ગુરુનું તુલા રાશીમાંથી વૃશ્ચિક રાશીમાં પરિભ્રમણ અને તેની દરેક રાશી પર અસરો
ગુરુ છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી તુલા રાશીમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તા. 11મી ઓકટોબરે સાંજે 19-18 કલાકે ગુરુ તુલા રાશીમાંથી વૃશ્ચિક રાશીમાં પ્રવેશ કરશે. વૃશ્ચિક રાશી મંગળની રાશી છે ગુરુ અને મંગળ વચ્ચે સ્વાભાવિક મૈત્રી છે. ગુરુ શુભ ગ્રહ છે જ્યારે મંગળ ક્રૂર ગ્રહ છે. ગુરુના વૃશ્ચિક રાશીના પ્રવેશ સમયે ચંદ્ર રાશી તુલા છે. જ્યારે સૂર્ય રાશી કન્યા છે. નવરાત્રીનો બીજો દિવસ અને તિથી મુજબ ત્રીજું નોરતું છે. પ્રવેશના દિવસે ગુરુ ચંદ્રથી બીજા સ્થાને અને સૂર્યથી ત્રીજા સ્થાને જશે. માટે પ્રવેશના દિવસે ચંદ્ર સાથે દ્વિદ્વાદર્શક યોગ અને સૂર્ય સાથે ત્રીરેકાદશ યોગ રચશે. ગુરુનું વૃશ્ચિક રાશીમાં ભ્રમણ 30મી માર્ચ 2019 સુધી રહેશે. આ દરમિયાન ગુરુના પરિવર્તનના કારણે દેશ-દુનિયા પર, રાજકારણ-અર્થકારણમાં અને વ્યક્તિગત રીતે પણ અનેક ફેરફાર લાવશે.
મેષઃ આ રાશીના બારમા અને નવમાં સ્થાનનો સ્વામી ગુરુ છે. જ્યારે ગુરુ તમારા ચંદ્ર રાશીથી આઠમા સ્થાનમાંથી આ સમય દરમિયાન પસાર થશે. આ ભ્રમણ મેષ રાશીના જાતકો માટે શુભ નથી. આ સમયમાં તમારે આરોગ્ય વિષયક સમસ્યાઓનો સામનો કરવો પડે. અણગમતી યાત્રા કરવી પડે. નાણાંકીય મુશ્કેલીઓ સર્જાય. લગ્ન વિષયક વાતો પડી ભાંગે. એપ્રિલ મહિના સુધી નવું ઘર ખરીદવાના કામકાજ માટે રાહ જોવી પડે. હા, જેમને કોઇ પ્રોપર્ટી વેચવાની હોય તેમને અવશ્ય સફળતા મળે. પરિવારમાં જો ખલેલ હોય તો તેમાં ઘર છોડીને જુદા રહેવા જવાના યોગ સર્જાઇ શકે છે. સંતાનો સાથે મતભેદ સર્જાય. ખોટા ખર્ચ વધી જાય અને મનની શાંતિ જોખમાય તેવા પ્રસંગોનો સામનો કરવો પડે તેમ છે. અભ્યાસ કરતા વર્ગને રિસર્ચ માટે નવી દિશા મળે, અગમ્ય, રહસ્યમય બાબતો તમારી સામે ખુલી પડે. કેટલાક અજાણ્યા લોકો સાથે ઘનિષ્ટતા બાંધવાના યોગ પણ છે. લોહીની તપાસ કરાવી લેવી કારણે કે વારસાગત રીતે જો બ્લડ પ્રેશર કે ડાયાબિટીશ જેવી બિમારી હોય તો તેનો ભોગ બનવાની પણ શક્યતા રહેલી છે. પગની પીડાના કારણે જે લોકો સર્જરી કરાવવાનું ટાળી રહ્યા હોય તેમના માટે સર્જરી ફરજિયાત બની જાય તેવા પણ યોગ છે.
વૃષભઃ તમારી રાશીથી સાતમા સ્થાનમાં ગુરુનું ભ્રમણ થઇ રહ્યુ છે. આ ભ્રમણ શુભ છે. લગ્નોત્સુકો માટે સારા સમાચાર આવે. પાર્ટનરશીપમાં બિઝનેશ શરુ કરવા ઇચ્છનારા લોકોને આ ભ્રમણ ખૂબ ફાયદો કરાવે છે. જેમના એંગેજમેન્ટ થયા હોય તેમને આ સમયગાળામાં લગ્ન કરવાના ઉત્તમ યોગ થાય છે. નવી પ્રોપર્ટી ખરીદવાના, લાંબાગાળા માટે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાના યોગ છે. જો કે ગુરુની બેઠક ખરાબ હોવાના કારણે જેની જોડે લેણાદેણી ન હોય તેવા ભાગીદારો સાથે ધંધો કરવાના નિર્ણય જોખમી સાબિત થાય તેમ છે. તમારી તમારી સાથે ઓળખ થાય. કેટલાક તત્વચિંતનાત્મક પ્રયોગ કરવાની હિંમત વધી જાય. તમારા અનુભવો તમને મજબૂત બનાવે. કોની સાથે કેટલો સબંધ રાખવો અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેની સમજ વિકસે. ગુરુ સાતમા સ્થાનેથી પાંચમી દૃષ્ટી લાભ સ્થાન પર અને દશમી દૃષ્ટી ચોથા સ્થાન પર કરે છે. તેના કારણે માતાના આરોગ્યમાં સુધારો દેખાય. નોકરી બદલવાની ઇચ્છા ધરાવતા હોવ તો તેમાં સારી જગ્યાએ તક મળે. વિદેશ જવાના પ્રયત્નોમાં પણ સફળતા મળે. મનની શાંતિ વધે તેવા પ્રસંગો બને. સમાજમાં માન વધે અને પરિવારમાં નવી ઓળખ બને તેવા પણ યોગ છે.
મિથુનઃ તમારી રાશીથી છઠ્ઠા સ્થાનમાં ગુરુનું ભ્રમણ થાય છે. તમારી રાશીના સાતમા અને દશમા સ્થાનનો સ્વામી થાય છે જ્યારે ગુરુ કર્મ ભુવન, વ્યયસ્થાન અને પરાક્રમ સ્થાન પર પુરી દૃષ્ટિ કરે છે. જેના કારણે આરોગ્યના લાંબા સમયથી ચાલતા રોગને કાબુમાં લેવાની તક મળે. સાસરી પક્ષ તરફથી સંપત્તિ મેળવવાના પ્રયત્નો હોય તો તેમાં પણ સફળતા મળે. સ્ત્રી વર્ગને સાસરીમાં પડતી મુશ્કેલીઓમાં રાહત થાય. પતિનો સપોર્ટ મળે. પતિને પત્નીનો અને પત્નીને પતિનો પણ સપોર્ટ મળે. ભાગીદારીમાં ડિસ્પ્યુટ રિઝોલ્વ કરી શકાય. લવાદ કે સમાધાનના પ્રયત્નોને સફળતા મળે. નોકરી છોડીને ધંધો કરવા ઇચ્છતા લોકોને ઉજ્વળ તકો મળે. નવું સાહસ કરવાની ઇચ્છા પણ બર આવે. ભાઇ-બહેનો તરફથી સહકાર મળે. જો કે આરોગ્ય વિષયક બાબતોમાં થોડું સાચવવું જરૂરી છે. આળસ વધે અને કબજીયાતની પીડા હોય તો પેટની પીડા વધી શકે છે. મનને કાબૂમાં રાખવું જરૂરી બનશે. કેટલાક લાલચના પ્રસંગોમાં તમારા સંસ્કારવશ તમે જે નિર્ણયો લેશો તે આગામી દિવસોમાં તમને અસર કરશે. ધાર્મિકતામાં ઘટાડો થાય. ખર્ચમાં કાબુ રાખવો પડે. વિદ્યાર્થી વર્ગને વધુ મહેનત માટે પ્રોત્સાહન મળે. પગની પીડા થાય. એસિડિટી અને અલ્સર જેવી તકલીફોમાં વધારે થાય. એકંદરે આ સમયમાં વધુ કસરત, ઓછું આળસ અને સમજદારી પુર્વકના નિર્ણયો માઠી અસરોમાંથી બચાવી શકે છે.
કર્કઃ તમારી રાશીથી પાંચમા સ્થાનમાંથી ગુરુનું ભ્રમણ થાય છે. તમારી રાશીથી છઠ્ઠા અને નવમા સ્થાનનો સ્વામી ગુરુ છે. જ્યારે ગુરુ નવમા અને અગિયારમાં અને લગ્ન સ્થાન પર દૃષ્ટિ કરે છે. આથી ગુરુના ભ્રમણના આ સમયમાં એકંદરે તમારા માટે આ સમયગાળો સારો છે. તમારા જીવનમાં નવી દિશા મળે, તમને વિચારોમાં સ્પષ્ટતા આવે, અભ્યાસ કરનારા જાતકો માટે આ સમયગાળો શુકનીયાળ છે. જ્યારે જે લોકોને સ્કોલરશીપ મેળવવાની ઇચ્છા હોય તેમણે ખાસ એપ્લાય કરી લેવું. મિત્રોથી ફાયદો થાય, મદદ મળે, જો કે તમારી વાણી અને વર્તન પર ખાસ કાબૂ રાખવો પડે.તમારામાં અહંકાર વધતો હોય તેવું લાગે, તમે લોકોને ઉતારી પાડે તેવી વાણી બોલતા થાવ અને ક્યારેક તમારી વાણીની કડવાશ તમારી છાપ બગાડી શકે છે. વૃશ્ચિક રાશીમાં ગુરુ પ્રવેશ કરે તો તમારી રાશી ચંદ્ર અને ગુરુના ભ્રમણની રાશી મંગળ વચ્ચે મૈત્રી છે. આ લક્ષ્મી યોગ સર્જે છે. તેના કારણે તમને અચાનક લક્ષ્મીની પ્રાપ્તી થાય તેવા સંજોગ રચાય, તમારે વ્યક્તિઓની પસંદગીમાં ખાસ કાળજી રાખવી પડશે.ખોટા લોકોની સાથે જોડાશો તો તેમની ખરાબ છાપથી તમારે ખરડાવાના યોગ છે.
સિંહઃ તમારી રાશીથી ચોથા સ્થાનમાં ગુરુનું ભ્રમણ થાય છે. તમારી રાશીના પાંચમા અને આઠમા સ્થાનનો સ્વામી ગુરુ થાય છે. ચોથા સ્થાનેથી ફરતો ગુરુ તમારા આઠમા, દશમા અને બારમા સ્થાન પર દૃષ્ટિ કરે છે. આ સ્થાનમાંથી ગુરુનું ભ્રમણ મધ્યમ ગણાય છે. ગુરુ તમારી શાંતિ હણી લે તેવી ઘટનામાં તમને પરોવી દે છે તો વળી આ ઘટનાક્રમમાંથી બહાર નીકળવાના પ્રયત્નોમાં જ તમને નવી તકો પણ ઉપલબ્ધ કરાવે છે. ગુરુના કારણે જમીન કે પ્રોપર્ટીને લગતા કોર્ટ કચેરીના વિવાદો ઉકેલવા માટે આ શ્રેષ્ઠ સમય છે. સંતાનોના કારણે કેટલીક સમસ્યાઓ આવે પણ તમને તમારા પરિવારિક પ્રોબ્લેમમાંથી બહાર લાવવા માટે કોઇ એક સંતાનની જ મદદ મળી જાય તેમ બને. જો તમે તાજેતરમાં જ લગ્ન કર્યાં હોય તો પત્નીને ઓળખવા માટે આ સૌથી સારો સમય છે. સંતાન પ્રાપ્તી માટે લાંબા સમયથી પ્રયત્ન કરી રહેલા સિંહ રાશીના યુગલો માટે આ સમયગાળો બાળક કન્સીવ કરવા માટે ઉત્તમ સમયગાળો છે. જો કે ધંધામાં જે ઝડપે તમે પ્રગતિ કરવા ઇચ્છતા હોવ તે ઝડપે તમારી પ્રગતિ ન થાય તેના કારણે કેટલોક અફસોસ તમને રહે ખરો પણ નાણાંકિય રીતે તમે ચોક્કસ પ્રગિત સાધી શકો છો. તમારા ટૂંકા ગાળાના પ્રવાસના આયોજનો ખૂબ આનંદદાયી અને સફળ નીવડે. જો કે લાંબા ગાળા માટે કે કાયમી વિદેશ જવાની કોશિષ માર્ચ 2019 સુધી સફળ થાય નહિ.
કન્યાઃ તમારી રાશીથી ગુરુ ત્રીજા સ્થાનમાંથી પસાર થાય છે. તમારી રાશીના ચોથા અને સાતમા સ્થાનનો સ્વામી ગુરુ થાય છે. વૃશ્ચિક રાશીમાં ભ્રમણ દરમિયાન ગુરુ સાતમા, નવમા અને અગિયારમાં સ્થાન પર દૃષ્ટિ કરે છે. આ રાશીના જાતકો માટે ગુરુનું વૃશ્ચિક રાશીમાં પરિભ્રમણ એકંદરે શુભ છે. આ રાશીને હાલમાં શનિની નાની અઢી વર્ષની પનોતી પણ ચાલે છે. તો ગુરુની સાતમા સ્થાન પરથી દૃષ્ટિ લગ્નજીવનને સુધારવાના કે શરૂ કરવાના ઉત્તમ યોગ સર્જે છે. જ્યારે નવમા સ્થાન પર ગુરુની દૃષ્ટિ તમારા ધાર્મિક અને લાગણીના સબંધોને વધુ મજબૂત બનાવશે. ભૂતકાળમાં કોઇ નજીવી ગેરસમજના કારણે તૂટી ગયેલા તમારા સબંધો પાછા જોડાય, તમે આ વર્ષે કોઇ ધાર્મિક આયોજન કરો. જ્યારે અગિયારમાં સ્થાન પર દૃષ્ટિ થતી હોવાના કારણે તમે સંતાનો માટે કોઇ આર્થિક આયોજન કરી શકો તેમ છો. ત્રીજું સ્થાન સાહસનું સ્થાન છે. ગુરુના ભ્રમણકાળ દરમિયાન તમને અનેક સાહસિક કદમ ઉઠાવવાનું મન થશે પણ ઉતાવળા સો બહાવરાના ન્યાયે તમે ધીરજ રાખીને સ્વજનો સાથે વિચાર વિમર્શ કરીને જ નિર્ણય લેજો. ગુરુ ચોથા સ્થાનનો સ્વામી થતો હોવાથી નવું વાહન કે મકાન લેવાનો યોગ થાય છે. તો વળી સાતમા સ્થાનનો સ્વામી હોવાથી દાંમ્પત્ય જીવનમાં ઊભી થતી તકલીફોના સમાધાન માટે પણ ઉજળો સંજોગ રચાય છે.
તુલાઃ તમારી રાશીથી ગુરુ બીજા સ્થાનમાંથી પસાર થાય છે. તમારી રાશીના ત્રીજા અને છઠ્ઠા સ્થાનનો સ્વામી ગુરુ છે. જ્યારે વૃશ્ચિક રાશીમાં ભ્ર્મણ દરમિયાન ગુરુ છઠ્ઠા, આઠમા અને દશમા સ્થાન પર દૃષ્ટિ કરે છે. ગુરુ તમારા સ્થાનમાં પરિભ્રમણ કરતી વખતે મારક બને છે. આ ભ્રમણ અશુભ છે. તમારે દરેક મોરચે સંભાળવું પડશે. આર્થિક આયોજનો ખોરવાઇ જાય, ઘરના વડીલ સભ્યનું કે મહત્વના સભ્યની અકાળે વિદાય થાય, તમારા માટે જવાબદારી આવી પડે. તમારે કેટલાક અણગમતા નિર્ણયો લેવા પડે. આરોગ્યના કારણે કેટલીક સારી તકો છોડવી પડે. સાસરી પક્ષ સાથેના સબંધોમાં તિરાડ પડે. તો વળી ગુપ્તાંગોને લગતા રોગ થાય, કેટલાક લોકો બેનામી રીતે તમારી બદનામી કરે અને ધંધામાં નફાનું માર્જિન ઘટી જાય તેવી શક્યતા છે. તુલા રાશી જો કે સંતુલન કરનારી રાશી હોવાના કારણે જો તમે એપ્રિલ 2109 સુધી કાચબાની જેવી નિતી રાખીને તમારા કવચને આગળ ધરશો તો નુકસાન નહિ થાય પણ જો ખોટા અહંને પોષવા માટે નુકસાન થાય તો પણ નિર્ણય નહિ બદલો તો નુકસાન અવશ્ય થશે. અત્યાર સુધી તમારી રાશીમાં જ ગુરુનું ભ્રમણ હતું તેના કારણે આવેલી ગુરુતા ગ્રંથીને બળવત્તર બનવા દેશો નહિ. સંતાનો સાથેનો વ્યવહાર વધુ પડતી અપેક્ષાથી રાખશો તો નિરાશ થવાની શક્યતા છે.
વૃશ્ચિકઃ તમારી રાશીમાં જ ગુરુનું ભ્રમણ થાય છે. એક રીતે જોઇએ તો જેની રાશીમાંથી ગુરુનું ભ્રમણ થાય તેના માટે બાર વર્ષે આવો એક સમય આવે છે. પણ તેનો અર્થ પણ બાર વર્ષે બાવો બોલ્યા જેવો પણ થાય તેમ બને. કારણે કે દેવગુરુની બેઠક અશુભ મનાય છે. ગુરુ જે સ્થાનમાં બેસે તે સ્થાનને બગાડે છે. આથી લગ્નોત્સુકોને ખાસ સલાહ છે કે તમારો લગ્નયોગ તો થાય છે પણ સાથે સાથે એક કરતાં વધુ વિકલ્પો તમને મૂઝવવા માટે ગુરુ રજૂ કરી શકે છે. તમારી પસંદગીને પરિવારનું સમર્થન ના મળે અને પરિવારની પસંદગી તમારી પસંદગી ના બને તેથી સંબધોમાં ગેરસમજોનું ડેડલોક સર્જાય. તેમાં તમારે શનિની પનોતીનો છેલ્લો તબક્કો ચાલતો હોવાથી શનિ પણ માઠી અસરો દેખાડશે. જો માત્ર દેખાવ કે અન્ય ઉપરછલ્લી બાબતો જોઇ લગ્ન કરશો તો અવશ્ય પસ્તાશો. ગુરુ તમારા પાંચમા, સાતમા અને નવમા સ્થાન પર દૃષ્ટિ કરે છે. વિદ્યાભ્યાસ માટે વિદેશ જવાની તક મળે, સારી નોકરી મળે, નાણાંભીડ હળવી થાય. પ્રેમમાં પડવાની શક્યતા છે. જેની જન્મકુંડળીમાં ગુરુ અને શુક્ર સાથે હોય તેમના માટે તો આ ગુરુનું ભ્રમણ હેવનલી ટાઇમ લાવે તેમ છે. જો કે આ સમયમાં કરેલા ઉધામા કે ઉતાવળની કિંમત ગુરુ વૃશ્ચિક રાશી છોડીને જાય પછી ભોગવવી પડે એવું ઘણા કિસ્સામાં બને છે. તમારી સાવધાની ઘટે, તમે જરા અવિવેકી અને ઉતાવળીયા બની જાવ તેમ છે. માતા પિતા સાથેના સબંધોમાં તિરાડ પડે.
ધનુઃ આ રાશીથી ગુરુનું ભ્રમણ બારમા સ્થાનમાં છે. તો વળી તમારો રાશી સ્વામી જ ગુરુ છે તો વળી તમારા ચોથા સ્થાનનો સ્વામી શનિ છે. તો વળી તે ચોથા છઠ્ઠા અને આઠમા સ્થાન પર પુરી દૃષ્ટિ કરે છે. તમારી રાશીને હાલમાં શનિની સાડાસાતી પનોતીનો બીજો તબક્કો પણ ચાલી રહ્યો છે જે અશુભ છે. પરંતું શુભ ગ્રહ ગુરુની તમારા તમામ ખાડાના સ્થાન પર દૃષ્ટિ થવી અને હાલમાં ધનું રાશીમાં જ થઇ રહેલું શનિનું ભ્રમણ તમારા માટે જેકપોટ લાગે તેવું પણ કરી શકે. અભ્યાસુઓ માટે આ સમયગાળો મહેનતનું ફળ આપનારો છે. તો પ્રેમમાં પડનારા માટે આ સમયગાળો જરા તકલીફ અને ભરોસાના ભંગનો છે. પરણવા ઇચ્છનારાઓએ તેમની લગ્નની નક્કી થયેલી તારીખ પાછી ઠેલાય તે માટે તૈયાર રહેવું પડશે. વાહન ચલાવતાં કે અન્ય કોઇની ભૂલના કારણે ઇજા થાય ખાસ કરીને કાંડા, કોણી, ઘૂંટણ કે ઘૂંટીમાં વાગે અને ફ્રેક્ચર થાય તેવા પણ યોગ છે. ગુરુનું બારમા સ્થાનમાં ભ્રમણ ગલ્ફના દેશોમાં નોકરી માટે જવાના અને પરિવારથી દૂર એકલા નોકરી માટે રહેવાના યોગ કરે છે.ઇનિચ્છનિય બદલી થાય તેવા પણ યોગ છે. જો કે ગુરુ તમારો રાશી સ્વામી હોવાથી અને મંગળના ઘરમાં હોવાથી તે માત્ર ટોકન નુકસાન જ કરીને અસરોથી અવગત કરાવશે કોઇ મોટી તકલીફ થવા દેશે નહિ. તમારે કોર્ટ કચેરી કે મિલકત લે વેચના વાદ વિવાદમાં બદનામ થવાના અને કાર્યમાં અસફળ થવાના પણ યોગ થાય છે.
મકરઃ તમારી રાશીથી અગિયારમાં સ્થાનેથી ગુરુનું ભ્રમણ થાય છે. ગુરુ તમારા બારમા અને ત્રીજા સ્થાનનો સ્વામી છે. જ્યારે વૃશ્ચિક રાશીમાં ભ્રમણ દરમિયાન ગુરુ ત્રીજા, પાંચમા અને સાતમા સ્થાન પર દૃષ્ટિ કરે છે. આ દૃષ્ટિ અને ભ્રમણ મકર રાશી માટે શુભ છે. જો કે શનિની સાડાસાતીનો પહેલો પાયો ચાલતો હોવાથી શુભત્વમાં થોડો ઘટાડો ચોક્કસ થાય છે. ગુરુ ત્રીજા સ્થાન પર દૃષ્ટિ કરતો હોવાથી ભાઇ-બહેનો સાથેના સબંધોમાં સુધારો આવે. લાંબા ગાળાથી હાથમાં લેવા ઘારેલા કામો શરૂ થાય અને તેમાં સારો રિસ્પોન્સ મળે. સંતાનો તરફથી સારા સમાચાર મળે, સંતાનોના લગ્નની ચિંતા હોય તો તે દૂર થાય, તમારા વિદેશ જવાના પ્રયત્નોને બ્રેક વાગે પણ કોઇ સારી તક ઊભી પણ થાય, લગ્નોત્સુક માટે આ સમયગાળો અતિઉત્તમ છે. તમારા લગ્ન નક્કી થાય, લગ્ન થાય તેવી શક્યતા છે. સરકારી કામ કાજમાં સફળતા મળે. ગુરુ તમારા બારમા સ્થાનનો સ્વામી હોવાથી અને અગિયારમાં સ્થાનમાં ફરતો હોવાથી ઉત્તમ વિદેશ યોગ થાય છે. જ્યારે નવમા સ્થાનનો સ્વામી હોવાથી તમારા વિચારો વધારો પરિપક્વ થાય. દાંમ્પત્યજીવનની સમસ્યાઓના ઉકેલ માટે ઉત્તમ સમય છે. પાર્ટનરશીપમાં ધંધો શરૂ કરવા માટે પણ આ સમયગાળો ઉત્તમ ગણાય તેમ છે. તમારી લાંબા સમયથી ફસાયેલી ઉઘરાણી પણ આ સમયમાં પાછી આવે તેવા સંજોગ રચાય છે.
કુંભઃ તમારી રાશીથી દશમા સ્થાનમાંથી ગુરુ પસાર થાય છે. તમારા બીજા અને અગિયારમા સ્થાનનો સ્વામી છે. જ્યારે વૃશ્ચિક રાશીમાં ભ્રમણ દરમિયાન ગુરુ બીજા, ચોથા અને છઠ્ઠા સ્થાન પર દૃષ્ટિ કરે છે. આ રાશીના જાતકો માટે ગુરુનું ભ્રમણ એકંદરે મિશ્ર ફળદાયી છે. આ સમયગાળો ગ્રહોના ષડયંત્રનો ભોગ બનવાનો છે. લાલચ આવે તેવી તકની પાછળ હંમેશા એક કષ્ટદાયી નુકસાનકારક પરિણામ પણ છૂપાયેલું હોઇ શકે છે તેનો આ સમયમાં અનુભવ થશે. પરિવારના લાંબા સમયથી અટવાતા વિવાદનો ઉકેલ આવે પણ તેમાં તમારે કેટલાક બલિદાન આપવા પડે. જો કે નોકરી કે ધંધાની દૃષ્ટિએ આ સમય સારો છે. નવી તકો આવે. ફસાયેલા નાંણાં છૂટાં થાય. વેચવા કાઢેલી પ્રોપર્ટીના સારા ભાવ આવે. વિદ્યાર્થી વર્ગ માટે આ સમય થોડો તકલીફદાયક છે. ક્યા ક્ષેત્રમાં પ્રવેશ લેવો તેના નિર્ણયમાં ભૂલ થાય તેવી શક્યતા છે. ધંધો જે રીતે ચાલતો હોય તે રીતે ચાલવા દેવો. સમય ખુદ જ તમારા ધંધાની કાળજી લેશે. વધુ પડતી હોશિયારી વાપરીને લાંબા રોકાણ કરવાથી ફસાવાના યોગ છે. સંતાનો સાથેના સબંધોમાં સુધારો થાય તેમ છે. લગ્નના આયોજનો આગળ ધપે. જમીન મિલકત ખરીદવાની તક મળે આરોગ્યની ચિંતા કરવી જોઇએ. ખાસ કરીને પથરી કે પેટને લગતી બિમારીઓથી બચવા માટે જીવનચર્યાને શિસ્તબદ્ધ રાખવી જોઇએ.
મીનઃ આ રાશીથી નવમાં સ્થાનથી ગુરુ પસાર થાય છે. ગુરુ તમારી રાશીનો અને તમારા દશમા સ્થાનનો સ્વામી છે. વૃશ્ચિક રાશીમાં ભ્રમણ દરમિયાન ગુરુ તમારી રાશીમાં અને ત્રીજા તેમજ પાંચમા સ્થાન પર દૃષ્ટિ કરે છે. આ રાશીમાં ગુરુનું ભ્રમણ અત્યંત શુભ છે. તમારા માટે જાણે બધા જ ક્ષેત્રો સફળતાની સીડી બની ગયા છે તેમ લાગશે. તમારા વિદેશ જવાના પ્રયત્નોને સફળતા મળે. નોકરી શોધતા હોવ તો સારી નોકરી મળે. જો સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા હોવ તો તમારા માટે અન્ય તમામ અગિયાર રાશીઓ કરતાં તમારો ચાન્સ વધુ બનશે. લગ્નોત્સુકો માટે પણ ઉત્તમ સમાચાર આવે. પરિવાર સાથેનું બોન્ડીંગ પણ મજબૂત બને. આરોગ્ય વિષયક સમસ્યાઓ પણ નિરાકરણ તરફ આગળ વધે. સંતાનો સાથે કેટલીક વાતોનો મતભેદ બને પણ અંતે સંતાનોને પોતે ખોટા હોવાનો અહેસાસ થાય. પત્નીનો તમામ કાર્યોમાં સહકાર મળે. ધંધો કરવાની શરૂઆત કરવા ઇચ્છનારા જાતકોને ભાગીદારી કરવાની તક મળે. તમારી સાથે ફાઇનાન્સ આપનારા લોકો પણ વધે. નવું વાહન ખરીદવાના કે પરિવાર સાથે વિદેશની ટ્રિપ પણ કરવા મળે.
દરેક રાશીની વ્યક્તિઓએ ગુરુના વૃશ્ચિક ભ્રમણ દરમિયાન ગુરુના શુભત્વને મેળવવા અને અશુભત્વને ઘટાડવા આ ઉપાયો કરવા જોઇએ.
મેષઃ આ રાશીના જાતકોએ ગુરુનો બીજ મંત્ર ગ્રાં ગ્રી ગુરવે નમઃ મંત્રના 76000 જાપ કરવા જોઇએ. અથવા વિદ્વાન ભૂદેવ પાસે પુરાણોક્ત કે વેદોક્ત મંત્રના 76000 જાપ કરાવવા જોઇએ, આ ઉપરાંત તેઓ મંગળવારે ગુરુ ગ્રહનું દાન જેવું કે ઘી, કેળા, ચોખા વિગેરેનું દાન કરવું જોઇએ. વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જોઇએ.
વૃષભઃ આ રાશીના જાતકોએ શુક્રવારે કુંવારીકાઓને ભોજન કરાવવું જોઇએ. બાળકીઓને વસ્ત્રદાન કરવું જોઇએ. દુર્ગા સપ્તશતિના પાઠ કરવા જોઇએ, ઓમ બૃં બૃહસ્પતયે નમઃ મંત્રના 76000 જાપ કરવા જોઇએ.
મિથુનઃ આ રાશીના જાતકોએ બુધવારે લીલામગ ઓમ નમઃ શિવાય મંત્રનો ઉચ્ચાર કરીને શિવજી પર મંદિરમાં જઇને ચઢાવવા જોઇએ. ગાયને ઘી ચોપડેલી રોટલી ખવડાવવી જોઇએ. ફિજીકલી ચેલેન્જન્ડ કે દિવ્યાંગ બાળકોને ભોજન કરાવવું જોઇએ.
કર્કઃ સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવી દક્ષિણા અને વસ્ત્રનું દાન સોમવારે કરવું જોઇએ. કાળા તલ સોમવારે શિવજી પર ઓમ નમઃ શિવાય બોલીને ચઢાવવા જોઇએ. શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો જોઇએ.
સિંહઃ રવિવારે સફેદ તલનું દાન કરવું જોઇએ. સફેદ વસ્ત્ર ધારણ કરીને રવિવારે નદી કિનારે પાણીમાં કેડ સુધીના ઊભા રહીને રૃીં ગુરવે નમઃ મંત્રની માળા કરવી, સૂર્યને અર્ઘ્ય આપવો જોઇએ.
કન્યાઃ બુધવારે રક્તપિત્તના દર્દીઓને જમાડવા જોઇએ. શીરો બનાવીને ગરીબોને ખવડાવવું જોઇએ. ગાય અને કુતરાંને મગ અને ભાત ખવડાવવા જોઇએ.
તુલાઃ શુક્રવારે લાલ ગાયને જવનો સાથવો બનાવીને ખવડાવવો જોઇએ. ગુરુ બનાવ્યા હોય તો તેમના દર્શન કરવા જોઇએ. ગુરવારનો ઉપવાસ કરવો જોઇએ.
વૃશ્ચિકઃ તમારા વજનના દશમા ભાગની ચણાની દાળનો મગજ બનાવીને બટુકોને જમાડવા જોઇએ. કુળદેવીના દર્શન કરવા જોઇએ. આઠમના ઉપવાસ કરવા જોઇએ.
ઘનુંઃ ચારે વેદના બ્રાહ્મણોનું પૂજન કરી તેમને જમાડીને ગુરુવારે દાન દક્ષિણા આપવી જોઇએ. ઘરના તુલસી ક્યારે દરરોજ ઊબી દિવેટનો ચોખ્ખા ઘીનો દીવો કરવો જોઇએ. માતા પિતાનું પૂજન સેવા કરવી જોઇએ.
મકરઃ પૂર્ણિમાના ઉપવાસ કરવા જોઇએ, તીર્થક્ષેત્રોમાં જઇને સ્નાન કરવું જોઇએ. ગુરુવારે ગણેશજીના મંદિરે જઇને લાલ ફૂલ(જાસુદ મળે તો ઉત્તમ) ગં ગણપતયે નમઃ બોલીને ચઢાવવું જોઇએ.
કુંભઃ ગુરુવારે ગાયના ઘીનું દાન કરવું જોઇએ. કેસરનું દાન કરવું જોઇએ. સુંગંધિત અત્તરનું દાન કરવું જોઇએ. ઘરમાં ડમરો વાવીને તેને પાણી રેડીને ઉછેરવો જોઇએ.
મીનઃ ગુરુવારે ગુરુલીલામૃતના, દત્તબાવનીના પાઠ કરવા જોઇએ, શિવપૂજન કરવું જોઇએ.