મન જ માનવીના જીવનમાં બંધન અને મોક્ષનું કારણ બને છે
મન હંમેશા મારો ફેવરીટ વિષય રહ્યો છે. વિચાર એટલે કે આઇડિયા, મનમાં જ જન્મે છે. ઋષિઓએ જ્યોતિષશાસ્ત્રની રચના કરી ત્યારે મનને એક જીવતી વ્યક્તિ જેટલું મહત્વ આપ્યું છે તેથી જ જેમ બાળક જન્મ છે તેમ વિચાર પણ જન્મ છે, મરે છે. માંદો પડે છે. વિચાર શક્તિશાળી કે નબળો હોઇ શકે છે. વિચાર કરનાર કોઇ પણ હોય પણ જો વિચાર શક્તિશાળી હોય તો તે વિચારને જન્મ આપનાર પણ શક્તિશાળી બને છે. દુનિયાભરના તત્વચિંતકો, ખેલાડીઓ, રાજનેતઓ, મહાનુભાવો કે જેમણે આ દુનિયાને નવી દિશા આપી તે વિચાર વડે જ શક્ય બન્યું છે. તેમના મનમાં વિચાર જન્મ્યો અને તેમણે તેને બરાબર ઉછેરીને મોટો કર્યો. તેમના વિચારનું બાળ મરણ ના થયું. તેમના વિચારને યોગ્ય માવજત મળી, જ્ઞાન અને માર્ગદર્શનનો ખોરાક મળ્યો, શ્રમ અને સાધનાનો વારસો મળ્યો, સહકાર અને અનુશાસનની દોસ્તી મળી, અને હા, વિચાર ફળદાયી બની તેવો માહોલ, સમાજ પણ મળ્યો તે જ સમયે જરૂરિયાતનું ખાતર પણ મળ્યું. જરા વિચારો( અહી પણ વિચારવાનું જ આવે છે) જો મહાત્મા ગાંધી જે યુગમાં થઇ ગયા તે યુગમાં ભારત ગુલામ ન હોત. ચર્ચીલ કે હિટલરના સમયમાં બીજું વિશ્વયુદ્ધ ના થયું હોત, અબ્રાહમ લિંકનના સમયમાં અમેરિકામાં સિવિલ વોર ના થઇ હોત. સચિન તેદુલકરના દેશમાં ક્રિકેટ ના રમાતી હોત, માઇકલ જેક્સનના સમયમાં મ્યુઝિક કે ડાન્સની અમેરિકામાં હતી તેવી ઘેલછા ના હોત, માર્કસના સમયમાં શોષણ ખોરી ના હોત. ટોલ્સટોયના સમયમાં રશિયામાં અંધાધૂધી ગરીબી ના હોત. અરે..કૃષ્ણના સમયમાં મહાભારત ના ખેલાયું હોત તો અ બધા મહાનુંભાવોની મહાનતા આટલી ઝળકતી,બળકટ ના હોત.
અજના ઇલેક્ટ્રોનિક્સની ક્રાંતિના જમાનામાં, ટેક્નોલોજી અને માહિતીના પ્રસારના યુગમાં બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગ યુવા આઇકોન બની ચૂક્યા છે. સ્ટીવ જોબ્સ અને ટીમ કૂક (એપલ) લોકોના ચહીતા છે કેમ, તેઓએ એક પણ કાર્ય માનવતા કે મહાનતાના ઉદ્દેશ્યથી નથી કર્યું. તેમણે જે કાંઇ ક્રયું છે તે સફળતા અને સગવડના ઉદ્દેશ્યથી ક્રયું છે. પણ હા, એક વાત ચોક્કસ છે તેમણે જે કાંઇ ક્રયું છે તે સહેલું નથી, બીજું કે તેમણે જે કાંઇ ક્ર્યું છે તે નવું છે જુનું નથી. તેનાથી રૂપિયાનો ઢગલો થઇ જાય તેવું કર્યું છે. તેમણે મોટાભાગે માણસોની મહેનત ઘટી જાય અને ઝડપથી, પરફેક્શનથી વધુ લોકો વધુ કામ કરી શકે તેવું કર્યું છે. તેમણે જાતે ખૂબ નાણાં કમાવ્યાં છે અને તે બતાવીને લોકોને પણ ખૂબ નાણાં કમાવાની ભૂખ અને તરસ જગાડવા માટે આશાનું શક્ય બનાવી શકાય તેવું એપેટાઇઝર પીવડાવ્યું છે. તેઓ મહાન છે કારણ કે તેમણે નવું વિચાર્યું છે એવું વિચાર્યું છે કે જે કોઇએ નથી વિચાર્યું. વળી તેઓ તેમના વિચારને વળગી નથી રહ્યા. વિચરાને યુવાન પણ થવા દીધો છે અને પરિપક્વ પણ થવા દીધો છે.
રામના કુલગુરુ વશિષ્ઠ હતા છતાં પણ જે આક્રમકતા અને સમયપાલન સાથેની વીરતા રામ લક્ષ્મણમાં જોઇતી હતી તે વશિષ્ટ કરતાં પણ વિશ્વામિત્ર વધુ સારી રીતે આપી શકશે તે જાણીને તેમણે રામને વિશ્વામિત્ર સાથે મોકલ્યા હતા. બસ એવી જ રીતે આ આધુનિક મહાન લોકોએ તેમના વિચારને કોઇ ચોરી જશે કે અપનાવી લેશે તો પોતાનું શું થશે તેવો ડર રાખ્યા વગર જ વિચાર સાથે વિચાર બીજને પણ ખુલ્લું કરી દીધું. તેમણે નવા તેમના જેવા વિચાર કરનારઓ માટે પ્લેટફોર્મ પુરું પાડ્યું. તેમણે વિચારને અપનાવનારઓને અપનાવ્યા.
આ સમયનું સૌથી સારું લક્ષણ કોઇ હોય તો તે છે સમાનતા, ભારત કે અન્ય ભૂતકાળને સંભારીને જીવતા કેટલાક પૂર્વના દેશોને બાદ કરતાં બીજા દેશોએ વિચારોથી મહાન લોકોને કોઇ પણ જાતના ભેદભાવ વગર અપનાવ્યા છે, માથે બેસાડ્યા છે. માન સન્માન અને પ્રેમ આપ્યો છે. આ જ કારણ છે કે દુનિયાએ પ્રગતિ કરી છે. નહિતર દુનિયા હજું પાષાણ યુગમાં હોત, એનો મતલબ એવો જરાય નથી કે હાલના સમયમાં શોષણ નથી થતું. થાય છે, પણ એવા જ લોકોનું શોષણ થાય છે કે જેઅ આળસુ અને લાલચું છે, જેઓ શોર્ટકટ શોધે છે. બેનંબરમાં અમેરિકા કે વિદેશ જઇને પણ ત્યાં કામ કરવા અને ડોલરમાં નાણાં કમાવાના લોભમાં પોતાની અને પોતાના દેશની તેમજ દેશવાસીઓની અસ્મિતા થોડા ડોલર માટે દાવ પર લગાવી દેનારા લોકો પછી પોતાનું શોષણ થતુ હોવાની રાડો પાડે ત્યારે દયા આવે છે, તેમની નહિ, તેમની માનસિકતાની દયા આવે છે.
માનવીનો એક સ્વભાવ સામાન્ય છે તે સમૂહને અનુસરે છે જ્યારે બીજો સ્વભાવ છે કે સમૂહને જે ના અનુસરે તેની નિંદા કરે છે. વળી જો સમૂહને અનુસર્યા વગર, નિંદાની પરવા કર્યા વગર જો કોઇ વ્યક્તિ આગળ ચાલી જાય અને તેના લક્ષ્ય સુધી પહોંચી જાય તો તેની પ્રસંશા કરે છે. આ વાત સમજવા જેવી છે. માનવીને પોતે ખોટો છે તેવું સાબિત થવા દેવું નથી. આથી ચીલો ચાતરનારાને તેઓ ખોટો કહે છે. તેમને પોતાની રીત, રસમ, રિવાજ અને બંધારણના નામે સલામતીને પકડી રાખવી છે. જે આવી સલામતીના ના ગણકારે તેને બળવાખોર બનાવી દેવો છે. જો આવો બળવાખોર પોતાના પાપે કે અન્યના તાપે પડે, રઝળે કે નિષ્ફળ જાય તો સરેરાશ વ્યક્તિને તેમાં પોતાનો અહં સંતોષાતો જણાય છે. આવો અહં સંતોષીને તે મનમાં કે પછી પોતાના માનીતાઓ કે પોતાના જેવા જ ગાડરીયઓના વર્તુળમાં આવા દાખલાઓ આપીને સીધી લીટીમાં ચાલવાના ફાયદા ગણાવવા માંડે છે, પરંતુ જો કોઇ ચીલો ચાતરીને સફળ થાય કે દુનિયાની નજરમાં હીરો સાબિત થાય તો તરત જ પોતાના ડરપોકપણાને છૂપવાવા માટે તે આવા લોકોને એક્ટ્રા ઓર્ડિનરી નો ખિતાબ આપી દે છે. તે કહે છે એ તો ગાંધી હતો, એ તો લિંકન હતો, એતો બિલ ગેટ્સ હતો એટલે સફળ થઇ ગયો, સામાન્ય માણસનું ગજું નહિ, બસ આવા ઉલ્લેખોથી વ્યક્તિ મહાન ગણાય છે. ઉપલબ્ધી વગર માત્ર શાંતિપૂર્ણ, સંતોષી અને આનંદમય જીવન જીવનારાને મહાન ગણવાનો રિવાજ નથી. દુનિયા માટે હવે કોઇ કાંઇ કરતું નથી, દુનિયાને શું જોઇએ છે તેનું અવલોકન કરે છે. દુનિયાને જે જોઇએ તે પોતે કેવી આપી શકે તેનું સંશોધન કરે છે. એક પછી એક પ્રયોગ કરે છે. અવિરત મહેનત કરે છે. કચકચાવીને પ્રેક્ટીશ કરે છે. નવું કરતબ કે કિમીયો શીખી લે છે. તેનું બરાબર માર્કેટિંગ કરે છે. જો ઝાઝી જરૂરીયાતવાળુ અને તરત ક્લિક થાય તેવી ફોર્મ્યુલા તેને હાથ નથી લાગી તો તે એડવર્ટાઝિંગ કરે છે. ભ્રમણાની, કલ્પનાની જરૂરીયાત ઊભી કરે છે અને પછી તેને સ્ટેટસ કે પાવરનું સિમ્બોલ બનાવી દે છે.,
કેમ ફલાણો નેતા પહેરે તેવો ઝભ્ભો કે ઢિંકણી હિરોઇન ઓળે તેવા વાળ ફેશન બની જાય છે. કારણ કે તેમને અપણે આઇકોન બનાવી દીધા છે. ઘણા આઇકોન જાતને છેતરીને બનેલા આઇકોન છે (આઇ કોન). ભપકોભારી લોકો છે. અંદરથી ખોખલા છે. તેમના અંગત જીવનમાં તેઓ એક સામાન્ય માનવી જેટલું પણ ચરિત્ર જાળવી શકતા નથી. પ્રચાર અને પ્રસારના જોરે તેમના કરતાં મોરલ(નૈતિકતા) અન કેરેક્ટર(ચરિત્ર)માં ચઢિયાતા લોકો પણ તેમને જ ફૉલો કરે છે. આ સામૂહિક રીતે અધોગતિ તરફ આકર્ષાવાની ઘટના છે જે કળિયુગનો ઓક્સિજન છે. સાચા લોકો એકલા પડી જાય છે. તેમની વાતો વેદિયા વેડા લાગે છે. લાગ જોઇને સત્યની આહલેક જગાડનારાની જ બોલબાલા છે. સત્યનું શાસન અને અનુસાસનએ ફૂલટાઇમ જોબ નથી. ખોટું કરીને પણ સફળ થનારા આઇકોન બને છે અને તેમણે કરેલા ખોટા કામને ઇન્સ્ટીંક્ટનું રૂપાળું લેબલ લગાવી દેવામાં આવે છે. આ માનસિકતા ખોટી છે એમ નથી પણ ખોખલી છે એમ જરૂર છે કારણે કે આવી માનસિકતા નોર્મલ અને રૂટિન સંજોગોમાં જે લોકોને મહાન બનાવે છે તેમની મહાનતાની જ્યારે વિપરીત કે એબનોર્મલ સંજોગોમાં સંસારને સમાજને જરૂર પડે છે ત્યારે આપણ આ કથિત મહાન લોકોની મહાનતાની મદદ માટે લગાવેલો અંદાજ ખોટો પડે છે. જે ખેલાડીએ ક્રિકેટની મેચમાં દેશને જીતાડી ત્યારે તેનો માસ્ક પહેરીને થાડી વગાડનારાઓને તેમનો આ ચહીતો સ્ટાર મેચ ફિક્સીંગ કે પછી અન્ય કોઇ સમાજ વિરોધી ગુના હેઠળ બુક થાય છેત્યારે ખુદને જ મોંઢું બતાવવામાં શરમ આવે છે.