કોઇએ આ પહેલાં કર્યું છે?
દુનિયાનું અસ્તિત્વ એક આશ્ચર્ય છે. તેની પ્રગતિ એક ચમત્કાર છે. તેનો સંઘર્ષ એક બોધ છે. દુનિયા સામે તેની ઉત્પત્તિથી અત્યાર સુધીમાં અનેક પડકાર આવ્યા છે. આ પડકાર પૃથ્વી અને તેમાં વિકસતી જીવસૃષ્ટિની ધજજીયાં ઉડાવી દે તેવા ખતરનાક હતા. આમ છતાં એ પડકાર વિકાસ માટેના અનિવાર્ય વિઘ્નો જ છે તેમ વખત જતાં સમજાઇ ચૂક્યું છે. જે પણ પહેલાં થઇ ચૂક્યું છે કે કોઇ કરી ચૂક્યું છે તે થઇ શકે તેવું છે તેમ લોજીકથી માની શકાય. પણ જો થઇ ચૂક્યું કે કરી ચૂક્યું હોય તેવું કામ સૃષ્ટિના વિકાસ માટે બહુ ઉપયોગી નથી હોતું. કદી કોઇએ કર્યું ના હોય તેવું થાય કે કરાય તો જ સભ્યતાથી માંડીને સજ્જતા સુધીની સફરમાં એક કદમ આગળ વધે.
સમજવા માટે એમ સમજીએ કે કોઇએ જ્યારે આદિકાળમાં પહેલી વખત આગ પ્રગટાવી ત્યારે એ અકસ્માત હતો કે પ્રયાસ એ પિંજણ બાજુએ મૂકીએ તો એટલું તો ચોક્કસ સમજી શકાય કે તેના કારણે સભ્યતાએ એક ડગલું આગળ ભર્યું. તેવી જ રીતે અનાજ ઉગાડવું, તરવું, ઉડવું, ભાષાથી થતો વિચાર વિનિમય અને નાંણાથી થતો વ્યવહાર વિનિમય, દરેક વસ્તું પ્રથમ વખત કોઇએ કરી ત્યારે જ તેનું મહત્વ છે. બીજી,ત્રીજી કે પછીની અગણિત વખત એ જ વસ્તુ કરવાથી માત્ર મહેનત દેખાય છે. ભરોંસો દેખાય છે. પણ તેનાથી કુદરતે સૃષ્ટિમાં મૂકેલી સંભાવનાને ઉકેલવા માટેનો પ્રયાસ જરાય દેખાતો નથી.
કાળી મજૂરી અને બુધ્ધિની સાચી દિશાની અવિરત કસરતકર્યા બાદ જ્યારે કોઇ એક ક્ષણે તમને તમારી ગંતવ્ય શોધનો આવિષ્કાર થયાનો અહેસાસ થાય ત્યારે તે યુરેકા છે. આવું કરનારા પ્રથમ વ્યક્તિ હોવાનો ઉન્માદ દુનિયાના કોઇ પણ નશા કરતાં વધુ નશાકારક છે. તમારા ફોલોઅર્સ બનશે. પણ રાખવાની જરૂર એ છે કે આ તમારા ફોલોઅર્સ નથી પણ તમારા કર્તૃત્વના ફોલોઅર્સ છે. કદી કોઇએ ના કર્યું હોય તેમ છતાં તેવું અભિયાન હાથમાં લેનારા વિરલા છે. તેમને ક્યાંય કોઇ રેફરન્સ મળવાનો નથી. કંપાસ હોવાનો નથી. ગાઇડ મળવાનો નથી. તેમણે અંતરના ઊજાસમાંથી જ પોતાનો રસ્તો શોધવાનો છે.
એવું નથી કે માત્ર વૈજ્ઞાનિક શોધો માટે જ આ વાત સાચી છે. દુનિયાની વ્યવહારિક,રાજનૈતિક કે સાવ સામાન્ય લાગતી બાબતો સાથે પણ આ વાતને સાંકળી શકાય છે.
શિસ્તથી કામ કરવામાં સફળતા મળેએ સર્વ વિદીત છે પણ શિસ્તથી કામ કરવાની મજા કદાચ ન પણ આવે. કારણ કે શિસ્ત બોરીંગ છે. જ્યારે કોઇને તમારે શિસ્તમાં લાવવા હોય ત્યારે તમારે તેના પાલન માટે કોઇ મોટી લાલચ કે લાગણી જોડવી પડે છે. ધર્મ પાલનમાં અનેક નિયમનોની ભરમાર છે. તેનું શિસ્તથી (અહી જડતાથી) પાલન કરનારાઓને પુણ્ય પ્રાપ્તીની મોટી લાલચ છે. કોઇને 72 હૂર તો કોઇને સ્વર્ગના સંસાધનોની લાલચ છે.
કોઇ રાજકુળની રખેવાળી કરવાની શિસ્ત, પ્રામાણિક અને વફાદાર તરીકે ઇતિહાસમાં નામ અંકિત કરવાની લાલચના જોરે જ શક્ય બને છે. કોઇ વ્યક્તિ, રોગની રસીની શોધ કરવા માટે પોતાની જિંદગીનો સમય અને શક્તિ વેડફી નાંખે તેની પાછળ માનવજાતને રોગમાંથી મુક્ત કરીને અમર થઇ જવાની ખેવના જ જવાબદાર હોય છે. આ બધું પહેલી વખત થાય ત્યારે જ વધુ ઓબ્સેસિવ હોય છે. પછી તો મોનોટોનસ એટલે કે રિપીટ રિપીટ જ હોય છે. તેમાં પરિણામો આવતાં જાય તેમ તેમ તેનું વેપારીકરણ થતું જાય છે. તેનો વિવિધ રીતે ઉપયોગ કરવાની વૃત્તિઓ ખિલી ઉઠે છે.
એ વાત યાદ રાખવી જોઇએ કે અણું બોંબથી માંડીની એ કે 47 શોધનારા તમામ લોકો તેમની શોધનો હાલમાં થઇ રહ્યો છે તેવો દુરુપયોગ થશે તેવો અંદાજ પણ લગાવી શક્યા ન હતા. જો તેમ થયું હોત તો કદાય તેઓ આવી શોધો ન પણ કરત. આવિષ્કાર અને ઉપયોગિતા બે વિરોધાભાસી વાતો છે. જ્યારે આવિષ્કાર થાય ત્યારે ઉપયોગીતાના હેતુ શુદ્ધ હોય છે.પણ જેમ જેમ તેનો રિપીટ ઉપયોગ થતો જાય તેમ તેમ તેની ઉપયોગીતાની વિવિધતા અને તેના પરિણામોની શૃંખલા સામે આવતી જાય છે. જે નેગેટિવ અને પોઝિટીવ બંને હોઇ શકે છે.
માનવીની ઉડવાની ખેવનાના કારણે જ વિમાન બની શક્યું. ઇચ્છા સૌથી મોટું ઉદ્દીપન કાર્ય કરી શકે છે. આવિષ્કારો પાછળ બે વસ્તુ સૌથી મોટો ભાગ ભજવી જાય છે. એક છે નીડ અને બીજી છે વિશ. નીડ ક્વોલિટીને બાજુ પર મૂકીને થતા આવિષ્કારોની જનકછે. જ્યારે વિશ ક્વોલિટીને કેન્દ્રમાં રાખીને થતા આવિષ્કારોની ઉદ્ ઘોષક છે. નીડ પ્રાથમિકતાના ધોરણે થતા આવિષ્કારોને આવકારે છે. જ્યારે વિશ સગવડના સાધનો શોધે છે.
કોઇએ કર્યું હોય તેવું કામ કરવામાં ડિસન્સી, ક્વોલિટી, એક્યુરસી અને વેલ્યુ એડિસન કરવામાં જ બુદ્ધિ વાપરવાની હોય છે. જ્યારે કોઇ કામ પ્રથમ વખત કરતી વખતે તમારી પાસે માત્ર સિધ્ધાંત સાબિત કરવા પુરતી જ જવાબદારી બચે છે. તમારે માત્ર નિયમ જ શોધી આપવાનો છે. ફોર્મ્યલા શોધી નાંખ્યા બાદ તો ફોલો કરનારા તેની ઉપયોગિતા અને ઉત્પાદકતાના જોરે તેમાં સુધારા વધારા કરી જ નાંખશે.
જરા વિચારો, રેલવેનું એન્જિન શોધનારા કે માત્ર બે પાંખ અને એક જ વ્યકિત બેસી શકે તેવું કોકપીટ સાથેનું વિમાન બનાવનારા વૈજ્ઞાનિકોએ ક્યારેય હાલમાં મળે છે તેવી ટ્રેન કે વિમાનની સગવડોની કલ્પના સુદ્ધાં નહિ કરી હોય.
હાલમાં યુ ટ્યુબર બનવાનો ક્રેઝ ચાલ્યો છે. યુ ટ્યુબ પર ચેનલ બનાવીને તેમાં વિડીઓઝ પોસ્ટ કરવાની પહેલી શરત એ છે કે તે યુનિક અને એક્સ્કલુઝિવ હોવા જોઇએ. જો કોઇએ બનાવ્યા છે તેવા વિડીઓ બનાવો તો યુ ટ્યુબના સોફ્ટવેરનું એલ્ગોરિધમ જ તમને બ્લોક કરી દેશે. આમ કરવા પાછળનો હેતું પહેલો વિચાર કરનારની વિલક્ષણતાને પ્રોત્સાહિત કરવાનો છે. એક જ મંઝિલ પર પહોચવાના અનેક રસ્તા હોય છે. જ્યારે આવા અનેક માંથી એકની પસંદગી કરવાની થાય ત્યારે તેમાં સહેલો, સસ્તો(ટાઇમ અને ખર્ચ બચે તેવો) રસ્તો ક્યો છે તે શોધીને તેને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ ઉપરાંત દરેક રસ્તાની અલગ મજા છે. મજા શેમાં આવે છે. ક્યો રસ્તો વધુ એન્ટરટેઇનિંગ છે તે પણ હવે જોવાય છે. માત્ર યુ ટ્યુબ જ નહિ હાલમાં ચાલતી પેટન્ટની પેટર્ન પણ આવા જ સિદ્ધાંત પર ઊભી છે.
હવેના જમાનામાં અમીરી વિચારોથી આવી રહી છે. જેની પાસે વિચારવાની તાકાત વધારે તેની કિંમત વધુ આંકવામાં આવે છે. રૂપિયા-પૈસા નહિ પણ આઇડિયા હવે વધારે કિંમતી છે. આઇડીયા જેટલો યુનિક, એક્સક્લુઝિવ અને એન્ટરટેઇનિંગ તેટલો વધુ તેનો વ્યાપ વિસ્તાર અને વપરાશ. તેના કારણે તેટલી વધુ લોકપ્રિયતા અને લોકપ્રિયતાને એનકેશ કરી લેવા તેટલી જ વધારે ભીડ. આઇડિયા એકલો હોઇ શકે છે. આઇડિયાની ચેઇન બની શકે છે. આઇડિયા માત્ર પ્રોત્સાહક બની શકે છે. રફ આઇડિયા કોઇને આવે અને તેની પોલિસ કરીને બીજો કોઇ એનકેશ કરી જાય તેમ પણ બને. વાત વાતમાં તમારો આઇડિયા કોઇ ચોરી જાય અને કમાઇ જાય, તો વળી તમારા કોઇ અલગ સંદર્ભના ક્ષુલ્લક રિમાર્કમાંથી પણ કોઇને દુનિયા આખી બદલાઇ જાય તેવો આઇડિયા પ્રેરિત થઇ શકે છે. આઇડિયા જેને આવે તે આળસુ હોય તેવું મોટાભાગે બને છે. આથી જ આઇડિયા આવતા હોય તેને નોકરી રાખવાનો પણ આઇડિયા જ છે ને.
તમારો આઇડિયા ગમે તેટલો સારો હોય પણ તે કન્વિન્સિંગ ન હોય તો ઘણી વખત એક યુગનો આઇડિયા બીજા યુગમાં બીજા કોઇ જનરેશનને વિષયાંતર સાથે ક્લિક થાય છે.
18મી સદીના અંતમાં અને 19મી સદીના પ્રારંભમાં સૌથી વધુ ક્લિક થયેલો આઇડિયા હતો સામ્યવાદનો. ચેપી રોગની જેમ આ આઇડિયા એશિયા યુરોપ અને અમેરિકાના કેટલાક દેશોમાં ફેલાયો હતો. આ આઇડિયા જેટલો ઝડપથી ફેલાયો તેટલો વધુ ફૂલ્યો ફાલ્યો નહિ. આ આઇડિયાને અપનાવનારા જુદા થયા પણ જામ્યા નહિ. કારણ કે આ આઇડિયા આઇડિયાલિસ્ટિક વધુ અને રિયાલિસ્ટિક ઓછો હતો. હ્યુમન રેસના ડીએનએમાં પડેલા દાદાગીરી, સર્વાઇવલ ઓફ ફિટેસ્ટ અને આનંદ મજાના જન્મજાત ગુણોની વિરુધ્ધ હતો. તેથી એક જ સદીમાં લોકો કંટાળી ગયા. સામ્યવાદની નબળી બાજુઓ ઉજાગર થવા માંડી. સામ્યવાદના નામે કેટલાક ડિક્ટેટર્સ ફૂટી નીકળ્યા અને તેમણે જે રીતે જિંદગી જીવવાના બે કાટલાં રાખ્યાં. પોતાના અલગ અને પ્રજાના અલગ તેના કારણે જે ગરીબ અને તવંગર વચ્ચેની ખાઇ પુરવા માટે સામ્યવાદની શોધ થઇ હતી તે ખાઇ જ વધારે ઊંડી થતી ગઇ જેના કારણે ધીમે ધીમે સામ્યવાદ ખૂણાં માં ધકેલાઇ ગયો.
પહેલી શોધ અન્ય શોધોની શૃંખલા બની જાય છે.