પ્રારબ્ધ મોટું કે પરિશ્રમ
આ યક્ષ પ્રશ્ન છે. મહેનતથી આગળ આવનાર માટે પરિશ્રમ અને નસીબથી સફળ થનાર માટે પ્રારબ્ધ જ મોટું હોય તે સ્વાભાવિક છે. કેટલીક એવી દલીલો છે કે જ વ્યવહારું ઘણી છે. સમજાઇ જાય તેવી છે પણ તે બોદી લાગે છે. જેમ કે સંસારના રથના બે પૈડાં જેવા છે પ્રારબ્ધ અને પુરુષાર્થ. અથવા તો પરિશ્રમના ખભા પરથી પ્રારબ્ધ બિરાજમાન છે. આ વાત સાચી તો છે પણ અર્ધ સત્ય છે. તમારા ગત જન્મના કર્મોના કારણે તમારું નસીબ બને છે. હવે કર્મ એટલે કે પરિશ્રમ, જો ગત જન્મના કર્મોથી જ નસીબ બનતું હોય તો પ્રારબ્ધ પણ એક અર્થમાં તો પુરુષાર્થ જ બની ગયો કહેવાય કે નહી. પ્રાયઃશ્ચિત્ત એટલે ચિત્તમાં ચોંટી ગયેલી કોઇ જૂની ઘટનાની પીડા, પળોજણ કે રંજ. આ પરિશ્રમ વગર પ્રાયશ્ચિત્ત બને નહિ. અને પરિશ્રમ વગર પુણ્ય પણ બને નહિ. પુણ્ય એટલે ફિક્સ ડિપોઝીટ, અને પરિશ્રમ એટલે કરંટ એકાઉન્ટ. તમે આજનો ફાયદો જોયા વગર, કાલ માટે મુશ્કેલી કે કષ્ટ વેઠીને પણ જે કાર્ય કરો છો તે પુણ્ય છે. તમને ખબર તો છે પણ ખાતરી નથી છતાં તમારામાં પડેલી સાત્વિક વૃત્તિના આધારે તમે કોઇ એવું કામ કરો છો કે જેનાથી તમને દેખીતી તકલીફ તો છે જ પણ તેની પાછળ વણદેખ્યું નસીબ સુધારવાની દાનત પણ છૂપાયેલી છે. કહેવાયું છે કે દાનમૈકં કલિયુગે. જેનો અર્થ એ છે કે કળિયુગમાં દાન જ મહાન છે. બિલ ગેટ્સ કે સ્ટીવ જોબ્સ, નારાયણ મૂર્તિ કે અન્ય મહાનુભાવો જ્યારે પોતાની સંપત્તિ દાનમાં આપીને જન્મારો સુધારવાનું ઇનિશ્યિએટીવ લઇ રહ્યા હોય ત્યારે દાન કરો અને મોક્ષ પામોની વાતને સાવ હળવામાં તો ન જ લઇ શકાય.