત્ર એ જ રૂટિન જાળવી રાખવાનું છે. તમારા પ્રયાસોને સફળતા મળશે પણ અન્યોની ટીકા સાંભળીને મન વિચલીન ન કરશો. સોમવારે શિવપૂજન અને વડીલોના આશિર્વાદ મદદ કરશે.
કન્યા રાશીઃ તમારી નાની પનોતીની શરૂઆત જરૂર થઇ છે પણ શનિ મંદ ગ્રહ હોવાથી તેની અસરો તમને થાય તે પહેલાં તો તમારી પરીક્ષા પુરી થઇ જશે. ભ્રમ અને ખોટા લોકોની સલાહો સાંભળવી નહિ. ફલાણું જ પુછાશે અને ફલાણું નહિ પુછાય તેવા વાદ વિવાદમાં પડવાને બદલે તમારે અંતરાત્માના અવાજ પર ધ્યાન આપવું. ઘરમાં કુળદેવીનો ફોટો હોય તો ત્યાં બેસી 11 વખત ઓમ ઐ રિં ક્લીં ચામુંડાયૈ વિચ્ચ્યૈ નમઃ મંત્રનો 11 વખત જાપ કરીને જ પરીક્ષા આપવા જવું.
તુલા રાશીઃ તમારી રાશી માટે ગ્રહોનો સંકેત ઘણો શુભ છે. તમે પૂર્વ તૈયારી કરીને જ આગળ વધો તેવી પ્રકૃતિ ધરાવો છો પણ તમારે એ સાચવવાનું છે કે અન્યોની ભૂલના કારણે તમારે કોઇ મુશ્કેલી સહન કરવી ના પડે. ગ્રહોની દૃષ્ટિએ તમારી રાશીનો સ્વામી શુક્ર છે. પરીક્ષા આપવા જતાં પહેલા રોજ અવશ્ય કાંઇક ગળ્યું ખાઇને જશો તો શુભત્વ વધશે.
વૃશ્ચિક રાશીઃ આ રાશી આખા ગયા વર્ષે શનિના પ્રભાવ હેઠળ હતી અને આ વર્ષે પણ મધ્યભાગમાં વક્રી શનિના પ્રભાવમાં છે. શનિ મંદતાનો કારક છે. તમારે લખવાની ઝડપ વધે તેવા પ્રયત્નો કરવા જોઇએ. પરીક્ષામાં રોકડીયા પ્રશ્નોના જવાબ પહેલાં લખી નાંખશો. સમય બચે અને અક્ષર સારા નીકળે તેવા પ્રયત્નો કરવા જોઇએ. પિતૃનારાયણના આશિર્વાદ તમારી સાથે છે. પરીક્ષાખંડમાં આસપાસ શું ચાલે છે તે જોવામાં સમય બગાડવો ના જોઇએ.
ધનું રાશીઃ તમારી રાશીના જાતકો પણ શનિના પ્રભાવ હેઠળ છે પણ આ રાશીને ગુરુનું શુભત્વ મળેલું છે. તમારા ગ્રહોના કારણે તમને શનિની પનોતીનો બીજો તબક્કો હોવા છતાં નેગેટિવ અસર ના મળે તેમ કરવું હોય તો દરરોજ હનુમાનજીના મંદિરે દર્શન કરીને પરીક્ષા આપવા જવું. સાથે કેસરી રંગનો રૂમાલ રાખવાથી પણ ફાયદો થશે.
મકર રાશીઃ તમારી રાશી હાલમાં શનિની સૌથી નકારાત્મક અસરો હેઠળ છે. કોણે કેવી તૈયારી કરી છે. મને હવે શું નથી આવડતું, ગયા વર્ષે તો આવું પુછાયું હતું. જેવાં વિશ્લેષણો તમારો આત્મવિશ્વાસ ડગમગાવી ના દે તે જોશો. તમારા માટે ઓમ ગં ગણપતયે નમઃ મંત્રનો જાપ કરવો જ શ્રેષ્ઠ ઉપાય છે. પગ હલાવ્યા કરવા, આંગળીઓના ટચાકા ફોડવા જેવા લક્ષણો ટાળજો.
કુંભ રાશીઃ આ રાશી શનિની રાશી છે તમારા ગ્રહો તમને તૈયારીની સાથે સાથે નસીબનો પણ ઉત્તમ સાથ આપવાના છે.તમે તૈયાર કરેલા પ્રશ્નો જ પુછાય અને તમને અઘરા લાગતા વિષયોના પેપર પણ સહેલાં નીકળે તેમ છે.
મીન રાશીઃ તમારી રાશીમાં સૂર્યનું ભ્રમણ છે. જેવી તૈયારી તેવી પરીક્ષા થશે. તમારે શિવપૂજન કરવું જોઇએ અને ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવાથી પરીક્ષામાં નસીબ અને મહેનતનો સુભગ સમન્વય થશે.