કોરીયા કે સિરીયાઃ ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ કોણ બનશે?
પહેલા અને બીજા વિશ્વયુધ્ધ વખતે હતા તેવી જ શનિ અને પ્લુટોની ધન રાશીમાં યુતિ ભયાનક યુધ્ધના ડાકલા વગાડી રહી છે.
યુરોપીય રાજાશાહોનો વિસ્તારવાદ, પોતાના ખંડમાં સર્વોપરિ બનવાની મહેચ્છા તેમજ એશિયા અને આફ્રિકા સહિતના દેશો પર પોતાનું આધિપત્ય સ્થાપવાની ખેવનાના કારણે બે મોટા વિશ્વયુદ્ધ લડાયા. પહેલા વિશ્વયુધ્ધમાં ખુવારી ઓછી જ્યારે બીજામાં વધારે હતી. પરંતું બંને યુદ્ધમાં ગ્રહોની દશા લગભગ સરખી હતી. યુરેનસ, નેપ્ચ્યુન અને પ્લુટો જેવા લાંબા સમય સુધી એક જ રાશીમાં રહેલા ગ્રહો જ યુદ્ધનું કારણ બનતા જોવાયા છે. યુદ્ધના કારણોમાં મંગળનું અશુભત્વ અને શનિનું ખંધાપણું ચિંનગારી ચાંપવામાં નિમિત્ત બને છે. જ્યારે ગુરુનું ડહાપણ ખાડે જાય ત્યારે યુધ્ધનો નિર્ણય શાણા દેશો પણ લઇ લે છે.
આપખુદ શાસકોની ધૂન(પ્લુટો), ધર્માંધતાનો કેફ(શનિ) અને આધિપત્ય જમાવવાનું ઝનૂન(મંગળ) જ યુધ્ધ નોંતરે છે. બીજા વિશ્વયુધ્ધમાં જર્મનીનો હિટલર, ઇટલીનો મુસોલીની અને જાપાનનો હારી હિટો ભેગા મળીને આખા વિશ્વના અન્ય દેશો સામે બાથે ચડ્યા હતા. આ વખતના ગ્રહો એવો સ્પષ્ટ નિર્દેશ કરે છે. જ્યારે પહેલા વિશ્વ યુધ્ધ વખતે ઓસ્ટ્રીયા અને હંગેરીએ સર્બિયા પર હુમલો કર્યો અને તે જ સમયે જર્મનીએ બેલ્જીયમ, લક્ઝમબર્ગ અને ફ્રાન્સ પર હુમલો કર્યો આ યુદ્ધ વખતના પરિણામોના પગલે જ તે જ વખતે બીજા વિશ્વયુદ્ધનો પાયો નંખાઇ ગયો હતો. ત્યારે પણ શનિ અને પ્લુટોનો સબંધ ઊડીને આંખે વળગે તેવો હતો.
જ્યોતિષશાસ્ત્રમાં હિંસાચાર કે યુદ્ધનો ગ્રહ પ્લુટો મનાય છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ વખતે પ્લુટોની સ્થિતી જ જવાબદાર હોવાનું મનાય છે. તો વળી પાવરફૂલ દેશોનો ઇગો, તેમની શક્તિઓનો ઉપયોગ કરવાની તરંગી માનસિકતા મંગળના પ્રભાવથી આવે છે.જ્યારે વેપાર, અસ્તિત્વ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા હિતો સાચવવા માટે યુદ્ધ જરૂરી હોવાનું સામાન્ય જનમાનસને સમજાવી દેવાનું શૈતાની કોશલ્ય ધરાવતા નેતાઓની જુગલબંધી શનિના પ્લુટો સાથેના જોડાણથી આવે છે. પ્રથમ વિશ્વયુધ્ધ વખતે કર્ક સંક્રાંતિમાં પ્લુટો અને શનિની યુતિ થતી હતી. જેના કારણે ઇસુની 19મી સદીના બીજા જ દાયકામાં યુરોપથી શરૂ થયેલું યુધ્ધ સમગ્ર વિશ્વમાં ફેલાઇ ગયું. જ્યારે બરાબર 25 વર્ષ પછી બીજા વિશ્વયુધ્ધ વખતે પણ આવી જ સ્થિતી હતી. પ્લુટો કર્કમાંથી સિંહ રાશીમાં ગયો અને શનિ તેનાથી ચોથા સ્થાનમાં કાટખૂણો રચતો હતો. આમ બંને વિશ્વયુધ્ધ શનિ અને પ્લુટોની અસરમાં આવેલા ગોચરના કારણે જ સર્જાયાં છે.
હવે હાલની 2017ની સ્થિતીની ચર્ચા કરીએ તો ધન રાશીમાં શનિ અને પ્લુટો બંને છે. જે મકર રાશીથી બારમી રાશીમાં છે. પહેલાં બે વિશ્વયુધ્ધ વખતે શનિ અને મંગળ કર્ક સંક્રાંતિ પાસે હતાં. બાર રાશીના ચક્રમાં બે ધરી ગણવામાં આવે છે. એક કર્ક અને બીજી મકર. આ બંને રાશીની સંક્રાંતિમાં શનિ અને પ્લુટોનો સબંધ યુધ્ધ કે યુધ્ધ જેવી સ્થિતીનું નિર્માણ ચોક્કસ કરશે. હાલમાં ધન રાશીમાં શનિ છે. વક્રી છે. વક્રી શનિ થતાં જ ધન રાશીનો પ્રભાવ ધરાવતા દેશોમાં ઉત્પાત મચવાનું શરૂ થયું છે. ધન રાશીની દિશા પૂર્વ છે. તેમાં શનિ વક્રી થતાં જ મધ્ય પૂર્વના અખાતી દેશ ગણાતા સિરીયામાં પ્રમુખ અસદ અલ બશરે પોતાના જ દેશમાં કેમિકલ શસ્ત્રો વાપર્યાં અને 20 બાળકો સહિત 100થી વધુ લોકોના મોત નિપજ્યાં. જેના પગલે અમેરિકાએ ટોમહોક મિસાઇલનો મારો ચલાવી તેના મિજાજનો પરિચય આપી દીધો છે. મોટા વિશ્વયુધ્ધ માટે છૂપા કારણો હંમેશા હોય છે જ પણ યુધ્ધનો પલિતો તો કોઇ તૂંડ મિજાજી શાસકના શેતાની કૃત્યથી જ શરૂ થાય છે. વક્રી શનિના માહોલમાં સિરીયામાં કેમિકલ એટેક એક યુધ્ધની દિશામાં પહેલું પગલું ગણી શકાય. તો વળી પૂર્વનો જ દેશ ગણાતા ઉત્તર કોરીયાના તઘલઘી શાસક કીમ જોંગ ઉન પણ આવો જ એક તાનાશાહ છે. મલેશિયામાં એરપોર્ટ પર પિતરાઇ ભાઇની હત્યા કરાવી દેવા જેટલી ક્રૂરતા દાખવનાર આ યુવાન શાસક પણ ત્રીજા વિશ્વયુધ્ધને ભડકાવે તેવો પુરતો સ્ટેમિના ધરાવે છે. તેના દ્વારા વારંવાર કરતાં મિસાઇલ અને પરમાણું શસ્ત્રોના પરીક્ષણથી અમેરિકા ઓલરેડીઅકળાઇ ચૂક્યું છે અને યુધ્ધ જહાજો કોરીયન સમુદ્ર તરફ રવાના કરી દીધા છે.
સિરીયા, કોરીયા બંને દેશોમાંથી હાલમાં સિરીયાની સ્થિતી ભયાવહ છે. શાસક અને પ્રજા વચ્ચે મોટું અંતર છે. વિદ્રોહીઓ અને આતંકીઓ વચ્ચે પણ કોઇ ભેદરેખા રહી નથી. વળી બીજા વિશ્વયુધ્ધ પછીની સુપર પાવરની કોલ્ડ વોરની અસરો મુજબ ભાંગ્યુ તો ય ભરૂચની જેમ રશિયા પણ તેનો આંતરાષ્ટ્રીય ફલક પર ચંચૂપાત ઓછો કરવાનું વિચારતું નથી. રશિયાના શાસક બ્લાડીમીર પુટીન સૂર્ય અને શનિની અસર હેઠળના અતિ મહત્વાકાંક્ષી પ્રમુખ છે. તેમને સિરીયામાં રસ છે. તો વળી તેની સામે એક સમયે રશિયાની કઠપૂતળી તરીકે વગોવાતા અમેરીકાના જમણેરી વિચારસરણીવાળા મંગળ અને શુક્રના પ્રભાવ હેઠળ રહેલા તરંગી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છે. ઇરાનને શિયા મુસ્લીમ શાસક તરીકે અસદના તમામ અત્યાચાર ખપે તેમ છે. તો કુલ મળીને રશિયા, સિરીયા અને ઇરાનની ધરી રચાય તો બીજી તરફ અમેરિકા,યુરોપના બ્રિટન સહિતના અન્ય દેશોની ધરી રચાય તેવા ગ્રહયોગો શનિ અને પ્લુટોની અસર હેઠળ સર્જાઇ રહ્યા છે.
બીજી તરફ ઉત્તર કોરીયાના શાસકને પીઠ પાછળ ચીનનું સમર્થન મળી રહે તેવી શક્યતા છે કારણ કે ઉત્તર કોરીયાને ઊંટ બનાવીને તો ચીનને માત્ર અમેરિકાને જ હરાવવું છે. ચીન પાકિસ્તાન સાથે પણ આવા જ ત્રાહિત કારણોથી સબંધ રાખી રહ્યું છે. ધનમાંથી શનિ દેવ 21મી જુને મંગળની રાશી વૃશ્ચિકમાં વક્ર ગતિથી પાછા જશે. આ સમયે શનિનો યુધ્ધના દેવ મંગળની રાશીમાં પ્રવેશ થતાં જ કેમિકલ એટેક, કોઇ દેશના સમર્થનથી મોટા આતંકી હુમલા થાય કે પછી કોઇ કોઇ દેશના નેતાની હત્યા થાય તેવા યુધ્ધને વધુ નજીક લાવી તે તેવા બનાવો બનશે. પહેલા અને બીજા વિશ્વ યુધ્ધ વખતની સ્થિતી અને હાલની સ્થિતીમાં ટેક્નોલોજી અને વિજ્ઞાનનો ફરક છે. માનવજાતે પણ વિકાસ સાધ્યો છે. યુધ્ધના ભયંકર પરિણામો ભોગવી ચૂકેલા દેશોની ડહાપણભરી દરમ્યાનગીરી એટલે ગુરુનો પ્રભાવ, હાલમાં ગુરુ કન્યા રાશીમાં છે. સપ્ટેમ્બર 2017માં તે તુલા રાશીમાં જશે. ગુરુના ડહાપણથી કદાચ એવું પણ બને કે વિશ્વના કેટલાક દેશો છેક યુધ્ધની કગાર પર આવીને યુધ્ધ છેડ્યા વગર પાછા હટી જાય.જો ગુરુનું ડહાપણ કામે લાગી જશે તો દુનિયા આ દાયકામાં વિશ્વયુધ્ધને નહિ જુએ.