પિતૃઋણ એક બોજો જે ઉપાડવામાં અને ઉતારવામાં બંન્નોમાં ફાયદો જ છે
.24મી સપ્ટેમ્બરથી સોમવારથી શરૂ થાય છે પિતૃઓનો પક્ષ, પિતૃઓ એટલે આપણા પૂર્વજો. જેના ડીએનએ આપણામાં છે. જેણે કરેલી મહેનતનું ફળ આપણે ચાખીએ છીએ અને ભૂલોનો ભોગ પણ આપણે જ બનીએ છીએ. પિતૃઓ એટલે જેના વગર તમારું અસ્તીત્વ જ શક્ય નથી. પેઢી એટલે જનરેશન, જનરેશન જોડે ગેપ શબ્ધ એટલી બધી વાર વપરાયો છે કે જાણે ટ્વીન્સ વર્ડ હોય તેમ લાગે છે. એક્ચ્યુઅલી જનરેશન બ્રિજ પણ હોય છે. એક પેઢીથી બીજી પેઢીને બેઠે બેઠું જે જાણવા, માણવા કે વાપરવા મળી જાય છે તે છે. જનરેશન બ્રિજ. હા, એ જુદી વાત છે કે કોઇ પણ પેઢી આગલી પેઢીના જનરેશન બ્રિજ બાંધવામાં આપલા ફાળાનું ગુણગાન ગાવા કરતાં તેણે કરેલી ભૂલો, મૂર્ખામીઓની બદબોઇ કરવામાં પોતાને વધારે મોર્ડન સમજે છે.
જૂનું હોય તેને ક્લાસીક કહેવાનો રિવાજ આર્ટમાં છે. જુનું હોય તેને આઉટ ઓફ ડેટ ગણવાનું અભિમાન યુવાનોમાં છે. તો વળી પરંપરાવાદી પેઢી જૂનું હોય તેને શંખમાંથી ઢળ્યું તે ચરણામૃત જ ગણવાની બેહોશીમાં પણ રાચે છે. જો કે પરાણે આપવો પડે તેને રિસ્પેક્ટ ન કહેવાય, ડરીને આપવો પડે તેને પ્રેમ ન કહેવાય, લાલચમાં કરીએ તેને પૂજા ન ગણી શકાય અને આદતથી કરીએ તેને રસ ન ગણી શકાય. આવી જ રીતે પિતૃઓનો મહિનો આવે તેટલે શ્રાદ્ધ કરવાની હોડ શરૂ થાય છે. પિતૃઓનું ઋણ ચૂકવવામાં પોતાને વધું આજ્ઞાકારી કે ધાર્મિક ગણાવવા સાથે નવી પેઢીને સંસ્કાર આપવાની પણ લાલચ રહી હોય છે. પિંડદાન કે તર્પણનો સાચો અર્થ કે તેને કરવાનો મતલબ સમજ્યા સિવાય દૂધપાક અને પુરીની મિજબાની સાથે શ્રાદ્ધ પુરું કર્યાનો સંતોષ મેળવી લેવાય છે. બ્રાહ્મણ ભોજન, ગાય અને કૂતરાંને ખવડાવવા કે પછી અન્ય કોઇ દાન પૂણ્ય કરવાના ઓરતા વાવરની જેમ ભાદરવા મહિનાના પાછલા 15 દિવસ માટે જોર પકડે છે. શુભ કાર્યને પડતું મૂકીને પૂણ્ય કાર્યમાં પરોવવાના આ પંદર દિવસ આડંબર અને આત્મશ્વાઘાના પર્યાય બની જાય છે.
વાસ્તવમાં શું પિતૃઓ હોય છે, તેઓ રિસાય કે રિઝાય છે. તેમને પિંડદાન કરવાથી કે તર્પણ કરવાથી તૃપ્તી મળે છે. આવા કેટલાય સવાલો નવી પેઢીના મનમાં હશે પણ જો તે પુછવાની જુરરત કરે તો તેમને નાસ્તિકનું લેબલ લગાવી દેવાય છે. અને જો તેઓ પુછ્યા વગર, જાણ્યા વગર સમજયા વગર કરે તો નવી પેઢીની જિજ્ઞાસાનું હિર ચૂસાચ છે.તેઓ વડીલોના ઇશારે શ્રાદ્ધ તો કરે છે પણ તેમાં તેમની શ્રદ્ધા નથી હોતી. યંત્રવત કામગીરી થાય છે. અને તેના કારણે સંસ્કાર સિંચન થવાને બદલે ગાડરિયા પેઢીનું સર્જન થાય છે.